વિકલાંગતા અવરોધ નથી

આજકાલ-પ્રીતિ શાહ
શિક્ષણ સહુનો અધિકાર છે. વિકલાંગતા તેમાં બાધારૂપ નથી. જો ઈરફાન લોન કરી શકે તો દરેક યુવાન તે કરી શકે
જી વનમાં પારાવાર મુશ્કેલીઓ, વણકલ્પ્યા અવરોધો અને કપરો સંઘર્ષ કરીને સફળતા મેળવનારાઓ સમાજમાં પ્રેરણારૂપ બની રહે છે. આવું જ એક નામ છે ઈરફાન અહમદ લોન. ૧૯૯૫માં કાશ્મીરના બાંદીપુર જિલ્લાના નૈદખાઈ ગામમાં તેનો જન્મ થયો હતો. પિતા બશીર અહમદ લોન સિંચાઈ વિભાગમાં મજૂરીનું કામ કરતા હતા, છતાં તેમણે પોતાના પુત્રને સ્થાનિક સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો, કારણ કે તેઓ સમજતા હતા કે શિક્ષણથી જ જીવનમાં સફળતા મળી શકશે. ઈરફાન જ્યારે ચાર વર્ષનો હતો, ત્યારે ઘરની બહાર બાળકો સાથે રમતો હતો. એક બાળકના હાથમાં સિરીંજ હતી. કોઈ કારણસર ઈરફાન પડયો અને એ સિરીંજ સીધી તેની આંખમાં ઘૂસી ગઈ. માતા-પિતાએ કેટલાય ડૉક્ટરોને બતાવ્યું, પરંતુ એ આંખની રોશની પાછી ન આવી. પોતાનો પુત્ર એક આંખથી તો દુનિયા જોઈ શકશે એમ સંતોષ માન્યો, પરંતુ થોડા સમયમાં સ્કૂલમાં ઈરફાનના હાથમાં બંને બાજુ અણી કાઢેલી પેન્સિલ હતી અને એક છોકરાનો ધક્કો વાગ્યો. જે આંખથી ઈરફાન દુનિયા જોઈ રહ્યો હતો તે સારી આંખમાં પેન્સિલની અણી ઘૂસી ગઈ.
એના પિતાની મહિને માંડ ત્રણ હજાર રૂપિયાની કમાણી હતી, પરંતુ પુત્રની આંખ બચાવવા તેમનાથી બનતા બધા પ્રયત્નો કર્યો. ડૉક્ટરની સલાહ મુજબ તેને દિલ્હીના જાણીતા ડૉક્ટરો પાસે લઈ ગયા. થોડા વર્ષો તેઓ નૈદખાઈ અને દિલ્હી વચ્ચે અવરજવર કરતા રહ્યા. આટલી નાની ઉંમરમાં તેની આંખ પર અઢાર ઓપરેશન થયા. તેમાંનું એક ઓપરેશન દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં થયું. આ ખર્ચને પહોંચી વળવા પિતાએ પોતાની જમીન અને અન્ય ચીજવસ્તુઓ વેચી દીધી, પરંતુ આંખની રોશની પાછી ન આવી. ઈરફાને માત્ર દ્રષ્ટિ જ નહોતી ગુમાવી, પણ આટલા બધા ઓપરેશનને કારણે એની આડઅસર રૂપે એની સાંભળવાની ક્ષમતા પર પણ અસર થઈ. આજે તે હીયરિંગ એઇડથી સાંભળી શકે છે. આ બધી ઘટનાઓની અસર ઈરફાન પર થઈ હતી. એવામાં તેની માતાનું બ્રેઇન હેમરેજથી અવસાન થયું. જે ઉંમરે અને આવી પરિસ્થિતિમાં માતાની હૂંફની સૌથી વિશેષ જરૂર હતી, તે જ સમયે તેણે માતાની છત્રછાયા ગુમાવી. ઈરફાન બધી રીતે નિરાશ થઈ ગયો હતો.
