અરુણાભનો આધુનિક ધોબીઘાટ

- આજકાલ-પ્રીતિ શાહ
- દિલ્હીથી શરૂ કરેલ યુક્લીનનો વ્યવસાય આજે જાણીતી લોન્ડ્રી ચેન બની ગઈ છે. દેશના બસોથી પણ વધારે શહેરોમાં તેના આઠસો સ્ટોર ચાલી રહ્યા છે
ઝા રખંડના ગિરિડીહ જિલ્લાના ભાગલપુર નામના નાનકડા ગામમાં અરુણાભ સિંહાનો જન્મ થયો હતો. મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા અરુણાભે ઘરમાં રોજબરોજની જિંદગીમાં આવતી પારાવાર મુશ્કેલીઓ જોઈ હતી. પિતાને જમશેદપુરમાં શિક્ષકની નોકરી મળી, પરંતુ તેમનું વેતન ઓછું હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતું. અરુણાભ ચાર-પાંચ કિમી. ચાલીને સ્કૂલે જતો. અભ્યાસમાં તેજસ્વી અરુણાભ આઠમા ધોરણમાં હોવા છતાં અગિયારમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતો. આઠમા ધોરણથી જ તેણે આઈ.આઈ.ટી.માં પ્રવેશ મેળવવાની તૈયારી શરૂ કરી દીધી અને એમાં સફળતા પણ મેળવી. આઈ.આઈ.ટી., મુંબઈમાં મેટલર્જી અને મટેરિયલ સાયન્સમાં એન્જિનિયરિંગમાં પ્રવેશ તો મેળવ્યો, પરંતુ તે સમયે પરિવાર પાસે ફી ભરવાના પૈસા નહોતા. તેની ફી ભરવા માટે માતાએ પોતાની સોનાની બંગડી વેચી દીધી. આ રીતે ૨૦૦૮માં એન્જિનિયરની ડિગ્રી મેળવી. અભ્યાસ પૂર્ણ થતાં ટૅક્નૉસર્વમાં કામ કર્યું, જ્યાં એક અમેરિકી સ્ટાર્ટઅપ સાથે કામ કરવાની તક મળી અને ગ્લોબલ સપ્લાય ચેન વિશે ઊંડી સમજ મળી, પરંતુ અરુણાભને પોતાનું સ્વતંત્ર કામ કરવું હતું, તેથી ૨૦૧૧માં ફ્રેંગ્લોબલ નામની કંપની શરૂ કરી. તે ફ્રેંચાઈઝી મૉડલ પર કામ કરતી હતી. તેના દ્વારા વિદેશની કંપનીઓને ભારતમાં લાવીને ભારતીય બજારના વિવિધ પાસાંઓ દર્શાવી કન્સલ્ટેશન કરતા હતા. આ વ્યવસાય સફળતાપૂર્વક ચલાવ્યા પછી ૨૦૧૫માં કંપની વેચી દીધી અને ટ્રીબો હોટલ્સ સાથે જોડાયા અને કામ કરતા કરતા તેમને અનુભવ થયો કે હોટલમાં ઘણી બધી સુવિધાઓ ઉત્તમ હોય, પરંતુ ચાદર અને ઓશીકા જો સ્વચ્છ અને સાફ ન હોય તો ગ્રાહક તત્કાળ ફરિયાદ કરે છે. સાઠ ટકા ફરિયાદ તો લોન્ડ્રીને સંબંધિત જ આવતી હતી. આ સમય દરમિયાન તેઓ જ્યારે જાપાન ગયા હતા, ત્યાં એમણે જોયું કે દરેક ગલીમાં આધુનિક લોન્ડ્રોમૅટ્સ હતા, જ્યાં લોકો સહેલાઈથી પોતાનાં કપડાં ધોઈને સૂકવી શકતાં હતાં. આ જોઈને તેમના મનમાં વિચાર આવ્યો કે ભારતમાં પણ આવી આધુનિક અને ભરોસામંદ લોન્ડ્રી સેવા શરૂ કરવી જોઈએ.
