Ravi Purti

સંકલ્પની સીડીથી જ સપના સાકાર થાય

By GS Team
15 Nov 20267 mins read
સંકલ્પની સીડીથી જ સપના સાકાર થાય
  • નવા વર્ષના સંકલ્પનું બાળ મરણ થયું? ચિંતા ન કરતા. સુખદ પરિવર્તન લાવવાનો પ્રારંભ કરવા મુહૂર્ત જોવાની જરૂરી જ નથી
  • હોરાઈઝન-ભવેન કચ્છી
  • આવા નાગરિકોની પણ બહુમતિ છે જેઓ કહે છે કે હું તો પરફેકટ છું મારે કોઈ સંકલ્પની જરૂર જ નથી

ન વા વર્ષની શરૂઆત એટલે માત્ર કેલેન્ડરનું એક પાનું બદલાવું એટલું જ નહીં, પરંતુ પોતાની જાતને નવેસરથી જોવાનો, અધૂરાં સપનાંઓને ફરી યાદ કરવાનો અને જીવનમાં કંઈક નવું કરવાની ઇચ્છા જગાવવાનો અવસર પણ છે. દિવાળી પછી શરૂ થતું ગુજરાતી નવું વર્ષ હોય કે ૩૧ ડિસેમ્બરની મધરાતે શરૂ થતું અંગ્રેજી નવું વર્ષ, બંને પ્રસંગે એક વાત લગભગ સરખી જોવા મળે છે. લોકો પોતાની જાતને વચન આપે છે કે આ વર્ષે ચોક્કસ કંઈક બદલવું છે. કોઈ કહે છે કે હવે નિયમિત કસરત કરીશ, કોઈ નક્કી કરે છે કે વજન ઘટાડવું છે, કોઈ પૈસા બચાવવાનો સંકલ્પ લે છે તો કોઈ હવે ગુસ્સો ઓછો કરીશ તેવું મનોમન વચન આપે છે. મોબાઇલનો ઉપયોગ ઘટાડીને પરિવારને વધુ સમય આપીશ કે પછી વર્ષોથી અધૂરું રહેલું પુસ્તક વાંચવાનું શરૂ કરીશ જેવા સંકલ્પો પણ વધ્યા છે.
પરંતુ આ સંકલ્પોની એક રસપ્રદ અને થોડી રમૂજી વાસ્તવિકતા પણ છે. નવા વર્ષની શરૂઆતમાં જે ઉત્સાહથી સંકલ્પ લેવાય છે, તેમાંથી ઘણા સંકલ્પો થોડા જ દિવસોમાં હવામાં ઓગળી જાય છે. શક્ય છે ગત મંગળવારે નવા વર્ષે લીધેલા સંકલ્પોનું બાળ મરણ પણ થઇ ગયું હોય.
જો કે આવું થાય તો જરાપણ નિરાશ ન થતાં કેમ કે સંકલ્પ લેવાનો પ્રયત્ન કરીએ છીએ તે જ બતાવે છે કે આપણે કમ સે કમ આપણામાં શું ત્રુટિ છે તે તો જાણીએ છીએ. આજે નહીં તો કાલે તેમાં સફળ થઇ શકવાની પુરી શક્યતા છે.માનવીની મૂળભૂત ઇચ્છા એ જ છે - ગઈકાલ કરતાં આવતીકાલે થોડા વધુ સારા બનવું.નવા વર્ષના સંકલ્પો પાછળ દરેક વ્યક્તિની પોતાની એક અધૂરી વાર્તા હોય છે.
પ્રાચીન પરંપરા
નવા વર્ષના સંકલ્પોની પરંપરા આજના જમાનાની નથી. પ્રાચીન બેબિલોનમાં પણ નવા વર્ષની શરૂઆત વખતે લોકો દેવતાઓ સમક્ષ વચનો આપતા હતા. લગભગ ચાર હજાર વર્ષ પહેલાં બેબિલોનિયનો વસંત ઋતુમાં નવા વર્ષની ઉજવણી કરતા અને દેવતાઓને વચન આપતા કે ઉધાર લીધેલી વસ્તુઓ પરત કરશે, દેવું ચૂકવશે અને પોતાની જવાબદારીઓ નિભાવશે. પ્રાચીન રોમમાં પણ જાન્યુઆરી મહિનાનું નામ જેનસ (વચહેજ) નામના દેવ પરથી પડયું હોવાનું માનવામાં આવે છે. જેનસને બે ચહેરાવાળા દેવ તરીકે દર્શાવવામાં આવતા હતા. એક ચહેરો ભૂતકાળ તરફ અને બીજો ભવિષ્ય તરફ જોતો હતો. નવા વર્ષની શરૂઆતમાં ભૂતકાળનું મૂલ્યાંકન કરીને ભવિષ્ય માટે નવા નિર્ણયો લેવાની પરંપરા સાથે આ પ્રતીકાત્મક જોડાણ ઘણું રસપ્રદ છે.