આવી પરિસ્થિતિમાં ડૉક્ટરોએ સલાહ આપી કે તેને પ્રજ્ઞાચક્ષુઓની સ્કૂલમાં અભ્યાસ માટે દાખલ કરે. પિતાએ તપાસ કરી અને પોતાના ગામથી સેંકડો કિમી. દૂર દહેરાદૂનની મોડલ સ્કૂલ ફૉર ધ વિઝયુઅલી હેંડીકેપ્ડમાં પ્રવેશ મળ્યો. ઈરફાન અને તેના પિતા બંને માટે ઘર છોડીને આટલે દૂર જવું મુશ્કેલ હતું, પરંતુ આ નિર્ણયથી એના જીવનમાં વળાંક આવ્યો. ઈરફાન પોતાના જેવા જ સહાધ્યાયીઓ સાથે અનુકૂલન સાધવા લાગ્યો. ત્યાં બ્રેઇલ લિપિ અને સ્ક્રીન રીડિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરતા શીખ્યો. તેણે અનુભવ્યું કે ન જોઈ શકવાથી જીવન સમાપ્ત નથી થતું. એના વિના પણ ઘણું શીખી શકાય છે. એકાણું ટકા માર્ક સાથે બારમું ધોરણ પાસ કર્યું અને તેને કારણે દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કૉલેજમાં પ્રવેશ મળી ગયો.
દિલ્હીની હિન્દુ કૉલેજમાં રાજ્યશાસ્ત્ર સાથે ૨૦૧૯માં સ્નાતકની ડિગ્રી મેળવી. સિવિલ સર્વિસીસની તૈયારી વિશે પણ અહીંથી જાણવા મળ્યું. સ્નાતક થયા પછી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો અને ૨૦૨૧માં તેણે આંતરરાષ્ટ્રીય સંબંધોના વિષયમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી. યુનિવર્સિટીની વિશાળ અને ચોવીસ કલાક ખુલ્લી રહેતી લાયબ્રેરીનો ભરપૂર ઉપયોગ કર્યો. તેણે બેંકિંગની પરીક્ષાઓ આપવાનું નક્કી કર્યું, જેથી બેંકમાં નોકરી મેળવીને પરિવારને મદદ કરી શકાય. પ્રથમ પ્રયાસમાં જ બેંકની પરીક્ષા પાસ કરી અને ૨૦૨૨માં પંજાબ નેશનલ બેંકમાં નોકરી મળી ગઈ. સોળ મહિના બેંકમાં નોકરી કરી અને તે દરમિયાન એલ.આઈ.સી. અધિકારી તરીકેની પરીક્ષા પણ પ્રથમ પ્રયાસે ઉત્તીર્ણ કરી અને ૨૦૨૩માં એલ.આઈ.સી.માં નોકરી મળી.
ઈરફાન સતત પ્રગતિ કરી રહ્યો હતો, પરંતુ પિતાની ઇચ્છા હતી કે તે સિવિલ સર્વિસીસની પરીક્ષા આપે. આમ પણ કાશ્મીરના બે આઈ.એ.એસ. ઑફિસરથી ઈરફાન પ્રભાવિત હતો. ચાલુ નોકરીએ જ તેણે યુપીએસસી પરીક્ષાની તૈયારી શરૂ કરી. માત્ર સ્ક્રીન રીડરના ઉપયોગથી કલાકો સુધી એ અભ્યાસ કરતો. એક સામાન્ય વ્યક્તિ માટે પણ આ પરીક્ષામાં સફળતા મેળવવી કેટલી મુશ્કેલ હોય છે તે આપણે જાણીએ છીએ. તો નોકરી કરતા કરતા પ્રજ્ઞાચક્ષુ ઈરફાને કેવી રીતે પરીક્ષા આપી હશે ? પ્રથમ બે પ્રયાસમાં નિષ્ફળતા મળી, પરંતુ તેમાં નિરાશ થયા વિના ત્રીજી વાર પરીક્ષા આપી અને એમાં ૯૫૭મો ક્રમાંક હાંસલ કર્યો. બાંદીપુરમાં પ્રથમ આઈ.એ.એસ. બન્યો. ઈરફાન આજે કહે છે કે શિક્ષણ સહુનો અધિકાર છે. વિકલાંગતા તેમાં બાધારૂપ નથી. જો ઈરફાન લોન કરી શકે તો દરેક યુવાન તે કરી શકે. માતા-પિતાના અત્યંત સુરક્ષિત વાતાવરણમાંથી બહાર નીકળીને વિભિન્ન સંસ્કૃતિ અને લોકોનો પરિચય તમારી વિચારધારાને બદલે છે.આજે પ્રજ્ઞાચક્ષુ ઈરફાન યુવાનોને કહે છે આંખ ખોલો અને તમારી ક્ષમતાને ઓળખો.
