ભાડે લીધેલી થાર ડુપ્લીકેટ ચાવીની મદદથી ચોરી લીધી, બે ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: કાલાવડ રોડ પરથી એકાદ વર્ષ પહેલા ચોરી કરેલી થાર સાથે ક્રાઇમ બ્રાંચે બે આરોપી જયેશગીરી ઉર્ફે જયેશ આટકોટ પ્રેમગીરી ગોસ્વામી (ઉ.વ.૨૫, રહે. કૈલાશનગર, આટકોટ) અને ભાર્ગવ વિપુલ જોશી (ઉ.વ.૨૦, રહે. હાલ બોપલ ભુવા રોડ, એક્વા રેસિડેન્સી, અમદાવાદ, મૂળ ધોરાજી)ને ઝડપી લીધા હતા.
ક્રાઇમ બ્રાંચની તપાસમાં એવું ખુલ્યું છે કે, બંને આરોપીઓએ ચોરી કરી તેના એક માસ પહેલા થાર સેલ્ફમાં ભાડે લીધી હતી. તે વખતે તેની ડુપ્લીકેટ ચાવી બનાવડાવી તેમાં જીપીએસ ફીટ કરી દીધું હતું. દોઢેક દિવસ થાર ફેરવ્યા બાદ પરત આપી દીધી હતી. તેના એકાદ માસ બાદ જીપીએસના આધારે લોકેશન મેળવી ડુપ્લીકેટ ચાવીની મદદથી ચોરી લીધી હતી.
ત્યારબાદ તેમાં બેસી મોજશોખ કર્યા હતા. ઘણી વખત સેલ્ફમાં ભાડે પણ આપી હતી. આખરે ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે રેસકોર્સ ગ્રાઉન્ડ પાસેથી ઝડપી લઇ થાર કબજે કરી છે. જે અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
ક્રાઇમ બ્રાંચના સુત્રોએ જણાવ્યું હતું કે, આરોપી જયેશગીરી સામે ગુજરાતમાં ગુનો નોંધાયાની કોઇ માહિતી મળી નથી. જ્યારે આરોપી ભાર્ગવ સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં લૂંટનો અને આણંદના વલ્લભવિદ્યાનગરમાં એમવી એક્ટ સહિતની કલમો હેઠળ એમ કુલ બે ગુના નોંધાયેલા છે. બંને ભેજાબાજોની બીજા કોઇ ગુનામાં સંડોવણી છે કે કેમ તે અંગે પણ ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે.




