Ravi Purti

ડોનાલ્ડ ટ્રમ્પ : ખતરો કે કામયાબ?

By GS Team
1 Aug 20268 mins read
ડોનાલ્ડ ટ્રમ્પ : ખતરો કે કામયાબ?
  • પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
  • વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે ટ્રમ્પ માત્ર વર્તમાન ક્ષણ જીવનારી વ્યક્તિ છે, એ ભૂતકાળમાંથી કશું શીખતા નથી અને ભવિષ્યની લેશમાત્ર ફિકર કરતા નથી.

આ જે વિશ્વભરના મનોચિકિત્સકો રોજેરોજ આખીય માનવજાતને ઉપરતળે કરનાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ગંભીરપણે મનોવિશ્લેષણ કરી રહ્યા છે. એમના ચિત્તની વિશેષતા પારખવા માટે મનોવિજ્ઞાનનાં ગ્રંથોનો આધાર લે છે અને એમના વ્યક્તિત્વને પામવા માટે રાત-દિવસ જુદી જુદી થિયરી રજૂ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરિકાના અને અન્ય દેશોના રીયલ એસ્ટેટ માર્કેટ પર મજબૂત પકડ ધરાવે છે. એમણે 'ટ્રમ્પ મીડિયા અને ટેકનોલોજી ગૂ્રપ'દ્વારા મીડિયાના ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું છે. આવા અબજોપતિ વેપારીનો મુખ્ય વેપાર ગોલ્ફ કોર્સ, હોટલ, રીયલ એસ્ટેટ અને માત્ર અમેરિકામાં જ નહીં, બલ્કે વિશ્વભરમાં અનેક લક્ઝરી પ્રોપર્ટી છે. પેન્સિલવેનિયા યુનિવર્સિટીની વોર્ડન સ્કૂલમાંથી સ્નાતક થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પિતાનો જમીનનો કારોબાર સંભાળ્યો અને ત્યારબાદ એને વિસ્તારીને કેસિનો અને વૈભવી મિલકતો દ્વારા અઢળક કમાણી કરી.
મજાની વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અબજોપતિ ઉદ્યોગપતિ હોવા છતાં એમની કેટલીક કંપનીઓએ નાદારી નોંધાવેલી છે, પરંતુ આ વાત થઈ સફળ અમેરિકન ઉદ્યોગપતિ ટ્રમ્પની, પણ આજે તો ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે રોજેરોજ પોતાના ધમકીભર્યા વિધાનો, અપમાનજનક ટીપ્પણીઓ, વિશ્વમાં ધરતીકંપ મચાવે તેવા નિર્ણયો અને પોતાના વિરોધી એવી રાજકીય હસ્તીઓ વિશે ભારે તુચ્છકારથી વાત કરવામાં જાણીતા બન્યા છે. કોઈ એમને સરમુખત્યાર કહે છે, તો કોઈ સ્વાતંત્ર્ય, લોકશાહી, સંવેદના અને સૌજન્ય સઘળાને દફનાવી દઈને રાજકીય કાવાદાવા ખેલતા રાજકારણી માને છે.
ડોનાલ્ડ ટ્રમ્પના વ્યક્તિત્વની ખોજ કરતા મનોવિજ્ઞાની અને લેખક ડેન.પી. મેકએડમ્સ તો કહે છે કે, 'એમની પાસે ઊંડી આત્મશોધ કરવાની વૃત્તિ નથી અને આવી વૃત્તિના અભાવે તેઓ 'એપિસોડિક માઇન્ડ' ધરાવે છે. કોઈ પણ બાબતને ગંભીરતાથી લેવી અને એનો ઊંડો વિચાર કરવો એવો સ્વભાવ નથી હોતો. કેટલાક માનસિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞા તો ડોનાલ્ડ ટ્રમ્પના વ્યક્તિત્વમાં પોતાનું મહિમામંડન કરવાની પ્રબળ વૃત્તિ, અત્યંત આવેગશીલતા અને સહાનુભૂતિનો સદંતર અભાવ હોવાનું કહે છે.