સ્વપ્નાં બન્યાં સિદ્ધિ સમાન
છ ત્તીસગઢના બસ્તર જિલ્લાના નક્સલ પ્રભાવિત ગાઢ જંગલોમાં અને નક્સલીઓના આતંક વચ્ચે આદિવાસીઓના ઉત્થાન માટે કામ કરનાર બુધરી તાતીના શાંત સંકલ્પ અને નિરંતર મહેનતે હજારો લોકોમાં આશાનાં કિરણોનો સંચાર કર્યો છે. આજથી સાઠ વર્ષ પહેલાં દંતેવાડા જિલ્લામાં હીરાનાર ગામમાં બુધરી તાતીનો જન્મ થયો હતો. ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલા બુધરી તાતીએ નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી, તેથી નાની ઉંમરે જ માતા સાથે કામ કરવું પડતું હતું. એ સમયે તેમનું ગામ ગરીબી, અભાવ, નિરક્ષરતા અને વ્યસનથી ગ્રસ્ત હતું, પરંતુ બુધરીનો પરિવાર નજીકમાં ગુમરગુંડામાં આવેલ દિવ્ય જીવન સંઘ સાથે જોડાયેલો હતો. જે ઉંમરે આદિવાસી છોકરીઓ લગ્ન કરવાના અને સાસરે જઈને પોતાનું ઘર વસાવવાના સ્વપ્ના જોતી હોય છે, તે ઉંમરે બુધરી તાતી આશ્રમ જતી.
મનમાં ચાલતી અવઢવને અંતે તેણે નક્કી કર્યું કે એ પોતાનું જીવન સેવાને સમર્પિત કરશે. ઈ. સ. ૧૯૮૪માં તે નાગપુરના વનવાસી કલ્યાણ આશ્રમમાં કેટલાક મહિનાઓ સુધી રહી. તેણે જોયું કે બહારની દુનિયા અને વનમાં વસતા ગામો વચ્ચે ઘણો તફાવત છે.નાગપુરમાં એણે મહિલા સમૂહોનું કામ જોયું અને તેઓ કેવી રીતે આત્મનિર્ભર બન્યા તે વિશે ઊંડાણથી જાણ્યું. રાયપુર આવીને થોડો સમય પૂર્વાંચલની મહિલાઓ વચ્ચે રહી, ત્યારે બુધરીના મનમાં એક સ્પષ્ટ ચિત્ર ઉપસી આવ્યું કે બસ્તરની અશિક્ષિત મહિલાઓમાં જ્યાં સુધી શિક્ષણની રોશની નહીં પહોંચે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું પરિવર્તન લાવવું શક્ય બનશે નહીં. ૧૯૮૪-૮૬ના સમય દરમિયાન તેમણે લોકોનો સંપર્ક કરવાનું શરૂ કર્યું. નક્સલવાદને કારણે આ ક્ષેત્રમાં સતત સંઘર્ષ થતો હોવાથી બહારની કોઈ સંસ્થા કે એજન્સીઓ અહીં કામ કરવા આપવા માટે હિચકિચાટ અનુભવતી હતી. તેથી બુધરી તાતીએ જાતે જ ગામડાંઓમાં જવાનું નક્કી કર્યું અને તેમાંય એમણે સૌથી પહેલું કાર્યક્ષેત્ર નક્સલીઓનું અભયારણ્ય ગણાતું અબૂઝમાડ પસંદ કર્યું! બહુ થોડા વખતમાં તેમને સમજાઈ ગયું કે સ્થાનિક લોકોની મદદ વિના તેને જે કામ કરવું છે તે થઈ શકશે નહીં. તેમનું લક્ષ્ય હતું સાક્ષરતા અભિયાન, નશામુક્તિ કાર્યક્રમ, સામાજિક જાગૃતિ, માતા અને બાળકનું આરોગ્ય તેમજ શિક્ષણ અને તેમાંય ખાસ કરીને છોકરીઓને શિક્ષિત કરવી.
