Rajkot

ઓરિસ્સાથી ગુજરાતમાં ગાંજાનું નેટવર્ક ચલાવતા બે ભાઇઓ ઝબ્બે

By GS Team
22 Sep 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં ઓરિસ્સાથી ગુજરાતમાં ગાંજો સપ્લાય કરતા અમિત ઉર્ફે અમિન અને સિકંદર ઉર્ફે ઇમરાન નામના 2 ભાઈઓને ક્રાઈમ બ્રાંચે હડાળા પાસેથી ઝડપી પાડ્યા છે. આ બંને રૂ.1.04 કરોડના 204 કિલો ગાંજા કેસમાં વોન્ટેડ હતા. અમિત ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો મોકલતો હતો. કોર્ટે બંનેના તા.25 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓરિસ્સાથી ગુજરાતમાં ગાંજાનું નેટવર્ક ચલાવતા બે ભાઇઓ ઝબ્બે

રાજકોટ : ઓરિસ્સાથી ગુજરાતમાં ગાંજો સપ્લાય કરવાનું નેટવર્ક ચલાવતા અમિત ઉર્ફે અમિન ઉર્ફે ગોરખો ખમીશાભાઇ કાતીયાર (ઉ.વ.૨૮) અને તેના ભાઇ સિકંદર ઉર્ફે ઇમરાન ઉર્ફે ઉંદેડો (ઉ.વ.૨૬) (રહે. બંને હડાળા ગામ, મોરબી રોડ)ને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા હતા. આ બંને ભાઇઓ એસઓજીએ ઝડપી લીધેલા રૂા.૧.૦૪ કરોડના ૨૦૪ કિલો ગાંજાના કેસમાં ઘણા સમયથી વોન્ટેડ હતા.
એસઓજીએ આ માતબર રકમના ગાંજા સાથે અગાઉ ઉપલેટાના મહંમદ ઉર્ફે કાળો સર્વદી, રાજકોટના અરબાઝ સંધી અને રઝમીન ઉર્ફે રમીઝ પતાણીને ઝડપી લીધા હતા. આરોપીઓની પુછપરછમાં કાતીયાર બંધુઓના નામો ખુલ્યા હતા. જેમણે ઓરિસ્સાથી આ ગાંજાનો જંગી જથ્થો મોકલ્યો હતો. ઘણાં સમયથી ક્રાઇમ બ્રાંચ બંને ભાઇઓને શોધતી હતી. આખરે હડાળાના પાટીયા પાસેથી ઝડપાઇ ગયા હતા.
બંને ભાઇઓને કોર્ટમાં રજૂ કરી આગામી તા.૨૫ સુધીના રિમાન્ડ પર લેવાયા છે. ક્રાઇમ બ્રાંચને તપાસમાં જાણવા મળ્યું કે, ખાસ કરીને અમિત ઉર્ફે અમિને ઓરિસ્સામાં રહી ત્યાંથી ગુજરાતમાં ગાંજો સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીની તપાસમાં અગાઉ બે વખત સફળ રીતે ગાંજો સપ્લાય કર્યો હતો. ત્રીજી ખેપ કે જે ૨૦૦થી વધુ કિલોની હતી તેમાં એસઓજીની ઝપટે ચડી ગયા હતા.
અત્યાર સુધીમાં ખરેખર કેટલો ગાંજાનો જથ્થો ગુજરાતમાં સપ્લાય કર્યો છે તે અંગે ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે. મુખ્ય સુત્રધાર અમિત વિરુદ્ધ અગાઉ ત્રાસ આપવાના, ચોરીના મળી ચાર ગુના નોંધાયા છે. આ વર્ષે જ તેના વિરુદ્ધ બી.ડિવિઝન પોલીસ મથકમાં માદક પદાર્થોનો કેસ નોંધાયો હતો. જેમાં વોન્ટેડ હોવા છતાં ઓરિસ્સાથી ગાંજો સપ્લાય કરવાનું ચાલું રાખ્યું હતું.
તેના વિરુદ્ધ ઓરિસ્સામાં પણ માદક પદાર્થ અને એમવી એક્ટ હેઠળ બે ગુના નોંધાયેલા છે. ક્રાઇમ બ્રાંચના પીઆઇ મનોજ ડામોર આ કેસની તપાસ કરી રહ્યા છે. ઓરિસ્સાથી ગુજરાતમાં ગાંજાનું આ સમગ્ર નેટવર્ક કઇ રીતે ચાલતું હતું તે દિશામાં મુખ્યત્વે તપાસ કરાશે. ઉલ્લેખનીય છે કે ઓરિસ્સા ગાંજાનું હબ બની ગયું છે. ગુજરાતમાં છાશવારે ગાંજાના કેસમાં ઓરિસ્સાનું કનેક્શન ખુલે છે.