Rajkot

કુવાડવા ગામ પાસેથી ત્રણ પિસ્ટલ અને એક તમંચા સાથે બે પકડાયા

By GS Team
25 Jul 20262 mins read
TukuTouch Logo
રાજકોટ ક્રાઈમ બ્રાંચે કુવાડવા ગામ પાસેથી 2 શખ્સોને 3 પિસ્ટલ અને 1 દેશી તમંચા સાથે ઝડપી પાડ્યા છે. વિજય બાવળીયા અને રીપલા રાઠવા નામના આરોપીઓ પાસેથી 90 હજારના 4 હથિયાર જપ્ત કરાયા. રીપલા મધ્યપ્રદેશથી હથિયાર લાવ્યો હતો. કુલ 8 હથિયાર સાથે 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે. નાસી છૂટેલા ધીરુ કુકડિયાની શોધખોળ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કુવાડવા ગામ પાસેથી ત્રણ પિસ્ટલ અને એક તમંચા સાથે બે પકડાયા

રાજકોટ: રાજકોટની પીસીબીએ હથિયારનું રેકેટ ઝડપી લીધા બાદ ક્રાઈમ બ્રાંચે પણ હથિયારોનું કારસ્તાન ઝડપી લઈ છેલ્લા ત્રણ દિવસમાં ચાર હથિયાર સાથે ત્રણ શખ્સોની ધરપકડ કર્યા બાદ આજે કુવાડવા ગામ પાસેથી વધુ બે શખ્સોને ત્રણ પિસ્ટલ અને એક દેશી તમંચા સાથે પકડી પાડયા હતા.
મળેલી ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે કુવાડવા ગામ નજીક વાંકાનેર જતા રોડ પરથી વિજય મસરૂભાઈ બાવળીયા (ઉ.વ.૩૧, રહે. ઢીકવાળી ગામ, તા. સાયલા) અને રીપલા ઉર્ફે વિપુલ કાગડીયાભાઈ રાઠવા (ઉ.વ.૪૧, રહે. ગાંઠીયા ગામ, તા.છોટા ઉદેપુર)ને પકડી પાડી વિજય પાસેથી એક દેશી તમંચો અને રીપલા ઉર્ફે વિપુલ પાસે એક થેલીમાંથી ત્રણ દેશી પિસ્ટલ મળી રૂા.૯૦ હજારની કિંમતના ચાર હથિયાર કબજે કર્યા હતા. આરોપી વિજય સાથે આવેલો શખ્સ નાસી ગયો હતો. તેનું નામ ધીરૂ મોહનભાઈ કુકડીયા (રહે. ગરાંભડી ગામ, તા.સાયલા) ખુલતા ત્રણેય વિરૂધ્ધ ક્રાઈમ બ્રાંચમાં આર્મ્સ અને બીએનએસની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
આરોપી રીપલા ઉર્ફે વિપુલ છોટા ઉદેપુરથી અવાર-નવાર મજૂરી કામે આવતો હોવાથી વિજય સાથે સંપર્ક થયો હતો. બાદમાં વિજયે હથિયાર મંગાવતા રીપલા ઉર્ફે વિપુલ હથિયાર આપવા માટે આવ્યો હતો. વિજય અગાઉ દારૂ સહિત બે ગુના સાબરકાંઠા અને સુરેન્દ્રનગર પોલીસમાં પકડાઈ ચૂકયો છે. તેણે અને ધીરૂએ હથિયાર શોખ ખાતર મંગાવ્યા હોવાનું રટણ કરી રહ્યા છે. જયારે રીપલા ઉર્ફે વિપુલ હથિયારો મધ્યપ્રદેશથી લઈ આવ્યો હોવાની કબુલાત આપી હતી. જયારે નાસી છૂટેલા ધીરૂ કુકડીયાની શોધખોળ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, પીસીબીએ નવ દિવસમાં ૩૮ હથિયારો સાથે ર૦ આરોપીઓ અને ક્રાઈમ બ્રાંચે ત્રણ દિવસમાં આઠ હથિયારો સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે.