... અને મહાદેવે ઘરેણાં વેચવા નીકળવું પડયું!

- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- દેવી પાર્વતીએ જ્યારે આભૂષણ વિક્રેતા પાસેથી હાર ખરીદવાનો નિર્ણય કર્યો, ત્યારે પોતાના તરફથી પણ વિક્રેતાને કંઈક વસ્તુ આપવી પડે એમ હતી
દે વી સતીના આત્મવિલોપનની ઘટનાને ઘણાં વર્ષો વીતી ચૂક્યાં હતાં. હિમવાનની પુત્રી પાર્વતી સાથે મહાદેવે પુન: વિવાહ કર્યા. લગ્નના થોડા મહિના પસાર થયા પછી એક દિવસ મા પાર્વતીએ ભગવાનને પૂછયું કે, 'હે નાથ, આપની અનુમતિ હોય, તો હું મારા પિતાના ઘરે જવા માગું છું. પિયર જોયાને ઘણો સમય થઈ ગયો.'
મહાદેવ ક્ષણભર માટે ચિંતિત થઈ ગયા, વિચારમાં પડી ગયા. દેવીએ આની પાછળનું કારણ પૂછયું. મહાદેવે જણાવ્યું કે, 'ભૂતકાળ હજુ તાજો છે. આવી જ રીતે એક દિવસ આપે પૂર્વજન્મમાં આપના પિતા દક્ષ પ્રજાપતિને ત્યાં જવા માટે પરવાનગી માગી હતી અને એ પછી શું થયું, એ ઘટનાના સાક્ષી હું, તમે અને સમસ્ત જગત છે! આખું બ્રહ્માંડ નષ્ટ થવાને આરે પહોંચી ગયું હતું, દેવી!'
'ચિંતા કરવાની આવશ્યકતા નથી, મહાદેવ!' દેવી પાર્વતીએ અત્યંત મધુર સ્વરે કહ્યું, 'આજ વખતે હું આપને વચન આપીને જઉં છું કે ટૂંકાગાળામાં હું આપની પાસે પરત ફરીશ. વળી, બીજું એ કે જો હું થોડા દિવસોમાં કૈલાશ ન આવું, તો આપ મને તેડવા માટે મારા પિયર પધારજો.'
મહાદેવને થોડી શાતા વળી. રસપ્રદ વાત એ છે કે જ્યારે જ્યારે દેવી માએ કોઈ જિદ્દ પકડી, ત્યારે ત્યારે બ્રહ્માંડને કશુંક પ્રાપ્ત થયું. દેવી માની લીલા થકી ક્યાં તો સંસારને એક નવું સ્વરૂપ પ્રાપ્ત થવાનું હોય, અથવા તો મંત્ર કે પછી લોકકલ્યાણ અર્થે કોઈક અવતાર! આજ વખતે પણ એવું જ કશુંક થવાનું હતું.
દેવી પાર્વતી પિયર ગયા અને આ બાજુ દેવાધિદેવ દિવસો ગણવા માંડયા. મહાદેવ ભલે ગમે એટલા સ્મશાનવૈરાગી હોય, પરંતુ આદ્યશક્તિ વિના તો તેઓ પણ અપૂર્ણ જ! દેવીએ આપેલી સમયાવધિ પૂરી થતાં જ મહાદેવ આકુળવ્યાકુળ થઈ ગયા. દેવીએ ચોક્કસ દિવસોમાં પરત ફરવાનું વચન આપ્યું હોવા છતાં હજુ એમના કોઈ સમાચાર ન મળ્યા હોવાને લીધે એમણે નક્કી કર્યુ કે હિમવાનને ત્યાં જવું પડશે! મહાદેવ મા પાર્વતીને તેડવા જવા માટે સજ્જ થઈ ગયા.
તેઓ નીકળવાની તૈયારીમાં હતા, એવામાં એમને દેવી પાર્વતીના શબ્દોનું સ્મરણ થયું. એમણે જતાં પહેલાં કહ્યું હતું કે, 'મારા પિયર તેડવા આવો, ત્યારે ભભૂતધારી અઘોરી બનીને ન આવશો. આપ પહેલીવહેલી વખત જ્યારે મને પરણવા માટે પધારેલા, ત્યારે મારા રાજ્યના લોકો તો આપને જોઈને જ મૂર્છિત થઈ ગયા હતા. આજ વખતે આવો, ત્યારે બીજી કોઈક વેશભૂષા ધારણ કરજો.'
મહાદેવને હવે હાસ-પરિહાસ કરવાની ઈચ્છા થઈ. એમણે આભૂષણ વિક્રેતાનું સ્વરૂપ ધારણ કર્યુ અને દેવી પાર્વતીની પરીક્ષા લેવાનો વિચાર કર્યો. સ્ત્રી અંતે તો સ્ત્રી જ હોય! એ પછી મનુષ્ય દેહ ધરાવનારી નારી હોય કે પછી સ્વયં આદ્યશક્તિ! આભૂષણ અર્થાત્ ઘરેણાં પરત્વે તો એમને પ્રેમ હોવાનો જ!
મહાદેવે નક્કી કર્યુ કે તેઓ પોતાના સ્વરૂપને ઉજાગર નહીં કરે… એમના મનમાં હતું કે 'જોઈએ તો ખરા, પાર્વતી મને ઓળખી શકે છે કે નહીં!'
હિમવાનના મહેલમાં જઈને એમણે મા પાર્વતીને શંખનો મહામૂલો હાર દેખાડયો. દેવી પાર્વતી એ અદ્ભૂત હાર જોઈને અત્યંત પ્રસન્ન થયાં અને એમણે આભૂષણ વિક્રેતા પાસેથી એ ખરીદવાનો નિર્ણય લીધો. આખી ઘટના હવે અહીંથી વળાંક લે છે. પૌરાણિક કાળમાં ચલણી નાણું તો હતું નહીં! આથી, લોકો પોતાની પાસે રહેલી અલગ અલગ વસ્તુઓના મૂલ્યને આધારે આદાનપ્રદાન કરતાં. આનો અર્થ એમ કે વેપારી અથવા વિક્રેતા પાસેથી જે વસ્તુ ખરીદવી હોય, એના બદલામાં ગ્રાહક પોતાની પાસે રહેલી એટલા જ મૂલ્યની વસ્તુ વિક્રેતાને આપતો. દાખલા તરીકે, ઘઉંના બદલામાં ચોખા, સ્વર્ણના બદલામાં હીરા અથવા મોતી વગેરે. અંગ્રેજી ભાષામાં આને 'બાર્ટર સિસ્ટમ' નામ અપાયું છે.
દેવી પાર્વતીએ જ્યારે આભૂષણ વિક્રેતા પાસેથી હાર ખરીદવાનો નિર્ણય કર્યો, ત્યારે પોતાના તરફથી પણ વિક્રેતાને કંઈક વસ્તુ આપવી પડે એમ હતી. મહાદેવ તો લીલા કરવા માટે જ પધાર્યા હતા. એમણે શંખની માળા સામે પાર્વતી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આ સાંભળીને મા પાર્વતી તમતમી ગયાં. એમણે એક એવું પગલું ઉઠાવ્યું, જેની કલ્પના મહાદેવે પણ નહોતી કરી! આ વિશે વધુ વાત કરીશું
આવતાં અંકે.




