સિટીઝન વિજીલાન્ટે: આ ફિલ્મને સ્વીકારવી કે ધિક્કારવી?

સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
જર્મનીના અધિકારીઓ ફિલ્મની રિલીઝ અટકાવીને મોટી ભૂલ કરી નાખી. જો ફિલ્મ ચુપચાપ રિલીઝ થઈ હોત તો થોડા દિવસોમાં કદાચ ભૂલાઈ પણ ગઈ હોત, પણ હવે આ ફિલ્મ એટલી હદે વિવાદાસ્પદ બની ગઈ છે કે આખી દુનિયાના દર્શકોના ધ્યાનમાં આવી ગઈ છે.
ક લ્પના કરો કે, ચાની કિટલી પર ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. રસ્તા પર ઊભા ઊભા, ચાની ચુસકી ભરતાં ભરતાં પાંચ-છ મિત્રો ભ્રષ્ટ રાજકારણીઓ વિશે ઉકળાટ ઠાલવી રહ્યા છે. એક જણો ઉશ્કેરાઈને કહે છે: 'બધ્ધેબધ્ધા રાજકારણીઓ કરપ્ટ છે… કોઈના વખાણ થાય એમ નથી… સૌને લાઇનમાં ઊભા રાખીને બંદૂકે ઉડાવી દેવા જોઈએ!' બીજો કહે છે, 'બરાબર છે. જ્યાં સુધી આ પોલિટિશિયનોથી છૂટકારો નહીં મળે ત્યાં સુધી દેશનો ઉદ્ધાર નહીં થાય.' થોડી વાર પછી સૌ છૂટા પડીને પોતપોતાના કામે વળગે છે.
'તમામ રાજકારણીઓ ભ્રષ્ટ છે, સૌને ખતમ કરી નાખવા જોઈએ' - ભાઈબંધ-દોસ્તારો સાથે ગપ્પાગોષ્ઠિ કરતી વખતે આવું બધું લોકો બોલતા હોય છે. સતત ભ્રષ્ટાચારની ચરમસીમા જોતાં-અનુભવતાં નાગરિકોમાં આક્રોશ જાગે તે સમજાય એવું છે… પણ સાચેસાચ એક પછી એક રાજકારણીઓના મર્ડર થવા લાગે તો? માત્ર રાજકારણીઓ જ નહીં, એમના સેક્રેટરી, આસિસ્ટન્ટ્સ અને પરિવારના સભ્યો સુધ્ધાંના ખૂન થવા લાગે તો? કોઈ કહેશે, ભલે બધાનાં ખૂન થાય. પાપીઓનાં પાપમાં ભાગીદાર બનનારા પણ એટલા જ ગુનેગાર છે. અધર્મીઓનો નાશ કરવામાં ખોટું શું છે?
બસ,આવી જ કંઈક ચર્ચા આજકાલ 'સિટીઝન વિજીલાન્ટે' નામની અંગ્રેજી ફિલ્મને કારણે આખી દુનિયામાં ચાલી રહી છે. અહીં આપણે રાજકારણીઓને એક ઉદાહરણ તરીકે લીધા છે. રાજકારણીની જગ્યાએ 'ખાસ પ્રકારના માણસો' કે 'અમુક સમુદાયના લોકો' પણ હોઈ શકે. 'સિટીઝન વિજીલાન્ટે'માં કયા સમુદાયની વાત થઈ છે? વિદેશથી, ખાસ કરીને આફ્રિકાના દેશોમાંથી ઉચાળા ભરીને યુરોપમાં વસેલા ઇમિગ્રન્ટ્સની. 'સિટીઝન વિજીલાન્ટે' ફિલ્મની રિલીઝ પર જર્મનીમાં રોક લગાવી દેવામાં આવી છે અને એક વર્ગ આ ફિલ્મ જોઈને ચોંકી ઉઠયો છે, કેમ કે તેેમની દ્રષ્ટિએ આ ફિલ્મ 'અતિ ભડકામણી' છે અને સમાજમાં ધિક્કાર ફેલાવવાનું કામ
કરે છે.