અરુણાભે લોન્ડ્રી શરૂ કરવાનું નક્કી કર્યું. મહિને સાત લાખ રૂપિયાના પગારવાળી નોકરી છોડીને યૂક્લીન નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. આવા પગારવાળી નોકરી છોડીને લોન્ડ્રી જેવું કામ કરે તો પરિવારજનો નારાજ થાય તે સ્વાભાવિક છે. ઘણા લોકોએ તો કહ્યું કે આઈ.આઈ.ટી. એન્જિનિયર થયેલો અને શિક્ષકનો દીકરો હવે ગંદા કપડાં ધોવાનું કામ કરશે? ૨૦૧૭ના જાન્યુઆરીમાં પહેલો સ્ટોર દિલ્હીના વસંતકુંજમાં શરૂ કર્યો. શરૂઆતમાં વીસ લાખ રૂપિયાનું રોકાણ કર્યું. આધુનિક વોશિંગ મશીન, ડ્રાયર અને સ્ટીમ પ્રેસની સગવડ સાથે શરૂઆત કરી. તેની એપ અને વેબસાઇટ બનાવી. પહેલો સ્ટોર એ તેમના માટે વ્યવસાય કરતાં વિશેષ એક પ્રયોગ હતો, કારણ કે ભારતીય ગ્રાહક આ પ્રકારની સેવાને અપનાવશે કે નહીં તેનો આના પરથી ખ્યાલ આવવાનો હતો. તેમણે યુક્લીનનું ફ્રેંચાઇઝ આધારિત મૉડલ બનાવ્યું છે. જેથી સ્થાનિક લોકો યુક્લીન સ્ટોર ખોલે, ગ્રાહકોને સુવિધા મળે અને ફ્રેંચાઇઝીને સ્થાયી આવક મળે.
ગ્રાહક ઇચ્છે તો પોતાના કપડાં સ્ટોર પર આપી શકે અથવા એપ કે વેબસાઇટ દ્વારા પિક-અપ કરવા બોલાવી શકે છે. દરેક આઉટલેટ પર 'લાઇવ લોન્ડ્રી'નું મોડલ અપનાવવામાં આવ્યું છે, જેથી ગ્રાહક જોઈ શકે કે કપડાં કેવી રીતે ધોવાય છે અને સૂકવવામાં આવે છે. આવી પારદર્શિતાને કારણે ગ્રાહકોમાં વિશ્વાસ વધે છે. ગ્રાહકોને ચોવીસ કલાકમાં તેના કપડાં પહોંચાડવામાં આવે છે. કોઈ પણ સ્ટાર્ટઅપની જેમ શરૂઆતમાં ફંડિંગ મેળવવામાં મુશ્કેલી પડી. છેવટે અમેરિકાની એક વ્યક્તિએ ચાર કરોડ આપ્યા, તેનાથી યુક્લીન સિલેક્ટ નામથી પ્રીમિયમ ડ્રાઇક્લિનિંગ સર્વિસ શરૂ કરી. શરૂઆતનાં વર્ષોમાં બોલીવૂડના સ્ટાર બ્રાંડ એમ્બેસેડર બન્યા, જેથી વિશ્વસનીયતા સાંપડી.
દિલ્હીથી શરૂ કરેલ યુક્લીનનો વ્યવસાય આજે જાણીતી લોન્ડ્રી ચેન બની ગઈ છે. દેશના બસોથી પણ વધારે શહેરોમાં તેના આઠસો સ્ટોર ચાલી રહ્યા છે. દર વર્ષે વીસ લાખથી પણ વધારે ગ્રાહકો આ સેવાનો લાભ લે છે. ભારતની બહાર નેપાળ, બાંગ્લાદેશ, યુએઈ, શ્રીલંકા, ઘાના, સોમાલિયા અને મોરેશિયસ જેવા આશરે નવ દેશોમાં યુક્લીનની ફ્રેંચાઇઝ ચાલે છે. ભારતમાં પારંપરિક ધોબીની વ્યવસ્થા વર્ષોથી ચાલે છે. પંચાણું ટકા જેટલો હિસ્સો પારંપરિક ધોબી પાસે હતો. ભારતમાં લોન્ડ્રીનું બજાર મોટું છે, પરંતુ અસંગઠિત છે. આ બધી બાબતોની સાથે અરુણાભે જોયું કે ભારતીય ગ્રાહક જાતે મશીન ચલાવવાને બદલે વિશ્વાસપૂર્ણ સેવાને વધુ પસંદ કરે છે, તેથી જાપાનની લોન્ડ્રોમેટ્સ પદ્ધતિને બદલે 'હેન્ડઓવર સર્વિસ' પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 'યુક્લીન પાઠશાળા' દ્વારા ફ્રેંચાઇઝ પાર્ટનરને તાલીમ આપે છે, જેથી ગુણવત્તા જળવાઈ રહે. તેઓ માને છે કે સ્ટાર્ટઅપ ધીરજ, સતત મહેનત અને ઈમાનદારીપૂર્વકના પુરુષાર્થથી સફળ થાય છે. અરુણાભ સિંહાની યુક્લીન એકસો સાઠ કરોડની આવક ધરાવે છે અને ટૂંક સમયમાં જ તેઓ એક હજાર સ્ટોરનો લક્ષ્યાંક હાંસલ કરવા ઇચ્છે છે.