બુધરી તાતીએ જુદા જુદા ગામના સ્થાનિક લોકોનો સંપર્ક સાધ્યો અને પોતાનું કામ સમજાવીને પોતાની સાથે કામ કરવા જણાવ્યું. આશરે એક વર્ષ સુધી ગામડાંઓમાં તેઓ ગયા, પરંતુ આ લોકો કોઈ પણ જાતનું પરિવર્તન સ્વીકારવા તૈયાર નહોતા. પોતાના સમાજની જ એક સ્ત્રી કામ કરતી હોવા છતાં આદિવાસી સ્ત્રીઓ તેમની સામે આવતી નહીં. તેમણે જોયું કે અબૂઝમાડની આદિવાસી મહિલાઓને તેની પરિસ્થિતિને અનુકૂળ કામ કરવા પ્રેરિત કરવી પડશે. એવો વિશ્વાસ સ્થાપિત કરવા બુધરી તેમની સાથે ઘરોબો કેળવતા અને તે લોકો જે ભોજન કરતાં તે જ ભોજન તેઓ કરતા. ઘણી વાર કોઈ પરિવાર પાસે શિયાળાની ઠંડીમાં ઓઢવા માટે ધાબળા ન હોય તો બુધરી તાતી પણ તેમની સાથે તાપણા પાસે બેઠા બેઠા આખી રાત પસાર કરતાં. તેઓ છોકરીઓને અભ્યાસ કરાવવાની વાત કરતા તો શરૂઆતમાં તો માતા-પિતા પોતાનાં બાળકોને એમાંય ખાસ કરીને દીકરીને સ્કૂલે મોકલવા રાજી નહોતા. એનું કારણ એ હતું કે તેમના માટે જંગલમાંથી મળતી વસ્તુઓ અને મજૂરી કરીને રોજ મળતાં પૈસા શિક્ષણ કરતા વધુ મહત્ત્વના હતા. બુધરી તાતીએ અત્યંત ધીરજ રાખીને તેમને સમજાવ્યું ગરીબી અને શોષણના ચક્રને શિક્ષણ દ્વારા જ તોડી શકાશે.
બુધરી તાતીએ જગદલપુરના ભનપુરી વિસ્તારમાં ભાડાનું એક મકાન લીધું અને મા શંખિની મહિલા ઉત્થાન સંસ્થા અંતર્ગત એક રેસિડેન્શિયલ હોસ્ટેલ શરૂ કરી, જેથી બાળકોને એક સુરક્ષિત વાતાવરણ મળ્યું. પંદરથી પાંત્રીસ વર્ષની છોકરીઓ અને મહિલાઓને ત્યાં રાખીને અક્ષરજ્ઞાનની સાથે અનેક કૌશલ્ય શીખવ્યા. નાની ઉંમરની છોકરીઓ તો તરત શીખી જતી, પરંતુ મોટી ઉંમરની મહિલાઓને શીખવવામાં ખૂબ મુશ્કેલી પડતી. આમ છતાં તેમણે હિંમત હાર્યા કે ધીરજ ગુમાવ્યા વિના કામ ચાલુ રાખ્યું. ધીમે ધીમે જેઓ ક્યારેય સ્કૂલે નહોતા ગયા તેવી પાંચસો આદિવાસી સ્ત્રીઓએ સાતમા ધોરણથી દસમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. આજે એમની સાથે દોઢસો સ્ત્રીઓ કામ કરે છે. આદિવાસીઓના કાચા ઘરમાં મહિલાઓ પોતાની દસ-વીસ રૂપિયાની બચત રાખતી, જેથી મુશ્કેલ સમયમાં કામ આવે, પરંતુ તે ક્યારેક આગમાં બળી જતી અથવા ઉધઈ ખાઈ જતી. બુધરી તાતીએ તેમને બેંક અંગે જાગૃત કરી. આજે બાર હજાર આદિવાસી સ્ત્રીઓના બેંક ખાતા છે. એમાં ઘણી ીઓના ખાતામાં એકથી દોઢ લાખ રૂપિયા જમા છે. સ્વયં સહાયતા સમૂહમાં મહિલાઓને સંગઠિત કરી. સિલાઈ, ભરતગૂંથણ, હાથવણાટ, હસ્તશિલા દ્વારા પાંચસોથી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવી. નક્સલીઓએ બુધરી તાતીને ઘણી ધમકીઓ આપી, પરંતુ આજે તેઓ આદિવાસીઓના હૃદયમાં 'બડી દીદી'ના રૂપે સ્થાન પામ્યા છે. પાંચસો સિત્તેર જેટલાં ગામોમાં ચાલીને બાલ સંસ્કાર કેન્દ્રો, દુર્ગાવતી છાત્રાવાસ, મહિલા સ્વાવલંબન, માતા અને બાળકનું આરોગ્ય, સ્વચ્છતા, પર્યાવરણનું કામ કરનાર બુધરી તાતીને પદ્મશ્રીથી સન્માનવામાં આવ્યાં. જોકે પદ્મશ્રી તેમના માટે પુરસ્કાર નહીં, પરંતુ જીવનભરની સાધનાની સ્વીકૃતિ છે.









