Rajkot

યાત્રાધામ વીરપુરમાં છ ઈંચ ભારે વરસાદથી જળબંબાકાર, કાર સાથે કારખાનેદાર તણાયા

By GS Team
24 Jul 20262 mins read
TukuTouch Logo
વીરપુરમાં ગુરુવારે રાત્રે ૮ થી શુક્રવારે સવારે ૮ વાગ્યા સુધીમાં 12 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદથી વીરપુર પાણીમાં ગરકાવ થયું હતું. તેલ હોકરા નદીમાં પૂર આવતા ગોંડલના 70 વર્ષીય કારખાનેદાર ભીખુભાઈ ડોબરીયાની ઇલેક્ટ્રિક કાર તણાઈ ગઈ હતી. ફાયર વિભાગ અને NDRF દ્વારા કારને બહાર કઢાઈ, પરંતુ કારખાનેદાર લાપતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યાત્રાધામ વીરપુરમાં છ ઈંચ ભારે વરસાદથી જળબંબાકાર, કાર સાથે કારખાનેદાર તણાયા

વીરપુર : જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં આખરે ગઈકાલે મધરાતથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ગુરુવારે રાત્રે આશરે ૮ વાગ્યાથી શુક્રવારે સવારે ૮ વાગ્યા સુધીના માત્ર ૧૨ કલાકના સમયગાળામાં ૬ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી પડતા સમગ્ર વીરપુર શહેર પાણીમાં તરબોળ થઈ ગયું છે. અવિરત વરસાદના કારણે મુખ્ય શેરીઓ, ગલીઓ અને રોડ-રસ્તાઓ બે કાંઠે વહેતી નદીઓમાં ફેરવાઈ ગયા હતા. આ દરમિયાન કાર સાથે કારખાનેદાર તણાઈ જતાં શોધખોળ ચાલુ કરાઈ હતી.
ભારે વરસાદને પગલે જલારામ નગર રોડ પર આવેલો ખરાવાડ વિસ્તાર, રાધાકૃષ્ણ સોસાયટી તેમજ ખાંટ રાજપૂત સમાજ પાસેના અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જો કે, સવારે વરસાદે વિરામ લેતા પાણી ધીમે-ધીમે ઓસર્યા હતા. આ ભારે વરસાદથી વીરપુર પંથકની નદીઓ અને નાળાઓ છલકાઈ જતાં ખેડૂતોમાં ભારે ખુશીની લહેર જોવા મળી છે અને પાકને નવું જીવન મળવાની આશા બંધાઈ છે.
વરસાદી માહોલ વચ્ચે વીરપુરમાંથી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી હતી. નેશનલ હાઇવેથી સ્વામિનારાયણ ગુરુકુલ થઈ વીરપુર તરફ જવાના માર્ગ પર આવેલી તેલ હોકરા નદીમાં આવેલા ભારે પૂરના પ્રવાહમાં એક ઇલેક્ટ્રિક કાર તણાઈ ગઈ હતી. પ્રાથમિક વિગતો મુજબ, ગોંડલના શાસ્ત્રીનગરમાં રહેતા ૭૦ વર્ષીય ભીખુભાઈ ડોબરીયા સવારે પોતાના કારખાને જવા નીકળ્યા હતા. નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ હોવાથી તેમણે વીરપુરના અંદરના રસ્તેથી શોર્ટકટ લીધો હતો, તે દરમિયાન સવારે ૭ વાગ્યાની આસપાસ તેમની કાર નદીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. જે ઘટનાની જાણ થતાં જ જેતપુર અને ગોંડલ ફાયર વિભાગ, પોલીસ તંત્ર, મામલતદાર તેમજ એનડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી ભારે જહેમત બાદ પૂરના પાણીમાંથી કારને બહાર કાઢવામાં સફળતા મળી છે. જો કે, કારમાં સવાર કારખાનેદારનો આજે સાંજ સુધી કોઈ પત્તો લાગ્યો નહોતો.