ડુંગળીમાંથી લખવાનો કાગળ
એક વખત જો દાન સ્વીકારવામાં આવે તો તેનું હેતુ બદલાય જાય છે અને તેઓ આને વ્યવસાય તરીકે નહીં પણ અભિયાન તરીકે ચાલુ રાખવા
માગે છે
બૅ ગલુરુમાં રહેતી ૧૫ વર્ષની માન્યા હર્ષા ભારતની એક યુવા પર્યાવરણ કાર્યકર્તા, લેખિકા અને ઈકો-ઈનેવેટર છે. 'સસ્ટેનેબિલિટી' શબ્દ પાઠયપુસ્તકમાં વાંચ્યા પહેલાં એના જીવનમાં વણાઈ ચૂક્યો હતો. એનું કારણ હતું પરિવારની કેળવણી. માન્યાએ નાની રુદ્રમ્મા સાથે ચાર વર્ષની ઉંમરે છોડ વાવ્યો હતો અને સતત સંભાળ લેવાનું શીખવ્યું હતું. પ્રકૃતિપ્રેમી નાની રુદ્રમ્મા માન્યાને હંમેશાં વાર્તા કહેતા અને પ્રકૃતિ તેમજ પશુ-પક્ષી પ્રત્યે પ્રેમ તથા સમભાવ રાખવાનું શીખવતા. તેઓ હંમેશા જૂનાં કપડાંમાંથી થેલી બનાવીને તેનો ઉપયોગ કરતા. માન્યાના માતા-પિતા તે નાની હતી ત્યારથી પ્રવાસમાં લઈ જતા અને મોટા શહેરોની સાથે ગામડાંઓ, જંગલો અને ખેતરોનો પ્રવાસ કરતા, જેથી માન્યાને ખ્યાલ આવે કે ખેડૂતો કેટલી મહેનત કરીને અનાજનું ઉત્પાદન કરે છે અને મોટા શહેરો માટે જંગલોનો કેવો નિર્દયી નાશ કરવામાં આવે છે.
તે પક્ષીઓ, વૃક્ષો, બિલ્ડીંગ અને પોતાની આસપાસ જે કંઈ જોતી, તેનાં વિશે કાવ્યો લખતી અને એની આઠ વર્ષની ઉંમરે એના માતા-પિતાએ 'નેચર અવર ફ્યુચર' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું. કાગળ માટે વૃક્ષો ઓછા કપાય તેને માટે એણે લસણ, ડુંગળી, વટાણાની છાલ, નાળિયેરનું ભૂસું, કોથમીર અને ગલગોટાના ફૂલમાંથી કાગળ બનાવ્યા. જોકે શરૂઆતમાં માન્યાને નિષ્ફળતા મળી, પરંતુ પંદરેક દિવસના સતત પ્રયાસ પછી સફળતા મળી. છાલને ગરમ પાણીમાં ઉકાળી, મિક્સરમાં તેનું મિશ્રણ કરી અને અન્ય પ્રક્રિયા કરીને સૂકવવાથી હાથકાગળ બને છે. આઠ-દસ ડુંગળીની છાલમાંથી બે-ત્રણ એ-૪ સાઇઝના છાલના રંગ જેવા કાગળ બને છે. આ કાગળ પર લખી શકાય છે, તેને વાળી શકાય છે અને ક્રાફ્ટના ઉપયોગમાં પણ આવે છે. તેની માતા ડુંગળી પરથી છાલ કાઢતી ત્યારે તેને લાગ્યું કે આ છાલ કાગળ જેવી લાગે છે, તેમાંથી એને કાગળ બનાવવાનો વિચાર સ્ફૂર્યો.
