Ravi Purti
સર્જન એટલે આપણે રચેલી ફ્રેમ્સને આપણે જ તોડીને બહાર નીકળવું...
By GS Team
19 Sep 20263 mins read
કેનેડિયન કલાકાર અને વિચારક કેરી સ્મિથ, આધુનિક "ડેટા-કલ્ટ" સમાજની ટીકા કરે છે. તેઓ કહે છે કે આપણે બ્રાન્ડિંગ અને પ્રમોશનમાં ડૂબેલા છીએ, જે આપણને આત્મહીન બનાવે છે. સ્મિથ ઇન્દ્રિયો દ્વારા સર્જાતા અને અનુભવાતા સર્જનની હિમાયત કરે છે, જે જીવનને ગાઢ રીતે સ્પર્શે છે. તેઓ અપૂર્ણતા અને ક્ષણભંગુરતાને સ્વીકારવા પર ભાર મૂકે છે.
Summarized by AI; it may make mistakes. Check important info
કેનેડિયન કલાકાર અને વિચારક કેરી સ્મિથ, આધુનિક "ડેટા-કલ્ટ" સમાજની ટીકા કરે છે. તેઓ કહે છે કે આપણે બ્રાન્ડિંગ અને પ્રમોશનમાં ડૂબેલા છીએ, જે આપણને આત્મહીન બનાવે છે. સ્મિથ ઇન્દ્રિયો દ્વારા સર્જાતા અને અનુભવાતા સર્જનની હિમાયત કરે છે, જે જીવનને ગાઢ રીતે સ્પર્શે છે. તેઓ અપૂર્ણતા અને ક્ષણભંગુરતાને સ્વીકારવા પર ભાર મૂકે છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- લેન્ડસ્કેપ - સુભાષ ભટ્ટ
કલા એટલે નરી વાસ્તવિકતા સામે આત્માનો વિદ્રોહ. - ઓસ્કર વાઈલ્ડ
સર્જનની મૌલિકતા કોઈ મૂળભૂત બંધારણીય અધિકાર નથી, તેને ઝૂંટવીને લેવાનો હોય છે. હા, તે અનૈતીક ન હોવો જોઈએ. અરાજક, અસ્થિર, અનિયમિતમાં નૂતનની સંભાવનાઓ છુપાયેલી છે. બધું જ સર્જન સ્વીકૃત, ઉપયોગી, અર્થપૂર્ણ, સામાજીક, તર્કબધ્ધ, નિયમબધ્ધ અને વ્યાખ્યાબધ્ધ શા માટે હોવું જોઈએ? કમનસીબે, આપણે આ રીતે કેળવાયા છીએ. તેથી કલા કે કેળવણીમાં, વિચાર કે વિજ્ઞાાનમાં કંટાળો, નિરસતા, ટેવ, નિંદ્રા આવે છે. પ્રશ્ન થાય કે બધું બૌધ્ધિક, વૈચારિક અને પોલીટીકલી કરેક્ટ કેમ? બધું લયબધ્ધ, તાલબધ્ધ, અને એક સરખું કેમ? આની સામે અંતહીન તીખા સવાલો અને અફલાતુન ઉત્તરો લઈને આવે છે કેનેડિઅન ખોજી, કલાકાર, વિચારક, રહસ્યવાદી પ્રયોગશીલ એવી કેરી સ્મિથ. તે અંર્તમુખી પ્રશ્નખોર છે. તે સ્થાપિત મુલ્યોને ઉથલાવે છે અને પ્રયોગો થકી સમાધાનો પણ આપે છે. આ અંગેના તેના અનેક મુલ્યવાન પુસ્તકો છે. આવો, એક ગેરીલા આર્ટીસ્ટને સમજીએ. કેરી સ્મિથ કહે છે કે આપણે એવા 'ટોક્સીક સ્પેસ' વાળા