Ravi Purti

એલેક્ષ લાનિયર : બેડમિંટનની દુનિયામાં ફ્રાન્સનો નવો સુપરસ્ટાર

By GS Team
6 Sep 20265 mins read
એલેક્ષ લાનિયર : બેડમિંટનની દુનિયામાં ફ્રાન્સનો નવો સુપરસ્ટાર
  • Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
  • ઓલિમ્પિયન સેઈલર પિતા ડેવિડ અને બેડમિંટન ખેલાડી રહી ચૂકેલી માતા સ્ટેલાની મહેનત અને ફ્રાન્સની સ્પોર્ટ્સ સાયન્સ આધારિત કોચિંગ સિસ્ટમે એલેક્સની પ્રતિભાને વર્લ્ડ ચેમ્પિયન સુધી વિસ્તારી

વિ રલ પ્રતિભાઓનું આગમન હંમેશા નવા ઈતિહાસના સર્જનનું કારણ બની રહે છે. તેમના માટે પરિસ્થિતિ અને સમયની સાથે તમામ વ્યવસ્થા પણ એ પ્રકારની અનુકૂળતા કરી આપે છે, જેના કારણે સફળતાના શિખર સુધીની રાહ જાણે આસાન બની રહે છે. તમામ પ્રકારની સહાયતા અને અનુકૂળ પરિસ્થિતિ છતાં જ્યાં સુધી ખેલાડી પોતાની જાતને કર્મ-યજ્ઞામાં આહૂતિની જેમ હોમી દેતો નથી, ત્યાં સુધી સિદ્ધિને પ્રાપ્ત થઈ શકતો નથી. જ્યારે નાના-નાના પ્રયાસોની સાથે પરિસ્થિતિની અનુકૂળતા પણ ત્યારે જ અસરકારક ભૂમિકા ભજવી શકે છેે, જ્યારે ખેલાડી પોતાની જાતને કસોટીને એરણે ચઢાવે છે.
નવી દિલ્હીમાં તાજેતરમાં પુરી થયેલી વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં ફ્રાન્સના ૨૧ વર્ષના યુવા સિતારા એલેક્ષ લાઈનરે પુરુષ સિંગલ્સમાં સુવર્ણ ચંદ્રક જીતવાની સાથે ઈતિહાસ રચી દીધો. આ સાથે એશિયાના પ્રભુત્વવાળી બેડમિંટનની રમતમાં ઈતિહાસમાં પહેલી વખત કોઈ ફ્રેન્ચ ખેેલાડીએ સિંગલ્સ કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ફ્રાન્સના આ યુવા ખેલાડીએ આંતરરાષ્ટ્રીય બેડમિંટનમાં નવા કીર્તિમાન સ્થાપિત કરતા ટાઈટલ જીતવાની સાથે વૈૈશ્વિક સ્તરે તેની ઉપસ્થિતિનો અહેસાસ કરાવ્યો છે.
ફ્રાન્સના ક્લાવાડોસમા આવેલા ઐતિહાસિક શહેર ક્લાઈનમાં જન્મેલા એલેક્ષ લાનિયરની કારકિર્દીનો ચમકારો છેલ્લા બે વર્ષમાં એટલો તેજસ્વી બની ગયો છે અને તેને નજર અંદાજ કરવો મુશ્કેલ છે. ડેનમાર્કમાં ચાલુ વર્ષ (૨૦૨૬)માં જ યોજાયેલા પુરુષ ટીમ બેડમિંટનની એલિટ ચેમ્પિયનશિપ - થોમસ કપમાં ફ્રાન્સને ફાઈનલ સુધી પહોંચાડવામાં એલેક્ષ લાનિયરની ભૂમિકા મહત્વની રહી હતી. ફ્રાન્સની ટીમે ૭૭ વર્ષના થોમસ કપના ઈતિહાસમાં પહેલા ચંદ્રક તરીકે રજત હાંસલ કર્યો હતો. જે ફ્રેન્ચ બેડમિંટનની સ્વર્ણિમ સિદ્ધિ બની રહે છે.
વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયશિપ અને થોમસ કપની સાથે એલેક્ષ યુરોપીયન ટીમ બેડમિંટન ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીતનારી ફ્રેન્ચ ટીમમાં સામેલ હતો. આ ઉપરાંત તેણે ઓર્લાન્ડો માસ્ટર્સ ૩૦૦ અને સિંગાપોર ઓપન ૭૫૦ સિરિઝ જેવી મેજર ટુર્નામે્ન્ટ્સ પણ પોતાના નામે કરી દેખાડી છે. યુવા વયે જ મેજર ટુર્નામેન્ટ્સ જીતવાની સાથે ભલભલા રમત વિવેચકોની ગણતરીને ઊંધી વાળનારા એલેક્ષ લાનિયરની રમતમાં આક્રમતાની સાથે સંરક્ષણ પણ છે. બેડમિંટન કોર્ટને ઓછી મહેનતે કવર કરીને જબરજસ્ત રિટર્ન વડે ચોંકાવી દેવામાં એલેક્ષની કુશળતા લા-જવાબ છે. આ જ કારણે તે દુનિયાના ટોચના ખેલાડીઓ સામેના મુકાબલામાં સફળતા મેળવતો રહ્યો છે.
આધુનિક સમયમાં ખેલાડીની સહાયતા માટે વૈજ્ઞાનિક ઢબની તાલીમ તેમજ આંકડાઓનું જટિલ વિશ્લેષણ તેમજ હરિફ ખેલાડીની નબળાઈઓ પર ધ્યાન કેન્દ્રીત કરીને સફળતા મેળવવાના એક બહોળા ટીમ વર્કનો ફાયદો પણ એલેક્ષને મળી રહ્યો છે. જોકે આ તમામની સાથે જીતવા માટે જીવ રેડી દેવો અને ગમે તેવા પડકારનો સામનો કરવા માટે હરહંમેશ તૈયાર રહેવું તેવું જીવન અને રમતનું શિક્ષણ તો એલેક્ષને ગળથૂથીમાંથી જ મળ્યુ છે અને તે જ તેની પ્રતિભા અને વ્યક્તિત્વના પાયામાં રહેલું છે. આ જ કારણે યુવા વય સફળતાના નવા-નવા શિખરો સર કરવા છતાં એલેેક્ષના પગ હજુ પણ ધરતી પર રહ્યા છે, જે બાબત તેને અન્ય સુપરસ્ટાર્સ કરતાં અલગ ઊંચાઈએ પહોંચાડી રહી છે.
એલેક્ષ અને તેના મોટાભાઈ થેયો માટે રમતનું મેદાન તેમના બીજા ઘર સમાન હતું. પિતા ડેવિડ સેઈલર (નૌકાયનની સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડી) હતા અને તેઓ ઓલિમ્પિક જેવી એલિટ ઈવેન્ટનો બહોળો અનુભવ પણ ધરાવે છે. જ્યારે તેની માતા સ્ટેલા પણ બેડમિંટનની રમત સાથે સંંકળાયેલી હતી. લાનિયર દંપત્તિને ઉચ્ચ સ્તરના ખેલાડી બનવા માટે કેવી ફિટનેસ અને માનસિકતા જોઈએ તેની ખુબ જ સારી રીતે ખબર હતી.દરેક રમતમાં કૌશલ્યની ભૂમિકા એક તબક્કા સુધી જરુર હોય છે. જોકેે આખરે તો ખેલાડીની ફિટનેસ અને મનોબળ જ તેની સફળતાનો પાયો બની રહેતા હોય છે.
ડેવિડ અને સ્ટેલા તેમની ફિટનેસને જાળવવા માટે બેડમિંટન રમતાં અને તેમના પગલે જજ થેયો અને એલેક્ષના હાથમાં બેડમિંટનનું રેકેટ આવ્યું. માત્ર બે-અઢી વર્ષની વયે એલેક્ષે માતા-પિતાની સાથે સમય પસાર કરતાં-કરતાં બેડમિંટન રમવાનું શરુ કર્યું. સાવ નાનકડા થેયો અને એલેક્ષને રમતાં જોઈને તેમના માતા-પિતા ખુશ થતા. એલેક્ષની ઝડપ અને તેની કુશળતા જોઈએ ડેવિડે તેને નજીકની કલબમાં બેડમિંટન શીખવા માટે મૂક્યો. જ્યાં તેની કારકિર્દીને અલગ જ નિખાર મળ્યો.
