સ્ટુડિયો માલિકે રોજના રૂા.1 હજારના વળતરની લાલચમાં રૂા.50 હજાર ગુમાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : રૂા.૫૦ હજાર ઉપર રોજના ૨ ટકા લેખે એટલે કે રોજ રૂા.૧ હજારનું વળતર આપવાની લાલચ આપી ગાયત્રીનગર મેઇન રોડ પર ગીતાનગર શેરી નં.૧માં રહેતા સંગીતકાર કમ સ્ટુડીયો માલિક ઉમંગ ઉમેશભાઇ મહેતા (ઉ.વ.૩૦) સાથે રૂા.૫૦ હજારની ઠગાઇ થઇ હતી. જે અંગે મૂળ જામનગરની અને હાલ અમદાવાદ રહેતી રીયા ગોર સામે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.
ફરિયાદમાં ઉમંગભાઇએ જણાવ્યું છે કે, ૨૦૧૫ની સાલમાં ઘંટેશ્વર પાર્કમાં ડીજેની ઇવેન્ટમાં રીયા સાથે પરીચય થયો હતો. આ પછી બંને સોશિયલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં હતા. એક દિવસ રીયાએ એક કંપનીના ફોટા મોકલી કહ્યું કે, તમે આ કંપનીમાં ઇન્વેસ્ટ કરો એટલે સારું વળતર મળશે. સંપૂર્ણ જવાબદારી મારી રહેશે. આ પછી અલગ-અલગ પેકેજ વિશે જણાવી કહ્યું કે, હું આ કંપનીમાં જ નોકરી કરું છું. કંપનીમાંથી મે ઘણો નફો મેળવ્યો છે. આ ગેમિંગ કંપનીનો પ્રોજેક્ટ મારા હાથમાં જ છે. હું જ બધું મેનેજ કરું છું. બધાનું પેમેન્ટ પણ હું જ કરું છું.
પરિણામે વિશ્વાસમાં આવી રૂા.૫૦ હજારનું રોકાણ કર્યું હતું. બદલામાં દરરોજ બે ટકા લેખે રૂા.૪ હજારનું વળતર ચાર દિવસ સુધી મળ્યું હતું. ત્યારબાદ રીયાએ વળતર આપવાનું બંધ કરી દીધું હતું. રકમ પરત માગતા ઉડાવ જવાબ આપતી હતી. આખરે ફોન અને મેસેજના જવાબ આપવાનું પણ બંધ કરી દેતા ડિજિટલ પુરાવા સાથે તેના વિરુદ્ધ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જે ખાતામાં ઠગાઇની રકમ જમા થઇ હતી તેને પણ આરોપી બનાવ્યો છે.