અમેરિકન સાઇકિયાટ્રિક એસોસિયેશનના સર્વેક્ષણમાં ૮૧ ટકા નાગરિકો નવા વર્ષ માટે કોઈ ને કોઈ સંકલ્પ લેવાની વાત કરી હતી. તેમાં ૩૯ ટકા લોકોએ શારીરિક તંદુરસ્તી, ૩૮ ટકાએ નાણાકીય બાબતો, ૩૩ ટકાએ માનસિક સ્વાસ્થ્ય, ૨૫ ટકાએ ખોરાકની ટેવો અને ૨૫ ટકાએ સામાજિક સંબંધો સુધારવાના સંકલ્પ કર્યા હતા. અમેરિકામાં જ નહીં ભારત સહીત વિશ્વના દેશોમાં પણ નાગરિકો આ જ પડકારો ધરાવે છે અને આવી જ ટકાવારી પ્રમાણે સંકલ્પ લે છે.
સંકલ્પો વ્યક્તિની ઉંમર અને જીવનના તબક્કા પ્રમાણે પણ બદલાતા હોય છે. વિદ્યાર્થી માટે સમયનું વ્યવસ્થાપન, પરીક્ષામાં સારા પરિણામ અને મોબાઇલથી દૂર રહેવું મહત્ત્વનું હોય છે. નોકરી કરતા યુવાનો માટે કારકિર્દીમાં પ્રગતિ, નવી સ્કિલ શીખવી અને બચત કરવી અગત્યની બને છે. મધ્યમ વયની વ્યક્તિઓ માટે સ્વાસ્થ્ય, પરિવાર અને આર્થિક સુરક્ષા પ્રાથમિકતા બને છે. જ્યારે વયસ્ક લોકો માટે નિયમિત ચાલવું, જૂના મિત્રો સાથે સંપર્ક જાળવવો, વાંચન અને માનસિક શાંતિ મહત્ત્વનાં બની જાય છે.
નવો વિષય ઉમેરાયો
સંકલ્પોની યાદીમાં એક નવો વિષય પણ ઝડપથી ઉમેરાઈ રહ્યો છે. તે છે ડિજિટલ ડિટોક્સ. સોશિયલ મીડિયા પર ઓછો સમય પસાર કરવો, ઊંઘતા પહેલાં મોબાઇલ બાજુ પર મૂકવો, ભોજન વખતે ફોનનો ઉપયોગ નહીં કરવો અને દિવસના અમુક કલાકો ડિજિટલ દુનિયાથી દૂર રહેવું. એક જમાનામાં લોકો નવા વર્ષે સિગારેટ કે અન્ય ખરાબ ટેવો છોડવાનો સંકલ્પ લેતા હતા, હવે ઘણા લોકો મોબાઇલની આદત ઓછી કરવાનો સંકલ્પ લે છે. ટેક્નોલોજીએ જીવન સરળ બનાવ્યું છે, પરંતુ એ જ ટેક્નોલોજીમાંથી થોડો સમય મુક્તિ મેળવવાની ઇચ્છા પણ વધતી જાય છે.
સંકલ્પ લેવો સરળ છે, તેને જીવનનો ભાગ બનાવવો મુશ્કેલ છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે આપણે ઘણી વાર ઉત્સાહના આવેશમાં પોતાની ક્ષમતા કરતાં મોટા નિર્ણયો લઈ લઈએ છીએ. આખું વર્ષ કસરત નહીં કરનાર વ્યક્તિ દરરોજ એક કલાક જિમમાં જવાનો સંકલ્પ કરે છે. વર્ષોથી વાંચનથી દૂર રહેલી વ્યક્તિ દર મહિને બે પુસ્તકો વાંચવાનું નક્કી કરે છે. આખો દિવસ મોબાઇલમાં વ્યસ્ત રહેનાર વ્યક્તિ એકાએક સોશિયલ મીડિયા છોડી દેવાનો નિર્ણય લે છે. આ બધા નિર્ણયો સારા છે, પરંતુ તેની સાથે જોડાયેલી રોજિંદી ટેવોમાં ધીમે ધીમે ફેરફાર કર્યા વગર આટલો મોટો બદલાવ લાવવો મુશ્કેલ છે.