એલેક્ષના માતા-પિતા એલિટ સ્પોર્ટ્સ સાથે જોડાયેલા હતા, જેના કારણે તેના ડાયેેટથી લઈને ફિટનેસના કાર્યક્રમનું ધ્યાન તેઓ અસરકારક રીતે રાખતા અને આ પ્રકારે એક ચેમ્પિયન ખેલાડીનું ઘડતર થયું. તેને ફ્રાન્સની ડિવેસ - સુર- મેર નામની બેડમિંટન કલબમાં સામેલ કરવામાં આવ્યો. જ્યાંના અનુભવી કોચીસની વૈજ્ઞાનિક ઢબની તાલીમના કારણે તેની રમતમાં નિખાર આવવા માંડયો. તેનું હેન્ડ-આઈ કોર્ડિનેશન અને ફૂટવર્ક જબરજસ્ત હતુ અને આ જ કારણે તે પાંચ-છ વર્ષની ઉંમરથી જ તેના કરતાં બેવડી ઊંમર ધરાવતા હરિફોને હરાવતો.
માત્ર આઠ વર્ષની ઉંમરે તેેણે સ્થાનિક સ્પર્ધાઓમાં તેના કરતાં મોટા હરિફોને હંફાવવા માંડયા અને આ પછી તેને આંતરરાષ્ટ્રીય સ્તરના બેેડમિંટનનો અનુભવ મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. તેણે પ્રેક્ટિસનો સમય પણ વધારી દીધો અને ૧૦-૧૧વર્ષની વયે તે સરેરાશ દરરોજ છ થી સાત કલાક સુધી પ્રેક્ટિસ કરતો. માત્ર ૧૫ વર્ષની વયે તે અંડર-૧૭ના વર્લ્ડ રેન્કિંગમાં ટોચના ક્રમે પહોંચી ગયો હતો અને આ કારણે તેને ફ્રાન્સની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એકેડમીમાં સ્થાન આપવામાં આવ્યું અને આ સાથે તેની પ્રતિભામાં વધુ નિખાર આવ્યો.
દરમિયાનમાં કોરોનાએ દુનિયાભર પર ભરડો લીધો અને ફ્રાન્સમાં પણ લોકડાઉન લગાવવાની ફરજ પડી.જોકે આ સમય એલેક્ષ માટે આશીર્વાદ સમાન સાબિત થયો, કારણ કે તેની પાસેે તેનો પ્રેક્ટિસ માટે તેનો મોટો ભાઈ થેઓ પણ હતો. આ પછી જ્યારે ફરી જનજીવન ધબકતું થયું, ત્યારે એલેક્ષ વધુ બહેતર ખેલાડી તરીકે બહાર આવ્યો. તેણે ૨૦૨૦માં કહ્યું હતુ કે, મારે બેડમિંટનમાં વર્લ્ડ ચેમ્પિયન બનવું છે અને વર્લ્ડ નંબરવન બનવું છે. જોકે તેના શબ્દોમાં જે સપનું તેણે જોયું હતુ, તેને હાંસલ કરવાનું ઝનૂન પણ હતુ.
તેણે ૨૦૨૨માં યુરોપીયન જુનિયર બેડમિંટન ચેમ્પિયનશિપમાં વ્યક્તિગત સ્પર્ધામાં સુવર્ણ અને ટીમ ઈવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો અને આ પછીના વર્ષે વર્લ્ડ જુનિયર બેડમિંટનમાં કાંસ્ય સફળતા હાંસલ કરી. જોકે, ત્યાર બાદ તેણે સતત આગેકૂચ કરતાં આંતરરાષ્ટ્રીય બેડમિંટનમાં ફ્રેન્ચ ક્રાંતિના કર્ણધાર તરીકેની ભૂમિકા ભજવી છે. તેણે અત્યાર સુધીમાં ચેેલેન્જ સિરિઝના છ અને વર્લ્ડ ટૂરના પાંચ ટાઈટલ પોતાના નામે કરી લીધા છે. વર્લ્ડચેમ્પિયન બનવાની સાથે તેણે એક સ્વપ્નને સાકાર કરી લીધું છેે. વર્લ્ડ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચવાનું તેનું લક્ષ્ય છે તેે હાલમાં સાતમા ક્રમે છે. જોકે, એલેક્ષ માને છે કે, જો તે મેજર ટુર્નામેન્ટ્સમાં સાતત્ય સાથે સફળતા મેળવતો રહેશે તો તેને ટોચ પર પહોંચતા કોઈ અટકાવી શકે તેમ નથી.