રાજકોટમાં જમાદારના ભત્રીજાની ગોળી મારી હત્યામાં ત્રણ આરોપીઓ ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: ગાંધીગ્રામ-ર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહ જાડેજાના નાનામવા ગામમાં રહેતા ભત્રીજા કૃષ્ણસિંહ હરદેવસિંહ જાડેજા (ઉ.વ.૩૦)ની ઘર પાસે જ ગોળી મારી હત્યા નિપજાવી અને તેના દાદા રહેન્દ્રસિંહ (ઉ.વ.૬પ)ના માથામાં ગંભીર ઈજા પહોંચાડી ભાગી ગયેલા નવલનગરના રણજીત નાજભાઈ વાળા (ઉ.વ.આ. ૪પ), તેના પુત્ર રાજવીર (ઉ.વ.આ.૧૯) ઉપરાંત સગીર પુત્રની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ કેસની ગંભીરતા ધ્યાને લઈ તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. તપાસનીશ પીઆઈ મનોજ ડામોર દ્વારા આરોપીઓ સામે સજ્જડ પુરાવા એકત્ર કરવા કવાયત શરૂ કરાઈ છે.
ગઈકાલે રાત્રે બનેલી આ ઘટના બાદ ભાગી ગયેલા આરોપીઓને પકડવા માટે ક્રાઈમ બ્રાંચના એસીપી બી. બી. બસીયાએ જૂદી-જૂદી ટીમોને કામે લગાડી હતી. જેના પરિણામે બપોરે ત્રણેય આરોપીઓ સરધાર પાસેથી ઝડપાઈ ગયા હતા. આ બનાવ અંગે હત્યાનો ભોગ બનનાર કૃષ્ણસિંહના માસીયાઈ ભાઈ કુલદિપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૪૦) ફરિયાદી બન્યા છે. આ ઘટના નજરે જોનાર સાક્ષી પણ છે.
તેણે પોલીસને જણાવ્યું કે ગઈકાલે રાત્રે નવેક વાગ્યે શેરીમાં વોકિંગ કરતા હતા. સાડા નવેક વાગ્યે કૃષ્ણસિંહને ત્રણ છોકરાઓ સાથે ઉભેલા જોયા હતા. જેથી ત્યાં જતાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી ચાલતી હતી. આ બાબતે પુછતાં કૃષ્ણસિંહે કહ્યું કે આ છોકરાઓ અવાર-નવાર રોડ પરથી ફૂલ સ્પીડમાં બુલેટ લઈ નીકળી હલ્લા-બોલ કરે છે. અવાર-નવાર બુલેટ ધીમું ચલાવવા બાબતે કહ્યું છે. તેમ છતાં માનતા નથી. આજે પણ બુલેટ સ્પીડમાં લઈ રેસ કરતાં હોવાથી રોકતાં બોલાચાલી કરી રહ્યા છે.
આ છોકરામાંથી એક જેમફાવે તેમ ગાળો બોલતો હતો. જેથી તેને કૃષ્ણસિંહે ઝાપટ મારી હતી. બંનેને તેણે છૂટ્ટા પાડયા હતા. તે છોકરાએ કોલ કરતાં પાંચેક મિનિટમાં એકટીવા ઉપર રાજવીર આવ્યો હતો. તેણે કૃષ્ણસિંહને મારા ભાઈ સાથે કેમ લપ કરી તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. જેથી કૃષ્ણસિંહે તેને પણ બે-ત્રણ ઝાપટ ઝીંકી દીધી હતી. તે સાથે જ રાજવીરે કોઈને કોલ લગાડી કહ્યું પપ્પા તમે ટીઆરપી વાળા રોડ પર આવો, મને એક અંકલે મારી લીધું છે.
ત્યાર પછી તે કૃષ્ણસિંહને સમજાવીને ઘરે લઈ ગયા હતા. ફળિયામાં કૃષ્ણસિંહ ફાકી ખાઈ બહાર થૂંકવા જતાં શેરીમાં દેકારો સાંભળવા મળ્યો હતો. તે સાથે જ કૃષ્ણસિંહે તેને કહ્યું કે આપણે લપ થઈ તે લોકો પાછા આવી ગયા છે અને ગાળાગાળી કરી રહ્યા છે. બાદમાં કૃષ્ણસિંહ શેરીમાં જતાં રાજવીર અને એક છોકરો ગાળો દઈ બોલ્યા કે આ જો અમારો બાપ આવી ગયો, તે સાથે જ તેના પિતા (રણજીત)એે બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું. કૃષ્ણસિંહ રોકવા જતાં રાજવીર અને બીજા છોકરાએ તેની સાથે મારામારી શરૂ કરી પપ્પા આને પતાવી જ દયો, આપણું નામ જ કેમ લીધું આ લોકોએ તેમ કહી કૃષ્ણસિંહને મારકૂટ શરૂ કરી હતી.
તે વચ્ચે પડતાં રણજીતે તેને ધક્કો મારી કૃષ્ણસિંહ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેને કારણે તે નીચે પડી જતાં રાજવીર સહિત બંને છોકરાઓએ પપ્પા આને મારી જ નાખો, હજી ગોળી મારો, આ જીવતો ના રહેવો જોઈએ તેવી બૂમો પાડી હતી. તત્કાળ પાડોશમાં રહેતાં તેના માસા રહેન્દ્રસિંહને બોલાવી આવતાં રણજીતસિંહે તેમના માથામાં બંદૂક ઝીંકી ઈજા પહોંચાડી હતી. સંબંધી દિગ્વિજયસિંહ પકડવા જતાં રણજીતે તેની સામે બંદૂક તાકી કહ્યું કે નજીક ના આવતો નહીં તો ઉડાવી દઈશ. કિરીટસિંહે પાઈપના બે-ત્રણ ઘા રણજીતને ઝીંકી દીધા હતા. ત્યાર બાદ રણજિતસિંહ સહિતના આરોપીઓ પાર્કિંગ તરફ ભાગી ગયા હતા.
- આરોપી રણજીત વાળા સામે દારૂ-જુગાર સહિતના ગુના નોંધાયેલા છે
રાજકોટ: આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં ક્રાઈમ બ્રાંચે ગુનાના કામે કબજે કરવા તજવીજ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે આરોપી રણજીત સામે ર૦૧પ સુધી દારૂ-જુગારના ગુના નોંધાયેલા છે. હથિયાર કયાંથી લીધુ તે અંગે તપાસ થઈ રહી છે. તે ફીગો કારમાં આવ્યો હતો. તેનો પુત્ર એકટીવામાં આવ્યો હતો. આ ઉપરાંત બુલેટ સહિતના વાહનો કબજે કરવા તજવીજ કરાઈ છે. સામાન્ય બોલાચાલીમાં ફાયરિંગ કરી હત્યાની ઘટનાથી શહેરીજનો સ્તબ્ધ થઈ ગયા છે. સાથો-સાથ પોલીસ પણ ચિંતામાં મુકાઈ ગઈ છે.









