Ravi Purti

એકે હજારા ક્રિકેટર સર ગેરી સોબર્સ આજે પણ ઓલરાઉન્ડરની મહત્તાની મિસાલ સમાન

By GS Team
2 Aug 20266 mins read
એકે હજારા ક્રિકેટર સર ગેરી સોબર્સ આજે પણ ઓલરાઉન્ડરની મહત્તાની મિસાલ સમાન
  • Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
  • બાર્બાડોસના સાધારણ પરિવારમાં જન્મેલા સર ગેરીએ કમાલની બેટિંગની સાથે બોલિંગ અને ફિલ્ડિંગ થકી તેમના જમાનામાં ક્રિકેટ રમવાનો અંદાજ જ બદલી નાખ્યો હતો : ૮૯ વર્ષની વયે સર ગેરીની ચિરવિદાયની સાથે ક્રિકેટે એક પનોતા પુત્રને ગુમાવ્યો છે

સ મયના એકધારા પ્રવાહમાં વહેતી દુનિયામાં ઘણી વખત કેટલીક વિરલ પ્રતિભાઓ તેમની સફળતા અને આગવા અંદાજથી વિશેેષ પ્રભાવ પાડે છે. તેમના આગમનથી જાણે આખો પ્રવાહ જ બદલાઈ જાય છે. તેમના વિશિષ્ટ વ્યક્તિત્વનો અને શૈલીનો પ્રભાવ ચિરકાલીન હોય છે અને જે જમાનામાં કોઈએ કલ્પના પણ કરી ન હોય તેવી અદ્વિતિય સિદ્ધિઓ હાંસલ કરવાની સાથેે તેઓ ભાવિ પેેઢીઓમાં એવો વિશ્વાસ દ્રઢ કરે છે કે, જો માણસ ધારે તો શું ન કરી શકે ? આ જ બાબતને પ્રતિબિંબિત કરતાં ગુજરાતી સાહિત્ય કહે છેે કે,'બાકર બચ્ચા લાખ, લાખે બિચારા; પણ સિંહણ બચ્ચું એક, એકે હજારા'. આવા જ એકે હજારા કહી શકાય તેવા દિગ્ગજ ક્રિકેટર સર ગેરી સોબર્સે ૮૯ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા અને તેની સાથેે ક્રિકેટે તેના એક પનોતા પુત્રને ગુમાવી દીધો. તેમની વિદાયની સાથે ક્રિકેટના ભવ્ય ભૂતકાળને વર્તમાન સાથે જોડતી એક જીવંત કડી પણ તુટી ગઈ હોવાનો અહેસાસ થઈ રહ્યો છે.
ક્રિકેટના સૌથી મહાનતમ બેટ્સમેન તરીકે અમીટ સ્થાન ધરાવતા અને ટેસ્ટમાં ૯૯.૯૪ની અકલ્પનીય રન સરેરાશ ધરાવતા દિવંગત દિગ્ગજ સર ડોન. બ્રેડમેને જ્યારે સોબર્સની રમત જોઈ ત્યારે તેઓ ખુબ જ પ્રભાવિત થઈ ગયા. તેમણે સોબર્સને તેમણેે જોયેલા શ્રેષ્ઠ ખેેલાડી તરીકે ઓળખાવ્યા હતા. સોબર્સની વિશેષતાને રજુ કરતાં તેમણે કહ્યું કે, સોબર્સમાં પાંચ ખેલાડીઓની પ્રતિભા છુપાયેલી છે. આવું તેમણે એટલા માટેે કહ્યું કારણ કે, સોબર્સે બેટ્સમેન તરીકે તો તેમની આગવી શૈલીથી પ્રભાવ પાડયો જ હતો. જ્યારે તેઓ ત્રણ જુદા-જુદા પ્રકારે બોલિંગ પણ કરી શકતા. તેઓ ફાસ્ટ બોલિંગની સાથે તેઓ સ્લોલેફ્ટઆર્મ ઓર્થોડોક્ષ સ્પિન બોલિંગ પણ નાંખી શકતા. તેની સાથે લેફ્ટ આર્મ સ્પિનર પણ હતા. આ બધાની સાથે તમામ પોઝિશનમાં કુશળ ફિલ્ડર તરીકે પણ તેમણે નામના મેળવી હતી. સોબર્સ બેટિંગ અને બોલિંગ બંનેમાં એક સ્પેશિયાલિસ્ટ બેટ્સેમન અને બોલર જેવી કુશળતા ધરાવતા હતા, આ કારણે વિન્ડિઝ સામે રમવા ઉતરતી ટીમો ૧૨ ખેલાડીઓ સામે રમવાનું છે, તેવી જ માનસિકતાથી ઉતરતી.