સમાજ અને સભ્યતામાં રહીએ છીએ જ્યાં આપણે ડેટાના વ્હેણમાં વ્યસ્ત અને મસ્ત છીએ. ક્યાં તો પ્રોડયુસર છીએ કે પર્ફોમર છીએ. આજે આપણે બધા 'ડેટા-કલ્ટ'ના દાસ છીએ; બ્રાન્ડીગ, પેકેજીંગ અને પ્રમોટીંગમાં ડૂબેલા છીએ. આ બધામાં એકસરખાપણું છે - તે આપણને આત્મહીન બનાવે છે. આ કશાક નવાની ભૂખ-તરસને લીધે 'ડેટા માઈનીંગ' જીવન વ્યવસાય બની ગયો છે. જેમાં જીવંત તો કશું નથી. આની અંદર નથી કોઈ પોષણ કે નથી કોઈ પોરો. આના વિરોધમાં કેરી સ્મિથે ઇન્દ્રિયોથી સર્જાય અને અનુભવાય તેવા સર્જનનો પ્રારંભ કર્યો. જેમાં સર્જન દરમ્યાન જીવનને પ્રગાઢતાથી સ્પર્શી, સુંઘી, સાંભળી અને સંવાદી શકાય છે. તે કહે છે 'મારે જાણવું હતું કે બાહ્ય સાંસ્કૃતિક પ્રભાવો વિના હું કોણ છું? હું શું છું?' તેણી અપૂર્ણતા અને ક્ષણભંગુરતાનો ઉત્સવ બનાવે છે. તેને મન ઇન-સ્કેપ અને લેન્ડસ્કેપ એકમેકનું પ્રતિબિંબ છે. તેના પુસ્તકો શબ્દો નથી, પ્રયોગો છે. તે સ્વયં જીવન-શાળાની વિધાર્થીની છે અને હા આચાર્યા પણ છે. તેના ગ્રંથો અસ્તિત્વગત પ્રયોગો પણ છે જેમાં વાચક પાત્ર પણ બની જાય છે. તેની જીવન-સાધનામાં આપણે પણ સહ-સાધક બનીએ છીએ. તેને વાંચવામાં આપણે કલ્ચરલી ડી-પ્રોગ્રામ્ડ થઈએ છીએ.
કેરી સ્મિથ પૂછે છે, 'જીવનમાં બધું સુરેખ, સુંદર, સંપૂર્ણ કેમ? સહજ કેમ નહી? ભૂલો, અકસ્માતો, અસમતુલા, ઓચિંતાપણામાં શું વાંધો? સમતોલન ખોરવાઈ જાય તો શું? પ્રયોગ નિષ્ફળ જાય તો શું? અવ્યવસ્થિત-અધૂરું અપરાધ થોડો છે? પ્રકૃતિ વળી ક્યાં બધું ભૌમિતિક રચતી હોય છે?'
કદાચ, જીવનતો એક પ્રયોગ છે- તે નિષ્ફળ-સફળ નથી હોતો. ક્યારેક ધાર્યું પરિણામ ન આવે તો વાંધો શું છે? ક્યારેક ખોટી કેડીએથી પણ અદભૂત જંગલ મળી આવે છે. ક્યારેક વ્યુ-ફાઈન્ડરમાં જોયા વીના પણ ક્લિક કરવાથી સારી તસ્વીર આવે છે. ક્યારેક અજાણ્યા રસ્તેથી પણ ચાલીને ઘરે પાછા ફરી શકાય છે. આતો છે સર્જન. જીવનતો અનંતરંગી કોલાજ છે. જેમાં શાસ્ત્રીયતા વિખેરીને સર્જનાત્મક્તા-મૌલિકતાને અવસર આપવાનો છે. રંગપેટીમાં ભલેને સાત રંગો હોય જીવન પેટીમાં અનંત રંગો છે. કદાચ, સર્જન એટલે આપણે રચેલી ફ્રેમ્સને આપણે જ તોડીને બહાર નીકળવું…




