Ravi Purti

અસ્તિત્વની દરેક પળનો સ્વીકાર

By GS Team
1 Aug 20263 mins read
અસ્તિત્વની દરેક પળનો સ્વીકાર
  • લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
  • કવિવર રવીન્દ્રનાથ ટાગોરની જીવન સાધના એટલે પરમ સાથે પોતાના સુર અને સ્વર, લય અને તાલને સંગત કરવાની આત્મવાન મથામણ

આમારે કરો તોમર વિણા લહો ગો લહો તુલે,
ઉઠીબે બાજિ તંત્રીરાજિ મોહન અંગુલે.
કોમલ તવ કમલકરે પરશ કરો પરાન- ' પરે.

  • ગીત-પંચશતી-કવિવર
    રવીન્દ્રનાથ
    અર્થાત્, મને તમારી વીણા બનાવો, અને મને ઊંચકી લો. તમારી સુંદર આંગળીઓેને સ્પર્શે તે ઝંકારી ઉઠશે. કમળ જેવા તમારા સુકોમળ કરથી મારા પ્રાણને સ્પર્શો. તમારા કાનમાં મારું હૃદય ગુંજન કરશે. કદાચ, કવિવર રવીન્દ્રનાથ ટાગોરની જીવન સાધના એટલે પરમ સાથે પોતાના સુર અને સ્વર, લય અને તાલને સંગત કરવાની આત્મવાન મથામણ. તેમનો શબ્દ-ભાવ વિસંગત તો નથી તેવો સંદેહ કે પ્રશ્ન તેઓ સ્વયં ને પૂછયા કરતા. આ માટે તેઓ એકલતા અને અંધકાર સાથે બેસતા, વાતો કરતાં અને લડતા તો ક્યારેક વિવશ બની તેની સામે ઉભા રહેતા. હા, ક્યારેય પલાયન ન કરતા. અંતત: જ્યોત લઈને આપણી સામે-સૌની સામે આવતા.
    સ્વ. દિનકર જોષી તેમના 'અમૃત પંથનો યાત્રી'માં એક જ્યોર્તિમય પ્રસંગ નોંધે છે. રવીન્દ્રનાથને તેમના ખેતમજુરો કામ કરવા નિયમિત આવે તેનો ભારે આગ્રહ હતો. એક વખત એક ખેતમજૂર મોડો આવ્યો, તેને રજૂ કરવામાં આવ્યો :
    રવીન્દ્રનાથ : કેમ મોડો? અહીં મોડા આવનારનું કામ નથી.
    ખેતમજૂર : ઠાકુર, તે મને ખબર છે. મસાણે મોડું થયું, મને માફ કરો.
    બીજીવાર આવું નહીં થાય
    રવીન્દ્રનાથ : મસાણે જવું પડે તેવું કોનું મૃત્યુ થયું?
    ખેતમજૂર : મારી એકની એક આઠ વરસની દિકરી કાલે મધરાતે દેવશરણ થઇ. આજનો ખાડો ન પડે એટલા માટે હું એને વહેલી સવારે જ મસાણે મૂકી આવ્યો છું. એમાં મોડું થયું. માફ કરો, ઠાકુર.
    રવીન્દ્રનાથને થયું કે ખરો અપરાધી આ માફી માગનાર નથી પણ તેને પૂછનાર છે. તેમને અપરાધભાવ થયો. તેમને પોતાની જ આઠ-દસ વરસની મૃત્યુ પામેલ દિકરી બેલાનું સ્મરણ થયું. તે રાત્રે કવિવર તેમની નોંધપોથીમાં લખે છે, 'મારા નાથ, તું કેવી રીતે ગાય છે તે હું જાણતો નથી, હું તો હંમેશા ચુપચાપ આશ્ચર્યથી સાંભળી રહું છું. મારું હૈયું તારા સંગીતમાં સાથ આપવા ઝંખે છે, પણ મારો અવાજ લાખ પ્રયત્ને પણ નથી નીકળતો. હું બોલું, પણ વાણીમાં ગીત નથી પ્રગટતું અને હું રડી ઉઠું છું! કવીવરના કાવ્યો આત્મપોથીઓ છે. કોઈ ઘટના ઘટે તેનું ગીત બને, ચિત્ર બને. માનવીય વિવશતા અને વિષાદના ગીતો તેમની કલમે અધ્યાત્મ ઉપનિષદ બને. તે સ્વયં સીમ અને અસીમ, નામ અને અનામ, પૃથ્વી અને આકાશ, જીવન અને મૃત્યુ વચ્ચે ઉભા રહેતા. તેઓ કારુણ્યના સૌન્દર્યને અને વિષાદમાંથી પ્રગટતી શરણાગતિ તરફ આંગળી ચીંધે છે. તેમની પ્રતીતિ છે કે જીવન અને મૃત્યુ જ જીવન-યાત્રાના બે ચરણો છે, જીવન-ઉડાનની બે પાંખો છે. દરિયાની ભરતી-ઓટ અને જીવન-મૃત્યુની ઘટમાળનું એક જ ગોત્ર છે. અરે, વસંત અને પાનખર તો યુગ્મ છે. અસ્તિત્વની દરેક ઘટનાની પળને તે સ્વીકારે છે. તેઓ તો પ્રાર્થના કરે છે;
    'ઓ પરમ, વેદનાઓના
    અભિષેક વડે
    તમે મને ભીંજવી દો-શુધ્ધ કરી દો…'