પોતાની જાતે પોતાનું મહિમામંડન કરનારા ડોનાલ્ડ ટ્રમ્પ ત્રણ બાબતો પર વિશેષ લક્ષ આપે છે. એક છે પ્રજાની મોટી રેલીઓને મહત્ત્વ આપવું, મીડિયા કવરેજ પર ધ્યાન આપવું અને પોતે મેળવેલી ઉપલબ્ધિઓની વારંવાર બડાશભરી જાહેરાત કરવી. નોબેલ પારિતોષિક અંગે એ કેટલા ઉત્સુક હતા એ તો આપણે જાણીએ છીએ. આ બધું જોઈને કેટલાક મનોચિકિત્સકો એમનામાં 'નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર' હોવાનું કહે છે. આ પ્રકારનું લક્ષણ ધરાવતી વ્યક્તિ સૌ પહેલા તો પોતાનું અપમાન સહન કરી શકતી નથી, પોતાના વિશે કોઈ થોડી ટીકા-ટિપ્પણ કરે, તો તેને એ સહન કરી શકતી નથી, એ સતત પોતાની જાતને કેન્દ્રમાં રાખે છે અને સાથોસાથ સફળતાનું સઘળું શ્રેય લેવા માટે એ સ્વયં પ્રવૃત્તિ કરતા હોય છે. કોઈ બીજી વ્યક્તિ શ્રેય આપે તે નહીં, બલ્કે એ જાતે જ પોતાની જાતને શ્રેય આપે છે. ભારતના ઓપરેશન સિંદૂર સમયે પોતાની જાતને ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થાપનારા નેતા તરીકે ખપાવવા માટે એમણે મરણિયા પ્રયાસો કર્યા હતા. એમની વ્યક્તિગત ટીકા કરનાર વ્યક્તિને એ તોછડા શબ્દોમાં જાહેરમાં ઉતારી પાડે છે. સોશિયલ મીડિયા પર પણ પોતાના વિરોધીઓ પર બેફામ પ્રહારો કરતા હોય છે.
તો ટ્રમ્પ 'નાર્સિસિસ્ટ' (આત્મમુગ્ધતા ધરાવનાર) છે ? એવો સવાલ બધા પૂછે છે. એનું કારણ એ કે નાર્સિસિસ્ટ વ્યક્તિત્વના કેટલાક સામાન્ય લક્ષણો ટ્રમ્પમાં જોવા મળે છે. પોતાને બધામાં 'વિશિષ્ટ' માનવો, પ્રશંસાની સતત લાલસા રાખવી, ટીકા પ્રત્યે અણગમો દાખવવો અને પોતાની સિદ્ધિઓને ગાઈ-બજાવીને ૨જૂ ક૨વી. એના આ ગુણલક્ષણો પરથી મનોવૈજ્ઞાનિકો તારવે છે કે એનું વર્તન વિભાજનકારી, આવેગપૂર્ણ અને સંસ્થાઓની પરંપરાનો ધ્વંસ કરનારું છે. પણ આને કારણે એમ કહી શકાય નહીં કે ડોનાલ્ડ ટ્રમ્પ અમુક મનોવૈજ્ઞાનિક વિકારથી પીડિત છે. હકીકતમાં એમના વાણી અને વર્તનમાં આના થોડા સંકેત
મળે છે.
આને પરિણામે જ The Dangerous Case of Donald Trump ના લેખકોનો તો એવો મત છે કે વિશ્વ પર પ્રભાવ પાડનાર અમેરિકાના આ પ્રમુખ એક સાર્વજનિક નેતા તરીકે ઘણા ખતરનાક લક્ષણો ધરાવે છે, જે સમય જતાં સમાજ અને લોકતંત્રને માટે ભયરૂપ સાબિત થઈ શકે તેમ છે અને એથી જ વિશેષજ્ઞાનું માનવું કે ટ્રમ્પના આ લક્ષણ પર સાર્વજનિક ચર્ચા જરૂરી છે, નહીં તો વિશ્વ પર મોટી આફત ઉતરી આવશે.
જોકે આની સામે એમ પણ કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પમાં અત્યાધિક આત્મમુગ્ધતા છે, એવી ટીકા એ નાની બાબતને મોટું રૂપ આપનારી છે. રાજકીય નેતાઓની ગતિવિધિને કોઈ માનસિક રોગ સાથે જોડવાની જરૂ૨ નથી. એમનું મૂલ્યાંકન અને સમાધાન લોકતાંત્રિક અને રાજકીય પ્રક્રિયાના માધ્યમથી થવું જોઈએ.
ડોનાલ્ડ ટ્રમ્પની સકારાત્મક બાજુને જોઈએ તો એનામાં કપરી પરિસ્થિતિ વચ્ચે નિર્ણય લેવાનું સાહસ છે. એ કહે છે કે મારા વિરોધીઓ મારી હવે પછીની ચાલ નથી જાણતા, તેથી મારી સ્થિતિ મજબૂત રહે છે. બીજી બાબત પોતાના સમર્થકોમાં આત્મવિશ્વાસ પેદા કરવાની એમની ક્ષમતા છે. પણ ઓછામાં ઓછું એટલું તો કહી શકાય કે ડોનાલ્ડ ટ્રમ્પમાં પ્રભુત્વની પ્રબળ ઇચ્છા છે અને એને કારણે એને મનોવિજ્ઞાનમાં Dominance Orientation કહે છે, તેનાથી પીડાય છે. જેની વાતચીત અને વ્યવહારની ભાષા એવી હોય છે કે જે પોતાની જાતને ઘણી શક્તિશાળી અને સામેની વ્યક્તિને કમજોર પૂરવાર કરતી હોય.
