Rajkot

જેતપરની સત્યાગ્રહ છાવણીમાં કિન્નરોએ છાતી કૂટી, મહિલાઓએ છાજિયાં લીધાં

By GS Team
24 Jul 20262 mins read
TukuTouch Logo
મોરબીના જેતપર ગામે વીજ લાઇન વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. દોઢ માસથી ચાલી રહેલી લડત છતાં સરકાર તરફથી પ્રતિસાદ ન મળતા ખેડૂતોમાં રોષ છે. આજે 7 ભાઈઓ અને 11 બહેનોએ પ્રતિક ઉપવાસ કર્યા, જેને 500થી વધુ ખેડૂતોએ ટેકો આપ્યો. કિન્નર સમાજે પણ જોડાઈ સરકારની અન્યાયી નીતિઓ સામે આક્રમક વિરોધ નોંધાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

જેતપરની સત્યાગ્રહ છાવણીમાં કિન્નરોએ છાતી કૂટી, મહિલાઓએ છાજિયાં લીધાં

મોરબી: મોરબીના જેતપર ગામે વીજ લાઈન વળતરના મુદ્દે ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલી લડત હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. દોઢ માસ જેટલો લાંબો સમય વીતી જવા છતાં અને આંદોલનના પાર્ટ ૧ અને ૨ પૂર્ણ થવા છતાં સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નીંભર સરકાર ખેડૂતોના પ્રશ્ને ટસની મસ થવા તૈયાર નથી, જેના કારણે ખેડૂતો પણ હવે આરપારની લડાઈના મૂડમાં છે.
જેતપર સ્થિત ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનનો ધમધમાટ સતત ચાલુ છે. આજે ગુરુવારે યોજાયેલા પ્રતિક ઉપવાસમાં મહેન્દ્રનગર ગામના ૭ ખેડૂત ભાઈઓ અને ૧૧ બહેનો-માતાઓ જોડાયા હતા. આ પ્રતિક ઉપવાસને સમર્થન આપવા માટે આસપાસના વિસ્તારોમાંથી ૫૦૦ કરતાં વધુ ખેડૂત ભાઈઓ અને બહેનો છાવણી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ઉપવાસી છાવણી પર ખેડૂતો દ્વારા ભજન અને ધૂનની જમાવટ કરવામાં આવી હતી. ખેડૂતોએ સૂત્રોચ્ચાર અને ધૂન બોલાવીને ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તેવી અનોખી પ્રાર્થના કરી હતી.
આજે આંદોલનને વધુ વેગ આપવા માટે ગુરુવારે કિન્નર સમાજ પણ જેતપર ખેડૂત સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યો હતો. ખાનગી કંપની અને સરકારની અન્યાયી નીતિઓ સામે કિન્નર સમાજ તેમજ ઉપસ્થિત મહિલાઓ અને ખેડૂત બહેનોએ છાતી કૂટીને અત્યંત આક્રમક અને ભાવુક વિરોધ નોંધાવ્યો હતો. હજુ ખેડૂતો સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે જ્યાં સુધી યોગ્ય અને વ્યાજબી વીજ લાઈન વળતર નહીં મળે, ત્યાં સુધી આ લડત વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને પ્રતિક ઉપવાસ તથા વિરોધ પ્રદર્શનો ચાલુ રહેશે.