Rajkot

જેતપુર નગરપાલિકામાં મહિલાઓનો મોરચોઃ ભૂખ હડતાલ છેડવા ચીમકી

By GS Team
25 Jul 20261 min read
TukuTouch Logo
જેતપુરના નવાગઢ આંબેડકરનગરમાં 40 વર્ષથી પાયાની સુવિધાઓના અભાવે મહિલાઓએ નગરપાલિકા કચેરીએ મોરચો માંડ્યો. વોર્ડ નં-2ના સુધરાઈ સભ્યની આગેવાનીમાં મહિલાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. તેમણે કાંકરીવાળા રસ્તા, બંધ સ્ટ્રીટલાઈટ, ઉભરાતી ગટરો અને કચરાના પ્રશ્નો ઉઠાવ્યા. ચીફ ઓફિસરે 15 દિવસમાં ઉકેલની ખાતરી આપી, અન્યથા ભૂખ હડતાલની ચીમકી અપાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

જેતપુર નગરપાલિકામાં મહિલાઓનો મોરચોઃ ભૂખ હડતાલ છેડવા ચીમકી

જેતપુર: જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલા આંબેડકરનગરમાં છેલ્લા ચાર દાયકાથી પાયાની સુવિધાઓનો અભાવ હોવાના આક્ષેપ સાથે સ્થાનિક મહિલાઓએ નગરપાલિકા કચેરીએ મોરચો માંડીને ભારે હોબાળો મચાવ્યો હતો. વોર્ડ નંબર-૨ના મહિલા સુધરાઈ સભ્યની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓએ કચેરી ખાતે તંત્રની બેદરકારી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
આજે આંદોલન દરમિયાન ચીફ ઓફિસરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, આ વિસ્તારના રહીશો નિયમિતપણે હાઉસ ટેક્સ અને અન્ય વેરા ભરે છે, છતાં અહીં કાંકરીવાળા રસ્તા, બંધ સ્ટ્રીટ લાઈટો, ઉભરાતી ભૂગર્ભ ગટરો અને કચરો ઉપાડવાની નિયમિત વ્યવસ્થા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. આ વિરોધ પ્રદર્શન વચ્ચે સુધરાઈ સભ્ય જયશ્રીબેન બગડાએ સુધરાઈના શાસકો સામે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, નગરપાલિકાના મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખના સ્થાને તેમના પતિઓ દ્વારા વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. હોદ્દેદારોના પતિઓની આ ગેરકાયદે દખલગીરીના કારણે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી.
આજે મહિલાઓના આક્રોશને પગલે ચીફ ઓફિસર પાથવ પરમારે આવેદનપત્ર સ્વીકારીને આ તમામ સમસ્યાઓનો ત્વરિત ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. જો કે, મહિલાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી ૧૫ દિવસમાં આંબેડકરનગરના પ્રશ્નોનો કાયમી નિકાલ નહીં આવે તો પાલિકા વિરુદ્ધ ઉગ્ર ભૂખ હડતાલ કરવામાં આવશે.