આજે ટી-૨૦ના જમાનામાં ઓલરાઉન્ડર્સની બોલબાલા છે, પણ ખરા અર્થમાં ઓલરાઉન્ડર કહી શકાય તેવા ખેલાડીઓ શોધવા પડકારજનક છે, ત્યારે સોબર્સની કારકિર્દીના આંકડા તેમની કુશળતાનું પ્રમાણ રજુ કરે છે. પાંચ ફૂટ અને ૧૧ ઈંચ ઉંચાઈ ધરાવતા બાર્બાડોસના ક્રિકેટર સોબર્સે ૯૩ ટેસ્ટની ૧૬૦ ઈનિંગમાં ૫૭.૭૮ની રન સરેરાશથી ૮૦૩૨ રન ફટકાર્યા હતા. તેની સાથે ૨.૨૨ની ઈકોનોમી તેમજ ૩૪.૦૩ની સરેરાશથી ૨૩૫ વિકેટ મેળવી હતી અને આ ઉપરાંત તેમના નામે ૧૦૦થી વધુ કેચ પણ છે. તેમની રન સરેરાશનું મૂલ્યાંકન એ પ્રકારે પણ થવું જોઈએ કે, તેમણે ડેનિસ લીલી, જેફ થોમ્પસન, બ્રાયન સ્ટાધમ, ફ્રેડ ટ્રમેન તેમજ ફઝલ મહમૂદ જેવા બોલરોનો સામનો કર્યો હતો અને આમ છતાં તેમનો બેટિંગનો રેકોર્ડ આટલો તેજસ્વી રહેવા પામ્યો છે. આંકડાઓ ઉપરાંત તેમનો મેદાન પરનો પ્રભાવ પણ અલગ હતો. સોબર્સનું નામ જ ભલભલા દિગ્ગજોના ચહેરા પર ચિંતાની રેખાઓ બનીને ઉપસતું. તેમણે ૨૬ સદી અને ૩૦ અડધી સદી ફટકારી હતી.
સમકાલીન અને અનુગામી ક્રિકેટરો પર પોતાની પ્રતિભા અને વ્યક્તિત્વનો આગવો પ્રભાવ પાડનારા સર ગારફિલ્ડ (ગેરી) સોબર્સનો જન્મ બાર્બાડોસમાં ૨૮મી જુલાઈ, ૧૯૩૬ના રોજ થયો હતો. તેઓ છ ભાઈ-બહેનોના પરિવારમાં પાંચમા ક્રમે હતા.તેમના પિતા શામોન્ટ એક મર્ચન્ટ નેવીમાં નોકરી કરતા હતા અને બીજા વિશ્વયુદ્ધમાં તેમના જહાજ પર થયેલા હૂમલામાં તેમનું મૃૃત્યું થયું હતુ. તેમનો ઉછેર તેમની માતા થેલ્માએ એકલપંડે કર્યો હતો. જન્મના સમયે તેમના બંને હાથમાં છ-છ આંગળી હતી, જેને ત્યાર બાદ દૂર કરવામાં આવી હતી. તેઓ ક્રિકેટની સાથે ફૂટબોલ અને બાસ્કેટબોલ પણ રમતાં. તેમણે અને તેમના મોટાભાઈ ગેરાલ્ડે ઈન્ટર સ્કૂલ ક્રિકેટમાં ચેમ્પિયન બનાવી અને તેમની વિશિષ્ટ પ્રતિભાને સૌથી પહેલા બાર્બાડોસ ક્રિકેટ લીગના ગાર્નેટ એશ્બાય અને ક્રિકેટર ડેનિસ એટ્કિન્સને પારખી અને ૧૩ વર્ષના સોબર્સને તેમણે આગળ વધવાનું પ્લેટફોર્મ પુરું પાડયું.