એવું તે શું છે આ ફિલ્મમાં? પહેલી સિક્વન્સ જ આઘાતજનક છે. યુરોપનું કોઈ અનામી શહેર છે. એક યુવાન મમ્મી પોતાના નાનકડા દીકરા સાથે શોપિંગ કરીને રસ્તા પર મોજથી વાતો કરતી કરતી જઈ રહી છે. અચાનક કોઈ અજાણ્યો માણસ ધસી આવે છે અને સ્ત્રીના ગળા પર છરો ભોંકી દે છે. ધડ્ ધડ્ કરતી લોહીની ધાર છૂટે છે. માસૂમ દીકરાની આંખ સામે મા તરફડીને મરી જાય છે. કોણ છે આ શેતાની કૃત્ય કરનાર માણસ? કોઈ ઇમિગ્રન્ટ. આ ઓપનિંગ સિકવન્સ આખી ફિલ્મની તાસીર અને ટોન સ્પષ્ટ કરી નાખે છે.
સ્પોઇલર આપ્યા વગર થોડી વિગતો જોઈએ. ફિલ્મનો હીરો એક ભૂતપૂર્વ અમેરિકન આર્મી ઓફિસર છે. શસ્ત્રો ચલાવતાં એને સારું આવડે છે. અમેરિકા અને યુરોપમાં મકાનો ખરીદીને ભાડા પર ચડાવવાનું કામ એને પોતાના ફાધર તરફથી વારસામાં મળ્યું છે. એની ખરી ઓળખ એ છે કે એ વિજીલાન્ટે છે. વિજીલાન્ટે એટલે એવો માણસ (અથવા એક કરતાં વધારે માણસોનું જૂથ) જેને પોલીસ ડિપાર્ટમન્ટ કે ન્યાય તંત્ર પર જરાય વિશ્વાસ નથી, તેથી એ કાયદો હાથમાં લઈ લે છે અને પોતાની રીતે અપરાધીઓને સજા કરે છે. યાદ કરો 'શહેનશાહ' (૧૯૮૮) ફિલ્મ, જેમાં અમિતાભ બચ્ચન દિવસે તો નબળા પોલીસમેન તરીકે કામ કરે છે, પણ અંધેરી રાતોં મેં સુમસામ રાહોં પર એ વિજીલાન્ટે બનીને નીકળી પડે છે ને ગુંડાઓનો ખાત્મો બોલાવે છે. આ પ્રકારનાં કિરદારો આપણે કેટલીય હિન્દી ફિલ્મોમાં જોયાં છે.
આપણે જેની વાત માંડી છે એ 'સિટીઝન વિજીલાન્ટે' ફિલ્મના હીરોની કરડી નજર મર્ડર અને રેપ જેવા ગંભીર ગુના કરનારા ઇમિગ્રન્ટ્સ પર છે. 'ના ના, આ બિચારા ઇમિગ્રન્ટ્સને યુરોપના સમાજમાં એડજસ્ટ થવામાં સમસ્યા થઈ રહી છે એટલે એમનાથી અપરાધો થઈ જાય છે… તેઓ ખુદ વિક્ટિમ છે…'
આ પ્રકારનો બચાવ કરીને અપરાધીઓને છોડી મૂકતા ન્યાયાધીશો પણ નાયકને દુશ્મન જેવા લાગે છે. પરિણામ? એ તમે ખુદ ફિલ્મમાં જોઈ લેજો.
