દારૂ પી વારંવાર દંગલ કરતા યુવાન પુત્રની માતા-પિતા દ્વારા હત્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગોંડલ: ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દારૂ પીવાની કૂટેવ ધરાવતા પુત્રથી કંટાળીને તેના જ માતા-પિતાએ પુત્રને પહેલાં એસિડ પીવડાવી ત્યારબાદ ગળાટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવ અંગે મૃતકની પત્નીએ પોતાના સાસુ અને સસરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી દંપતીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
માતાએ એસિડ પીવડાવ્યું અને પિતાએ ગળાટૂંપો આપ્યો, પુત્રવધૂની ફરિયાદના આધારે ગુનો દાખલ
પ્રાપ્ત વિગતો મુજબ, ગુંદાળા ગામે રહેતા રામભાઈ બાબુભાઈ બાંભવા નામના યુવાનને અવારનવાર દારૂ પીવાની ટેવ હતી, જેથી તેઓ દારૂ પીને ઘરે આવતા અને પિતા બાબુભાઈ સાથે અવારનવાર નાની-મોટી માથાકૂટ અને કજીયા થતા રહેતા હતા. મૃતકના પાંચ માસ પૂર્વે જ લગ્ન થયાં હતાં. ગત ૨૯ જૂનના રોજ રામભાઈ પોતાની પત્ની બંશીબેન સાથે તેના સાસરે ઘોઘાવદર ગામે ગયા હતા, ત્યાં પણ તેમણે દારૂ પીને ધમાલ મચાવતા તેના સસરાએ બાબુભાઈને ફોન કરીને જમાઇ રામભાઈને પરત ગુંદાળા તેડી જવા કહ્યું હતું. બાદમાં બાબુભાઈ પુત્ર રામભાઈને ગુંદાળા લઇ ગયા હતાં.
બનાવના બીજા જ દિવસે સાંજના રામભાઈ દારૂ પીને ગુંદાળા પોતાનાં ઘરે આવ્યા હતા. આ સમયે બાપ-દીકરા વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. ઝઘડો વધતા માતા મનીષાબેન ઉર્ફે મોતીબેને રામભાઈને એસિડની બોટલ લાવીને પીવડાવી દીધી હતી. એસિડ પીધા બાદ રામભાઈએ રાડારાડ અને દેકારો કરતા પિતા બાબુભાઈ ઉર્ફે અતુલભાઈ ઘુઘાભાઈ બાંભવાએ રામભાઈને ઢીકાપાટુનો માર મારી, મોઢે ડૂચો દઈ દીધો હતો અને ગળાટૂંપો આપી હત્યા નીપજાવી હતી.
હત્યા કર્યા બાદ તેમણે ગામમાં એવી વાત ફેલાવી હતી કે રામભાઈએ જાતે એસિડ પી લીધું છે. પરંતુ પોલીસ દ્વારા લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતા મોત એસિડથી નહીં પરંતુ ગળાટૂંપો આપવાના કારણે થયું હોવાનો રિપોર્ટ આવ્યો હતો. તેથી પોલીસે મૃતક રામભાઇના પત્ની તથા પરિવારનાં સભ્યોની કરેલી પૂછપરછમાં સત્ય બહાર આવતા મૃતક રામભાઈની પત્ની બંશીબેનની ફરિયાદ લઇ મૃતકના માતા મનીષાબેન અને પિતા બાબુભાઈ વિરૂધ્ધ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.આર. ડામોરે ગુનો નોંધી આરોપી માતા-પિતાને ઝડપી લઇ તપાસ હાથ ધરી છે.
- જે કંઈ થયું તે વાત બહાર ન જવી જોઈએ, નહીંતર આપણી આબરૂ જશે…કહી પુત્રવધૂને પણ ધમકાવી
હત્યા કર્યા બાદ માતા-પિતાએ આ પાપ પર પડદો પાડવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. સાસુ-સસરાએ પુત્રવધૂને પણ ધમકાવીને કહ્યું હતું કે, જે કંઈ થયું તે વાત બહાર ન જવી જોઈએ, નહીંતર આપણી આબરૂ જશે. જો કે, પોલીસ દ્વારા લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું. પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ ખુલાસો થયો હતો કે મૃતકનું મોત એસિડથી નહીં પરંતુ ગળાટૂંપો આપવાના કારણે શ્વાસ રૂંધાવાથી થયું છે.