આને માટે એ પોતાના વિરોધીઓને સતત જુદાં જુદાં ઉપનામ આપીને એમની હાંસી ઉડાવે છે. જેમકે કમલા હેરિસને 'લાફિંગ કમલા' કે 'ક્રેઝી કમલા' કહીને એમના હાસ્ય અને કથિત આક્રમક વલણ પર કટાક્ષ કરે છે. જ્યારે જો બાઇડનને આળસુ અને ઊંઘતા ચિતરવા માટે 'સ્લિપી જા' એવું ઉપનામ વાપરે છે. ૨૦૧૬ની ચૂંટણી દરમિયાનના હિલેરી ક્લિન્ટન ૫૨ થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે એમને 'ક્રૂક્ડ હિલેરી' તરીકે સંબોધે છે. તો ટ્રમ્પ વિરોધી મીડિયાને 'ફેક ન્યુઝ મીડિયા' કહે છે આ રીતે અપમાનજનક ઉપનામો આપીને એ વિરોધીઓની પ્રતિભાનું ખંડન કરે છે.
ધમકી આપવામાં તો ટ્રમ્પને કોઈ પહોંચી શકે નહીં ! એ ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવાની એની મહત્ત્વાકાંક્ષાનો વિરોધ કરનારા દેશોને આર્થિક હાલાકી ભોગવવી પડશે એવી ખુલ્લી ચેતવણી આપે છે. યુરોપિય દેશો અને ભારત તથા ચીન તરફ પણ એણે સતત ટેરિફની ચાબુક ફટકારવાની ધમકી આપી છે. ક્યૂબા સીધું દોર થઈ જશે એવું કહે છે તો બીજી બાજુ એણે એક વાર કહ્યું કે, 'જો અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો એની આખી સભ્યતા એક રાતમાં રાખમાં ફેરવાઈ જશે.' જોકે એ પછી ડોનાલ્ડ ટ્રમ્પે અસ્થાયી યુદ્ધવિરામ પણ જાહેર કર્યો.
હવે પરિણામ એ આવ્યું છે કે ટ્રમ્પની ધમકીઓ જુદા જુદા દેશનાં લોકો સાંભળે છે ખરા, પણ એને સાચી માનતા નથી. એની પાછળનું કારણ એ છે કે એણે પહેલા જે નિર્ણયો લીધા, એ પછી થોડા જ સમયમાં એમાં યુ-ટર્ન લઈ છે. એણે કેનેડા, ભારત અને રશિયાને ભારે ટેરિફ લાદવાની ધમકી આપી હતી, પણ એ ધમકી ધમકી જ રહી.

પ્રભુત્વની ઇચ્છા રાખનારી વ્યક્તિ કઠોર વિધાનો કરતી હોય છે અને ક્યારેક પોતાનું પ્રભુત્વ સિદ્ધ કરવા માટે એ ઘણી વાર વિદેશી નેતાઓનું પણ અપમાન કરે છે.
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે એ જાહે૨માં બાખડી પડયા છે અને ભારત અને ચીન જેવા દેશોને પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં 'નરક' સમાન ગણાવીને મોટો વિવાદ ઊભો કર્યો હતો. એ જ રીતે અમેરિકામાં વસતા ઇમિગ્રન્ટ્સ અંગે વારંવાર અણગમો અને તિરસ્કાર દાખવીને જાતિવાદને ઉશ્કેરતા રહ્યા છે. આવી રાજનીતિ પ્રમુખના સમર્થકોને આકર્ષતી હોય છે, પણ વિરોધીઓ સાથેનાં સંબંધોમાં તંગદિલી સર્જતી હોય છે.
વિશેષજ્ઞાોના કહેવા પ્રમાણે ટ્રમ્પ માત્ર વર્તમાન ક્ષણ જીવનારી વ્યક્તિ છે, એ ભૂતકાળમાંથી કશું શીખતા નથી અને ભવિષ્યની લેશમાત્ર ફિકર કરતા નથી. માત્ર વર્તમાનમાં ચાલતા વિવાદ પર ચર્ચા, સ્પર્ધા કે લડાઈ કરીને એને જીતવા ૫૨ એમનું વધારે લક્ષ હોય છે. આથી વિશ્લેષકો એમને અત્યંત બહિર્મુખ ધરાવનારી વ્યક્તિ માને છે કે જેનામાં સંવાદી સ્વભાવનો સદંતર અભાવ છે.