માન્યા હર્ષાએ પર્યાવરણ અને સસ્ટેનેબિલિટીના વિષયમાં બાળકો માટે પાંચથી વધારે પુસ્તકો લખ્યાં છે. ઈકો-ફ્રેન્ડલી વેકેશન અંગે તેનું 'ધ શેટ્ટીઝ સસ્ટેનેબલ સમર વેકેશન' ઘણું લોકપ્રિય બન્યું છે. આ પુસ્તકમાં પરિવારે પ્રવાસ સમયે પર્યાવરણ જાળવીને કેવી રીતે આનંદ કરી શકાય તેની વાત કરી છે. વિદ્યાર્થીઓ માટે તે 'સનશાઇન' નામનું માસિક ચલાવે છે, જેમાં પાણી બચાવો, પર્યાવરણ સંરક્ષણ, બાયોડાયવર્સિટી, જલવાયુ પરિવર્તન જેવા વિષયોને આવરી લેવામાં આવે છે. ૨૦૨૦માં વિશ્વ જળદિવસ પર વોકથૉન અને વૃક્ષારોપણનું તેમજ 'વોટર ફોર પીસ' નામનું અભિયાન ચલાવ્યું હતું. સ્કૂલના કાર્યક્રમમાં પ્લાસ્ટિક મુક્ત સમાજ વિશે ગીત ગાયું હતું. પૃથ્વી દિવસ પર પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કર્યું હતું.
માન્યાના માતા ચિત્રાશી હર્ષા કહે છે કે માન્યા તેની નાની પાસેથી ઘણું શીખી છે અને માન્યા પણ તેની બધી સફળતા નાનીને સમર્પિત કરે છે. તેના નાનીનું ૨૦૨૩માં અવસાન થયું. તેની સ્મૃતિમાં તેણે 'ગ્રાન્ડમાઝ ગ્રીન વીવ્ઝ' અભિયાન શરૂ કર્યું. તેમની જૂની સાડીઓમાંથી કપડાંની થેલીઓ બનાવી અને લોકોમાં વહેંચી. તેણે જોયેલું કે તેના નાની જૂનાં કપડાંનો સરસ ઉપયોગ કરતી હતી, તેથી તેણે નાનીની સાડી ઉપરાંત બઁંગલુરુમાં જૂની સાડીઓ અને ચાદરો કે જે વપરાતી ન હોય તેને એકત્રિત કરી. આ અભિયાનમાં મુખ્ય ત્રણ બાબતો હતી. સૌથી પહેલાં તો એને એકત્રિત કરવી, સ્થાનિક દરજીઓ પાસે તેમાંથી બેગ સીવડાવવી અને પ્લાસ્ટિકનું પ્રદૂષણ ન ફેલાય તે માટે પ્લાસ્ટિકને બદલે કપડાંની થેલીનો ઉપયોગ કરવા લોકોને સમજાવવા. ગ્રાન્ડમાઝ ગ્રીન વીવ્ઝ અંતર્ગત બાવીસ સો સાડી અને બસો ત્રીસ ચાદરો એકઠી કરી અને તેમાંથી બે હજાર આઠસો થેલીઓ બનાવડાવી. આના દ્વારા માન્યા અને તેની ટીમે આશરે સવા ટન ટેક્સટાઇલ કચરાને લેન્ડફીલમાં જતો બચાવ્યો, તો સામે પક્ષે આશરે અઢી લાખ પ્લાસ્ટિક બેગનો વપરાશ થતો અટકાવ્યો. આ બધી થેલીઓ બઁગલુરુમાં નાના વેપારીઓ, સ્કૂલો અને કોમ્યુનિટી ગ્રૂપ સુધી પહોંચાડી.
ત્રણ વર્ષથી થેલીઓ બનાવવાના આ અભિયાનમાં બાવીસ સો થેલી બનાવવાનો ઘણો ખર્ચ આવ્યો છે. પહેલાં જે થેલી દરજીઓ સાતથી નવ રૂપિયામાં સીવી દેતા હતા તે હવે તેના વીસ રૂપિયા લે છે, પરંતુ આને માટે તેઓ કોઈ આર્થિક સહાય સ્વીકારતા નથી. માન્યાને મળેલા પુરસ્કારોમાંથી પચાસ ટકા રકમ આની પાછળ ખર્ચે છે. એનું કારણ સમજાવતાં માન્યાના માતા કહે છે કે એક વખત જો દાન સ્વીકારવામાં આવે તો તેનું હેતુ બદલાય જાય છે અને તેઓ આને વ્યવસાય તરીકે નહીં પણ અભિયાન તરીકે ચાલુ રાખવા માગે છે. ૨૦૨૩માં ઇન્ટરનેશનલ યંગ ઈકો-હીરો પુરસ્કાર પણ મળેલો. વિશ્વની સત્તર યુવા એન્વાયર્મેન્ટ એક્ટીવિસ્ટમાંની એક માન્યા દરેક દિવસને પર્યાવરણ દિન, પૃથ્વી દિન અને પાણી દિવસ માને છે. તે કહે છે કે પૃથ્વીને જાળવવાની જવાબદારી તેના બાળકો તરીકે આપણા સહુની છે.