કિશોર વયના સોબર્સની લેફ્ટ આર્મ સ્પિન બોલિંગે તેમને માત્ર ૧૬ વર્ષની વયે પોલીસ ટીમમાં સ્થાનન અપાવ્યું અને આ દરમિયાન ૧૯૫૨-૫૩માં વિન્ડિઝ પ્રવાસે આવનારી ભારતીય ટીમ સામેની બાર્બાડોસની ટીમમાં તેમને તક મળી અને ફાસ્ટ બોલર ફ્રેન્ક કીંગ ઈજાગ્રસ્ત થતાં ૧૬ વર્ષના સોબર્સને મેદાન પર ઉતરવાની તક મળી. આ પછી એક વર્ષ બાદ ૧૯૫૪માં ઈંગ્લેન્ડની ટીમ સામેની ટેસ્ટ પહેલા વિન્ડિઝના ડાબોડી સ્પિનર વેલેન્ટાઈન ઈજાગ્રસ્ત બની ગયા અને ૧૭ વર્ષના સોબર્સને ટેસ્ટ કેપ મળી ગઈ.
લેફ્ટ આર્મ સ્પિનર તરીકે આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરુ કરનારા સોબર્સની બેટિંગ સાવ સાધારણ સ્તરની લાગતી હતી. તેઓએ સ્પિનર તરીકે પ્રભાવ પાડયો, પણ પ્રથમ ૨૫ ટેસ્ટ ઈનિંગમાં તેમની રન સરેરાશ ૩૦.૫૪ની જ હતી. જ્યારે ડિસેમ્બર ૧૯૬૦ સુધી તેઓએ ૩૪ ટેસ્ટમાં ૪૩ વિકેટ ઝડપી હતી, જેમાં એક પણ વખત તેમને પાંચ કે વધુ વિકેટ મળી નહતી. જોકે આ પછી અચાનક ચમત્કાર સર્જાયો. ૧૯૫૮માં પાકિસ્તાનની ટીમ વિન્ડિઝ પ્રવાસે આવી હતી અને તેની ત્રીજી કિંગ્સ્ટન ટેસ્ટમાં સોબર્સે અબ્દુુલ કારદારની ટીમ સામે અણનમ ૩૬૫ રન ફટકારીને તે સમયનો સર્વોચ્ચ સ્કોરનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો.. જે ત્યાર બાદ ૩૬ વર્ષ સુધી અડીખમ રહ્યો હતો. આ ઈનિંગે સોબર્સનની જિંદગી અને તેમની પ્રતિભાને અલગ જ ઊંચાઈ પર પહોંચાડી દીધી.
માત્ર ૨૧ વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં આસમાની ઊંચાઈ એ પહોચેલા સોબર્સે ત્યાર બાદ પાછુ વળીને જોયું જ નહી. તેમની કારકિર્દીનો સુવર્ણ યુગ ૧૯૫૮થી ૧૯૬૪ સુધીનો કહી શકાય. જે દરમિયાન તેઓએ વિશ્વના મોટાભાગના ટોચના બોલરોની સામે અત્યંત પ્રભાવશાળી બેટિંગ કરી અને બોલિંગમાં પણ ઝંઝાવાત જગાવતા ટીમની સફળતામાં પાયાની ભૂમિકા ભજવી. તેઓએ ૧૯૬૫માં સર ફ્રેન્ક વોરેલના અનુગામી તરીકે વિન્ડિઝનું સુકાન સંભાળ્યું અને ૧૯૭૨ સુધી ૩૯ ટેસ્ટમાં ટીમને નેતૃ્ત્વ પુરું પાડયું હતુ. આ દરમિયાન જ ૧૯૬૮માં ઈંગ્લિશ ક્રિકેટમાં નોટિંગહામના કેપ્ટન તરીકે રમતાં ગ્લામોર્ગના માલ્કન નેશની બોલિંગમાં છ બોલમાં છ છગ્ગા ફટકારવાની ચમત્કારિક સિદ્ધિ સૌપ્રથમ વખત મેળવી હતી. તેમની કેપ્ટન્સીમાં વિન્ડિઝ ૯ ટેસ્ટ જીત્યું હતું અને તેમની ૨૦ ટેસ્ટ ડ્રો થઈ હતી. જ્યારે ૧૦ ટેસ્ટમાં ટીમને હારનો સામનો કરવો પડયો હતો.