ફિલ્મમાં ખૂબ કત્લેઆમ થાય છે. ક્રોએશિયા અને જર્મનીના નિર્માતાઓ બનાવેલી આ ફિલ્મ સર્ટિફિકેશન માટે જર્મનીની એફએસકે નામની સંસ્થા પાસે મોકલવામાં આવી હતી. જર્મનીમાં સેન્સર સર્ટિફિકેટ જેવું કશું હોતું નથી, પણ જે-તે ફિલ્મ કયા વયજૂથના પ્રેક્ષકો માટે અનુકૂળ છે તે દર્શાવતું એફએસકેનું સર્ટિફિકેટ મેળવવું અનિવાર્ય છે. એફએસકેનું જર્મન ફુલ ફોર્મ અઘરું છે, પણ તેનો અંગ્રેજી અર્થ થાય છે - વોલન્ટરી સેલ્ફ-રેગ્યુલેશન ઓફ ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી. એફએસકેના સાહેબોએ કહી દીધું: 'સિટીઝન વિજીલાન્ટે' ફિલ્મ એન્ટિ-ઇમિગ્રન્ટ વાયોલન્સને ઉત્તેજન આપે છે, અમે તેને સર્ટિફિકેટ ન આપી શકીએ. એફએસકેનું સર્ટિફિકેટ ન મળવાનો અર્થ એ થાય કે ફિલ્મ ન તો જર્મનીના થિયેટરમાં રિલીઝ થઈ શકે કે ન તો ટીવી યા મહત્ત્વના ઓટીટી પ્લેટફોર્મ્સ પર પ્રદર્શિત થઈ શકે.
પત્યું. વિશ્વવ્યાપી તરંગો ફેલાવાનું શરૂ થઈ ગયું. દલીલ કરવામાં આવી કે સિનેમા તો મુક્ત અભિવ્યક્તિનું માધ્યમ છે, જર્મન સાહેબો કોઈ ફિલ્મની રિલીઝ કેવી રીતે અટકાવી શકે? ફિલ્મ એક જ દેશમાં રિલીઝ થઈ શકી - અમેરિકામાં, અને તે પણ અમુક જ થિયેટરોમાં. અમેરિકન અબજોપતિ ઇલોન મસ્કે આ ફિલ્મના ખૂબ વખાણ કર્યા, એટલું જ નહીં, આખી ફિલ્મ બે દિવસ માટે પોતાની માલિકીના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ 'એક્સ' પર ફ્રીમાં રિલીઝ કરી નાખી!
સમીક્ષકો અને દર્શકોનો એક વર્ગ ફિલ્મ જોઈને અસ્વસ્થ થઈ ગયો છે. એમનું કહેવું હતું કે આ તો એક્સટ્રીમ રાઇટ વિંગ વિચારધારાનું પ્રતિબિંબ પાડતી પ્રોપગેન્ડા ફિલ્મ છે, મુસ્લિમવિરોધી છે, માઇગ્રન્ટ કમ્યુનિટી વિરોધી છે. ફિલ્મ કહે છે કે ગંભીર અપરાધો કરનારાઓનું મર્ડર કરી નાખવામાં કશો વાંધો નથી! ખાટલે મોટી ખોડ એ છે કે ફિલ્મનો હીરો પોતાની ફરજ બજાવી રહેલા નિર્દોષ પોલીસ અધિકારીઓને પણ કીડી-મકોડાની જેમ મારી નાખે છે.
ધ્યાન રહે, ઉવૂ બૉલ નામના વિવાદાસ્પદ જર્મન ફિલ્મમેકરે બનાવેલી આ ફિલ્મમાં 'ઇમિગ્રન્ટ્સ'ની વાત થઈ છે, 'ગેરકાયદે ઘૂસી ગયેલા ઇલ્લિગલ ઇમિગ્રન્ટ્સ' નહીં. ઇન ફેક્ટ, ફિલ્મમાં 'ઇલ્લિગલ' શબ્દ ભાગ્યે જ બોલાય છે. જાણે કે કાયદેસર અને ગેરકાયદે એમ તમામ ઇમિગ્રન્ટ્સને એક જ ખાનામાં મૂકી દેવામાં આવ્યા છે. અલબત્ત, ફિલ્મ જોતી વખતે સમજાય છે કે અહીં વધારે ભાર તો મુસ્લિમ ઇમિગ્રન્ટ્સ પર જ મૂકવામાં આવ્યો છે. ફિલ્મના અંતમાં હીરો કહે છે: 'આ લેફ્ટિસ્ટ વોક લોકો અને ઇસ્લામિસ્ટ અંતિમવાદીઓ જે રીતે યુરોપની લોકશાહી વ્યવસ્થાને ખતમ કરી રહ્યા છે તે યુરોપની જનતા ચલાવી નહીં લે.' ફિલ્મનો આ જ મેસેજ છે.