પરિસ્થિતિનું તાર્કિક આંકલન ક૨વાને બદલે એ અંગે તીવ્ર, અત્યંત આક્રમક અને જોરદાર પ્રતિક્રિયા આપે છે. આથી જ પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક ડેન.પી. મેકએડમ્સના અનુસાર ટ્રમ્પ જાણીને કે અજાણતા સામાજિક મનોવિજ્ઞાનનો ઉપયોગ કરીને લોકોના મન પર સતત ભયની ભાવના પેદા કરે છે અને આવા ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જીને પોતાને સંકટમોચન કરનાર અને નિર્ભયતા આપનાર તરીકે પોતાની જાતને દર્શાવે છે. એક તર્ક એ પણ છે કે ટ્રમ્પના પિતા અત્યંત કઠોર, પ્રતિસ્પર્ધી અને પ્રબળ મહેચ્છાઓ રાખનાર હતા અને એમના માતા પણ એમને ભાવનાઓનું પોષણ આપી શક્યા નહીં. પરિણામે ટ્રમ્પની ભત્રીજી મેરી ટ્રમ્પ પાસેથી એના કાકાના સ્વભાવની વાત જાણીએ. એ એના પુસ્તકમાં કહે છે કે, 'નબળાઈ કે ભાવનાત્મક સંવેદનશીલતા બતાવવી એને ટ્રમ્પ ખતરનાક માને છે અને એથી જ ટ્રમ્પના વ્યક્તિત્વમાં કઠોરતા, તીવ્ર સ્પર્ધા અને પ્રભુત્વની લાલસા જોવા મળે છે.'

ક્ષણનો સાક્ષાત્કાર
કોઈ વ્યક્તિને પહેલી વાર જોઈએ અને આપણા ચિત્તમાં તત્ક્ષણ એની છબી અંકિત થઈ જતી હોય છે. આપણું અવચેતન મન(સબકોન્સિયન્સ માઇન્ડ) તરત જ એ વ્યક્તિની છાપ ઝીલી લે છે અને ક્ષણભરમાં એ વ્યક્તિ અંગેનો પ્રતિભાવ કે અભિપ્રાય આપણા મનને આપે છે. અર્થાત્ પહેલીવાર મળતી વ્યક્તિ પ્રત્યેનો ગમો કે અણગમો તમારું જાગ્રત મન(કોન્સિયન્સ માઇન્ડ) નક્કી નથી કરતું, પરંતુ તમારું અવચેતન મન નક્કી કરે છે. કોઈ વ્યક્તિને જોઈએ અને એ કાં તો આપણને ગમી જાય છે અને અથવા એના પ્રત્યે અણગમો થાય છે.
આ તમારા ગમા-અણગમાનો ફેંસલો કેટલા સમયમાં મળે છે એ તમે જાણો છો ? માત્ર ચાર સેકન્ડથી ઓછા સમયમાં તમારી પહેલી પસંદ- નાપસંદની તમને જાણ થાય છે. બને છે એવું કે તમારું જાગ્રત મન જેવા તમે સામેની વ્યક્તિને મળો છો કે તરત જ એનો ઝડપી સ્નેપ-શોટ લઈ જાય છે અને પછી આ ઝડપી સ્નેપ શોટ તમારા અવચેતન મન પાસે જાય છે અને એ અવચેતન મન એની લાઇબ્રેરીમાં વ્યક્તિ ગમા-અણગમાની શોધ કરે છે. પછી તત્કાળ તમને એ વ્યક્તિ ખૂબ ગમી ગઈ છે કે સહેજે ગમતી નથી, એનો ઉત્તર તમને મળી જશે. એ વ્યક્તિ વિશેની એક પોઝિટીવ યા નેગેટિવ ફિલિંગ્સ તમને મળશે.
અવચેતન મન તમારા જાગ્રત મન કરતાં કેટલી ઝડપથી કામ કરે છે એનો તમને અંદાજ પણ નહીં આવે. એ તમારા જાગ્રત મન કરતા આઠ હજાર ગણી વધુ ઝડપે કામ કરે છે. આ અવચેતન મન(સબકોન્સિયન્સ માઇન્ડ)નું કામ તમારા પોતાની જાત વિશેના ખ્યાલો, તમારી મૂળભૂત માન્યતાઓ તમારી વાણી અને કાર્યો સાથે પેલી વ્યક્તિની છબીનો મેળ બેસાડવાનું હોય છે. આ અવચેતન મન તમારી વાણી, ઉચ્ચારણ, આત્મવિશ્વાસ, આવડત, લાગણી અને સઘળી પરિસ્થિતિમાં તમારા પર કાબૂ ધરાવે છે અને એ જ તમને તાત્કાલિક ઉત્તર આપે છે. એવું બને કે પહેલી વાર વ્યક્તિને મળીએ અને અણગમો થાય, પણ પછી વધુ પરિચય કેળવાતા એ ગમવા પણ લાગે, પરંતુ તમારો સર્વપ્રથમ તત્કાળ પ્રતિભાવ તો તમારું અવચેતન મન નક્કી કરતું હોય છે.