તેઓએ ૧૯૭૦ થી ૧૯૭૨ દરમિયાન ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં રેસ્ટ ઓફ વર્લ્ડ ઈલેવનનું સુકાન પણ સંભાળ્યું હતુ. આ બંને શ્રેણીમાં તેમના પ્રભાવશાળી દેખાવની ક્રિકેટ ચાહકોએ તો નોંધ લીધી હતી. જોકે તેમણે તેમની આત્મકથામાં લખ્યું હતુ કે, તે બંને શ્રેણીમાં ત્યારના ટોચના ખેલાડીઓ રમ્યા હતા, અને તેે જોતા આ શ્રેણીઓને સત્તાવારનો દરજ્જો આપવો જોઈએ. તેઓ બાર્બાડોસના ઘરઆંગણાના ક્રિકેટમાં ૨૧ સિઝન રમ્યા હતા. તેમની પ્રતિભાનો ચમકારો ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ઘરઆંગણાના ક્રિકેટમાં પણ જોવા મળ્યો હતો. તેઓ એક વન ડે પણ રમ્યા હતા.જ્યારે ક્રિકેટની સાથે રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ (બાર્બાડોસ) તરફથી રમવાનું ગૌરવ ધરાવતા જૂજ ખેલાડીઓમાં તેમનો સમાવેશ થાય છે.
ક્રિકેટના મેદાન પરના સુપરસ્ટાર તેમના રંગીન મિજાજ અને ભારતીય અભિનેત્રી અંજુ મહેન્દ્રુ સાથેના સંબંધોને કારણે ચર્ચામાં રહ્યા હતા. તેમણે ઓસ્ટ્રેલિયન મહિલા સાથે લગ્ન કર્યા હતા. ઘુંટણની ઈજાથી કંટાળીને તેમણે ૧૯૭૪માં નિવૃત્તિ લઈ લીધી હતી. તેમની વિશિષ્ટ પ્રતિભાને બ્રિટિનના રાણી એલિઝાબેથ ટુ એ ૧૯૭૫માં નાઈટહૂડથી નવાજી હતી. તેઓએ તેમના સમયમાં રોડેશિયા (હાલના ઝિમ્બાબ્વે) અને સાઉથ આફ્રિકાની રંગભેદી સરકારની સામે ગરીબ અશ્વેત બાળકોને ક્રિકેટ થકી આગળ લાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.
તેમની વિરાટ પ્રતિભાને શબ્દોમાં ઉતારવાનો પ્રયાસ કરતાં ક્રિકેટના એક ઈતિહાસકારે લખ્યું કે, જ્યારે ઓલટાઈમ મહાન બેટ્સમેન અંગે ચર્ચા થશે, ત્યારે બ્રેડમેન, જ્યોર્જ હેડલી અને જેક હોબ્સની સાથે સોબર્સનું નામ પણ લેવાશે. જોકે જ્યારે મહાન ઓલરાઉન્ડરની વાત આવશે ત્યારે સોબર્સ પછી કોનું નામ આવે ત્યાંથી જ ચર્ચાનો આરંભ થશે. નિવૃત્તિ બાદ પણ ક્રિકેટની સાથેનો તેમનો નાતો અતૂટ રહ્યો હતો. તેઓએ માત્ર વિન્ડિઝ જ નહીં, પણ વિશ્વ ક્રિકેટમાં અનેક પ્રતિભાઓને પ્રેરણા પુરી પાડી હતી. જ્યારે જ્યારે ક્રિકેટના મહાન સિતારાની વાત આવશે, ત્યારે સર ગેરી સોબર્સનું નામ બ્રેડમેનની હરોળમાં લેવાશે.