આઈપીઓમાં રોકાણના બહાને લીધેલા રૂા.1 કરોડ ઓળવી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : ગોંડલ રોડ પરની પંચશીલ સોસાયટી નજીક સ્ટેટસ-ટુ એપાર્ટમેન્ટમાં રહેતા અને ગોંડલ માર્કેટ યાર્ડમાં વછરાજ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતાં હાર્દિકભાઈ કિશોરભાઈ શિયાણી પાસે આઈપીઓમાં રોકાણના બહાને લીધેલા રૂા. ૧ કરોડ ઓળવી જવા અંગે અમદાવાદમાં રહેતાં મેડાર્ટ કંપનીના માલિક રાજકુમાર પટેલ સામે રાજકોટની ઈઓડબલ્યુમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદમાં હાર્દિકભાઈએ જણાવ્યું છે કે તેના મિત્ર પાર્થ કમલેશભાઈ દોશી અમદાવાદ રહે છે. જેની સાથે રાજકોટ અને ગાંધીનગરમાં સુપર માર્કેટ બનાવવાના છે. ગઈ તા.૪ ઓગસ્ટના રોજ પાર્થભાઈએ કોલ કરી રાજ પટેલ વિશે જણાવી કહ્યું કે તે શેર બજારમાં ઈન્વેસ્ટ કરે છે, મોટા આઈપીઓમાં રોકાણ કરાવી સારૂ વળતર આપે છે, તમને ફોન આવે તો વાત કરી લેજો. તે જ દિવસે રાજ પટેલે તેને વોટસએપ કોલ કરી કહ્યું કે હું સ્વિચ ઈલેકટ્રીક બાઈક કંપનીનો ઓનર છું. બીજી વાતચીત બાદ સારી કંપનીનો આઈપીઓ આવશે તો કહીશ તેમ કહ્યું હતું.
થોડા દિવસ બાદ પાર્થભાઈએ કોલ કરી રાજ પટેલ બેન્ક ડિટેઈલ માગે તો આપી દેવાનું કહ્યું હતું. સાથો-સાથ એક-બીજાના બેનીફિશયરી એકાઉન્ટ જોઈન્ટ કરાવી લેવાનું પણ કહ્યું હતું. આ પછી રાજ પટેલે કોલ કરતાં પોતાની પેઢીના બેન્ક ખાતાની ડિટેઈલ આપી હતી. તે સાથે જ તેનું બેન્ક એકાઉન્ટ એડ કરાવ્યું હતું. ગઈ તા.૧૧ ઓગસ્ટના રોજ રાજ પટેલે કોલ કરી કહ્યું કે હું હાલ ફોરેન છું, મારા દુબઈથી રૂપિયા આવે તેમ છે, જે તમારા ખાતામાં નખાવું છું, તમે રકમ ઉપાડી મારા માણસને અમદાવાદમાં આપી દેજો.
થોડીવાર બાદ તેના ખાતામાં પોતાની કંપનીના ખાતામાંથી રૂા.૩ર.પ૦ લાખ ટ્રાન્સફર કર્યા હતા. જે રકમનું તેણે રાજ પટેલના નામે આંગડિયું કરી આપ્યું હતું. ગઈ તા.૧૭ સપ્ટેમ્બરના રોજ રાજ પટેલને કોલ કરી રૂા.૩ર.પ૦ લાખની એન્ટ્રી સુલટાવવાનું કહેતાં હા પાડી હતી. ત્યારબાદ તેના કહ્યા મુજબ તેની કંપનીના ખાતામાં રૂા.પ૦ લાખ ટ્રાન્સ્ફર કર્યા હતા. રાજ પટેલના માણસ પલ્કેશે તે રૂા.પ૦ લાખ અમદાવાદમાં તેના પરિચીત આનંદ શાહને આપી દીધા હતા. આ રીતે બંને વચ્ચે વિશ્વાસ બંધાયો હતો.
ગઈ તા.૧૮ સપ્ટેમ્બરના રોજ રાજ પટેલે આઈપીઓમાં રોકાણ કરવા માટે બે કલાક માટે રૂા.એક કરોડ આપવાનું કહેતાં પોતાની પેઢીના ખાતામાંથી તેની કંપનીના એકાઉન્ટમાં આરટીજીએસથી રૂા.એક કરોડ ટ્રાન્સ્ફર કર્યા હતા.
પરંતુ બે કલાક પછી રકમ પરત આપી ન હતી. અવાર-નવાર જુદા-જુદા બહાના બતાવતો હતો. આખરે તેના રૂા. એક કરોડ આઈપીઓમાં રોકાણ નહીં કર્યાનું જણાવી દીધું હતું. તેના માણસ પલ્કેશે ઈન્કમટેક્ષની રેઈડ પડયાનું જણાવી મામલો શાંત થયા બાદ રકમ આપી દેવાની વાત કરી હતી. પરંતુ રાજ પટેલે તેના કોલ ઉપાડવાનું બંધ કરતાં આખરે ફરિયાદ નોંધાવી હતી.




