Rajkot

રસ્તો બિસ્માર ને કામ અધૂરું, તોય રાજકોટ-જેતપુર હાઈવે પર ટોલ ટેક્સ કેમ? કોંગ્રેસ MLAએ સરકારને ઘેરી

By GS Team
27 Jun 20262 mins read
TukuTouch Logo
રાજકોટ-જેતપુર હાઇવેની બિસ્માર હાલત વચ્ચે ગેરકાયદે ટોલ ટેક્સ વસૂલાતનો મામલો સામે આવ્યો છે. અધૂરા કામ છતાં ખાનગી કંપની દ્વારા વાહનચાલકો પાસેથી ટેક્સ ઉઘરાવવામાં આવે છે. આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માંગ કરી છે. તેમણે આ પ્રવૃત્તિને પ્રજા સાથેની લૂંટ ગણાવી તાત્કાલિક બંધ કરવા અને કસૂરવારો સામે પગલાં લેવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રસ્તો બિસ્માર ને કામ અધૂરું, તોય રાજકોટ-જેતપુર હાઈવે પર ટોલ ટેક્સ કેમ? કોંગ્રેસ MLAએ સરકારને ઘેરી

Rajkot-Jetpur Highway Illegal Toll Tax: રાજકોટથી જેતપુર સુધીના હાઇવેની બિસ્માર હાલત અને અધૂરી કામગીરી વચ્ચે વાહનચાલકો પાસેથી ટેક્સ ઉઘરાવવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. હાઈવેનું કામ પૂરું ન થયું હોવા છતાં એક ખાનગી કંપની દ્વારા ગેરકાયદે રીતે ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ અન્યાય સામે પાટણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. કિરીટ સી. પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે આ સમગ્ર પ્રક્રિયાને પ્રજા સાથે ખુલ્લેઆમ લૂંટ અને છેતરપિંડી ગણાવીને તાત્કાલિક તપાસની માંગ કરી છે.

પુલના કામ અધૂરા અને ઠેર-ઠેર ડાયવર્ઝનથી લોકો પરેશાન

ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં હાઈવેની વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપતાં જણાવ્યું છે કે, 'રાજકોટથી જેતપુર રોડને સિક્સ લેન બનાવવાની કામગીરી હાલમાં ચાલુ છે, પરંતુ આ કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. હાઈવે પર આવતા મોટાભાગના પુલોના કામ હજુ પણ અધૂરા પડ્યા છે. માર્ગ પર સતત ચાલતા કામના કારણે વાહનચાલકો માટે ઘણી બધી જગ્યાએ જોખમી ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, જેના લીધે સામાન્ય જનતા અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.'

સુવિધા વિના ટેક્સ વસૂલવાની પરવાનગી કોણે આપી?

પત્રમાં સરકારની નીતિઓ અને ખાનગી કંપનીની જોહુકમી સામે આકરા પ્રહારો કરતાં ધારાસભ્યે સવાલ ઉઠાવ્યો છે કે, જ્યારે વાહનચાલકોને પૂરી સુવિધા કે સલામત રસ્તો જ આપવામાં આવતો નથી, તો પછી આ પ્રકારે અધૂરા રસ્તે ટોલ ટેક્સ ઉઘરાવવાની પરવાનગી કોણે આપી? મધ્યમ વર્ગના લોકો, નોકરિયાતો અને ખેડૂતો પાસેથી કોઈ પણ પ્રકારની સુવિધા આપ્યા વિના જ કરોડો રૂપિયા પડાવવાની આ પ્રવૃત્તિ પ્રજા સાથેની ખુલ્લી લૂંટ જ છે.

ગેરકાયદે ટોલ વસૂલાત તાત્કાલિક બંધ કરવા માંગ

કોંગ્રેસના ધારાસભ્યે મુખ્યમંત્રીને એક સંવેદનશીલ વડા તરીકે સંબોધીને આ ગંભીર અને લોકહિતના મુદ્દે તાત્કાલિક અસરથી ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવા અનુરોધ કર્યો છે. તેમણે માંગ કરી છે કે જ્યાં સુધી હાઈવેનું કામ સંપૂર્ણપણે પૂરું ન થાય અને લોકોને સલામત રસ્તો ન મળે ત્યાં સુધી આ ગેરકાયદે ટોલ વસૂલાત સદ્દંતર બંધ કરવામાં આવે અને કસૂરવારો સામે કડક પગલાં લેવામાં આવે.

ઉલ્લેખનીય છે કે રાજકોટથી ગોંડલ વચ્ચે ખાનગી કંપની દ્વારા બેરોકટોક ઉઘરાવવામાં આવતા આ ટોલ ટેક્સને લઈને સ્થાનિક વાહનચાલકો અને મુસાફરોમાં પણ લાંબા સમયથી ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જેને હવે રાજકીય સમર્થન મળ્યું છે.