બીજું કારણ એ છે કે આપણે પરિણામ પર વધારે ધ્યાન આપીએ છીએ, પ્રક્રિયા પર ઓછું. ઉદાહરણ તરીકે, વજન ઘટાડવું એ પરિણામ છે, પરંતુ તેના માટે રોજિંદી જીવનશૈલીમાં કયા નાના ફેરફારો કરવા તે પ્રક્રિયા છે. વધુ પૈસા બચાવવા એ લક્ષ્ય છે, પરંતુ દર મહિને આવકમાંથી ચોક્કસ રકમ અલગ રાખવી એ પ્રક્રિયા છે. પુસ્તક વાંચવાનો સંકલ્પ કરવો સહેલો છે, પરંતુ દરરોજ સૂતાં પહેલાં પંદર મિનિટ વાંચવા બેસવું એ ખરેખરનો બદલાવ છે.
હવે શું ફાયદો
ત્રીજું કારણ છે 'ઓલ ઓર નથિંગ' એટલે કે બધું જ અથવા કશું જ નહીં એવી માનસિકતા. આપણે સંકલ્પ લઈએ કે દરરોજ ચાલવા જવું છે. એક દિવસ વરસાદ પડે, કામ વધારે હોય કે તબિયત સારી ન હોય અને ચાલવાનું રહી જાય તો મનમાં થાય કે સંકલ્પ તૂટી ગયો. હવે શું ફાયદો? પછી બીજા દિવસે પણ ચાલવાનું ટળી જાય છે. હકીકતમાં એક દિવસ કે કેટલાક દિવસોની ગેરહાજરી આખા સંકલ્પની નિષ્ફળતા નથી. એક દિવસ ચૂક્યા પછી ફરી શરૂઆત કરવાની તૈયારી જ સફળતાની ચાવી છે.
ચોથું કારણ છે તાત્કાલિક આનંદ અને લાંબા ગાળાના ફાયદા વચ્ચેનો સંઘર્ષ. રાત્રે વહેલા સૂવાનો નિર્ણય કર્યો હોય છતાં મોબાઇલ પર એક વીડિયો પછી બીજો વીડિયો જોવાની લાલચ થાય છે. પૈસા બચાવવાનો સંકલ્પ કર્યો હોય છતાં ઓનલાઇન શોપિંગમાં કોઈ આકર્ષક ઓફર દેખાય છે. બહારનું ખાવાનું ઓછું કરવાનો નિર્ણય કર્યો હોય ત્યારે મિત્રો સાથેની પાર્ટી સામે આવે છે. આપણા રોજિંદા જીવનમાં આવા નાના નાના પ્રસંગો સંકલ્પની કસોટી લેતા રહે છે.
જુદો દ્રષ્ટિકોણ
નવા વર્ષના સંકલ્પોની વાત આવે ત્યારે આપણે સામાન્ય રીતે પોતાની જાતને લગતા નિર્ણયો લઈએ છીએ. પરંતુ એક વિચાર એવો પણ છે કે નવા વર્ષમાં આપણે સમાજ અને સંબંધો માટે પણ કેટલાક સંકલ્પ લઈ શકીએ.
ઉદાહરણ તરીકે, વર્ષમાં ઓછામાં ઓછા એક વૃદ્ધ વ્યક્તિની મદદ કરવી, કોઈ જરૂરિયાતમંદ બાળકના શિક્ષણમાં યોગદાન આપવું, અઠવાડિયામાં એક દિવસ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, વૃક્ષોનું જતન કરવું, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવી કે પછી કોઈ જૂના મિત્ર સાથે ફરી સંપર્ક કરવો. આવા સંકલ્પો માટે મોંઘી વસ્તુઓ ખરીદવાની કે કોઈ ખાસ સાધન વસાવવાની જરૂર નથી. માત્ર ઇચ્છાશક્તિ અને થોડા પ્રયત્નોની જરૂર છે.
ક્યારેક આપણે કોઈ વ્યક્તિને વર્ષોથી માફ કરી શકતા નથી. કોઈની સાથે અણબનાવ થયો હોય, કોઈ સંબંધમાં અંતર આવી ગયું હોય કે કોઈ જૂની વાત મનમાં રહી ગઈ હોય. નવા વર્ષે એ વ્યક્તિને ફરી એક વાર વાત કરવાની તક આપવાનો સંકલ્પ પણ જીવનને વધુ હળવું બનાવી શકે છે. દરેક સંબંધ ફરી પહેલાં જેવો બને એ જરૂરી નથી, પરંતુ મનમાં રહેલો ભાર ઓછો થાય એ પણ એક પ્રકારની સફળતા છે.
મર્યાદા જાણો
આપણે સંકલ્પો ઘણી વાર બીજાને જોઈને લઈએ છીએ. કોઈ મિત્ર મેરેથોન દોડવાની તૈયારી કરે એટલે આપણને પણ દોડવાનું મન થાય. કોઈ પરિચિતે વિદેશ પ્રવાસ કર્યો હોય તો આપણે પણ આ વર્ષે વિદેશ જવાનું નક્કી કરીએ. સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિની શિસ્તબદ્ધ જીવનશૈલી જોઈને આપણને પણ એવું જ જીવન જીવવાની ઇચ્છા થાય. પરંતુ બીજાની પ્રેરણાથી શરૂ કરેલી બાબતને પોતાની આંતરિક જરૂરિયાતમાં ફેરવી ન શકાય તો તેનો ઉત્સાહ લાંબો સમય ટકતો નથી.આપણે પોતાની મર્યાદા જાણીને સંકલ્પ લેવા જોઈએ. સંકલ્પ તૂટી જાય તો દોષની લાગણી અનુભવ્યા વગર ફરી પ્રયત્નશીલ બનવું પણ જરૂરી છે.
હવે જરા જુદી વાત. માની લો કે નવા વર્ષે લીધેલા સંકલ્પનું પાલન કરવામાં નિરાશ થયા તો તે રીતે વિચારો કે બદલાવ માટે કોઈ ખાસ દિવસ, પ્રસંગ કે સમયની રાહ જોવાની શું જરૂર? કોઈ પણ દિવસ નવી શરૂઆત માટે યોગ્ય હોઈ શકે છે. સોમવારથી શરૂ કરીશ, આવતા મહિનાથી શરૂ કરીશ, જન્મદિવસ પછી શરૂ કરીશ કે નવા વર્ષથી શરૂ કરીશ એવી વાતોમાં ઘણી વાર આપણે આજનો દિવસ ગુમાવી દઈએ છીએ. તમે વર્ષ દરમ્યાન કોઈપણ તિથિ કે તારીખથી સંકલ્પ લઈ શકો છો. 'જાગ્યા ત્યારથી સવાર' કહેવત કેટલી સાર્થક છે.
નાની શરૂઆત
દસ સંકલ્પો લઈને નવ નિષ્ફળ જવા કરતાં એક જ સંકલ્પ લઈને તેને પૂરા વર્ષ સુધી જાળવી રાખવો વધુ સારું છે. અને જો એ એક સંકલ્પ પણ ક્યારેક તૂટી જાય તો ફરી વર્ષ દરમ્યાન શરૂઆત કરવામાં કોઈ સંકોચ ન રાખવો જોઈએ.
ફિલસુફ અને મનોવિજ્ઞાની જેમ્સ ક્લિયરનું માનવું છે કે નાની નાની આદતોમાં થતો સુધારો જ સમય જતાં મોટા પરિણામો આપે છે. એટલે પોતાની જાતને સંપૂર્ણપણે બદલી નાખવાનું વચન આપવાને બદલે દરરોજ થોડું વધુ સારું બનવાનું વચન આપીએ તો તે વધુ સારું પરિણામ આપે છે. રોજ઼ ૫૦૦૦ ડગલાં ચાલવાનો સંકલ્પ લઈએ તેના કરતા તેને લક્ષ્ય રાખીએ અને શરૂઆત રોજના ૫૦૦-૧૦૦૦ ડગથી કરીએ તો સફળ થવાની શક્યતા વધી જાય છે. આ જ રીતે રોજ઼ બે પાના વાંચવા, ૧૫ મિનિટ મોબાઈલ વગર રહેવું, દસ મિનિટ ધ્યાન ધરવું જેવી શરૂઆત કરવી જોઈએ.
જ્ઞાન પોસ્ટ
મિલને કી તુમ કોશિશ કરના વાદા કભી ન કરના.. વાદા તો તૂટ જાતા હૈ (એક ફિલ્મ ગીતની પંક્તિ)