સાદી (પણ બહુ એક્યુરેટ નહીં એવી) સમજણ માટે કહી શકાય કે આ 'સિટીઝન વિજીલાન્ટે' યુરોપની 'ધ કાશ્મીર ફાઇલ્સ' (૨૦૨૨) કે 'ધ કેરલા સ્ટોરી' (૨૦૨૩) છે. આ હિન્દી ફિલ્મોને કારણે ભારતમાં કેવો હોબાળો મચી ગયો હતો તે યાદ છેને? 'સિટીઝન વિજીલાન્ટે'ના સમર્થકો કહે છે કે યુરોપ-અમેરિકાની મેઇનસ્ટ્રીમ ફિલ્મો ઇમિગ્રન્ટ્સની ગુનાખોરી જેવા અત્યંત સંવેદનશીલ અને સળગતા વિષયને અડતાં પણ ડરે છે, આવી પરિસ્થિતિમાં એક ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મમેકર યુરોપના વર્તમાનની આઘાતજનક હકીકતોને આધારે બોલ્ડ ફિલ્મ બનાવે તેમાં ખોટું શું છે?
'સિટીઝન વિજીલાન્ટે'નું નરેટિવ ખૂબ 'જાડું' છે. ફિલ્મને સૂક્ષ્મતાઓમાં રસ નથી. નાયકને અથવા કહો કે ફિલ્મ બનાવનારને માત્ર બ્લેક અથવા વ્હાઇટમાં ચિત્ર રજૂ કરવામાં રસ છે. ફિલ્મ ડિઝાઇન જ એ રીતે થઈ છે કે ગ્રે શેડ્ઝ માટે કોઈ અવકાશ ન રહે. આમેય આ પ્રકારની ફિલ્મમાં 'ઇમોશન' કેન્દ્રમાં હોય છે. સ્ક્રીનપ્લે, અભિનય, એડિટિંગ જેવાં પાસાં અહીં ગૌણ બની જતાં હોય છે.
જર્મનીના અધિકારીઓ ફિલ્મની રિલીઝ અટકાવીને મોટી ભૂલ કરી નાખી છે. જો ફિલ્મ જર્મનીમાં ચુપચાપ રિલીઝ થઈ હોત તો થોડા દિવસોમાં કદાચ ભૂલાઈ પણ ગઈ હોત, પણ આ વિવાદને કારણે આખી દુનિયાના દર્શકોના ધ્યાનમાં ફિલ્મ આવી ગઈ! આ લખાઈ રહ્યું છે ત્યારે, એટલે કે બુધવારે આખેઆખી ફિલ્મ યુટયુબ પર ફ્રીમાં અવેલેબલ છે. શક્ય છે કે આ અંક તમારા હાથમાં આવે ત્યારે પણ દોઢ કલાકની મિનિટની ફિલ્મ યુટયુબ પર ટકી રહી હોય. કદાચ ડિલીટ થઈ ગઈ હોય. એ તો જેવી સિનેમાદેવની મરજી!
શો-સ્ટોપર
જહાં હૈ ગાલિયાં, વહાં હૈ આલિયા.
- સુનિલ પાલ (કોમેડિયન)









