Rajkot

આજે રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટઃ સરકારી અને ખાનગી સ્કૂલોમાં રજા

By GS Team
31 Jul 20264 mins read
TukuTouch Logo
રાજકોટ સહિત ગુજરાતમાં 4 સક્રિય સિસ્ટમ્સને કારણે આવતીકાલે રેડ એલર્ટ જાહેર થયું છે. રાજકોટ જિલ્લામાં તમામ શાળાઓ, આંગણવાડી, ટ્યુશન ક્લાસ બંધ રહેશે. કલેક્ટરની સૂચનાથી, 1લી શનિવારે શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ બંધ રહેશે. શિક્ષકોને હેડક્વાર્ટર ન છોડવા અને અસરગ્રસ્ત નાગરિકો માટે આશ્રયસ્થાનની સુવિધા સજ્જ રાખવા જણાવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજે રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટઃ સરકારી અને ખાનગી સ્કૂલોમાં રજા

રાજકોટ : ગુજરાતમાં ભારે વરસાદની ચાર સીસ્ટમ સક્રિય થતા આવતીકાલે અમદાવાદ,સુરેન્દ્રનગર, આણંદ સાથે રાજકોટ જિલ્લામાં અતિશય ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું છે જેના પગલે રાજકોટ જિ.માં ખાનગી-સ્વનિર્ભર તથા સરકારી, ગ્રાન્ટેડ સહિતની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે ફરજીયાત રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત આંગણવાડી, ટયુશન ક્લાસ વગેરે પણ બંધ રાખવા જણાવાયું છે.
કલેક્ટરની સૂચનાથી જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર જારી કરીને તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આવતીકાલ તા.૧ શનિવારે ફરજીયાત રજા જાહેર કરી શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ બંધ રખાશે. આ સાથે શાળાના તમામ શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફને હાજર રહેવા અને હેડક્વાર્ટર નહીં છોડવા તથા શાળાના મકાનો અસરગ્રસ્ત નાગરિકો માટે આશ્રયસ્થાન તરીકે વાપરી શકાય તે માટે વિજળી,પીવાના પાણી,શૌચાલય જેવી સુવિધા સજ્જ રાખવા સૂચના અપાઈ છે.
રાજકોટ મહાપાલિકામાં મ્યુનિ.કમિશનરે ઈમરજન્સી મીટીંગ બોલાવીને તા.૪ ઓગષ્ટ મંગળવાર સુધી કોઈ પણ કર્મચારી,અધિકારીએ લીધેલી રજા રદ કરવા અને આ સમયમાં કોઈને રજા નહીં આપવા તેમજ તમામ અધિકારીઓને રાઉન્ડ ધ ક્લોક પોતાનો ફોન ચાલુ રાખવા (સ્વીચ ઓફ નહીં કરવા) અને ફોનની રીંગ વાગે એટલે તુરંત ઉપાડીને પ્રતિસાદ આપવા પણ તાકીદ કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ પાણી નિકાલ,રાહતકાર્ય માટે સજ્જ રહેવા જણાવાયું છે.
પોલીસ કમિશનરે તમામ પોલીસ કર્મચારીઓની શનિવારથી સોમવાર રજા રદ કરીને રેસ્ક્યુના સાધનો સાથે તમામ સ્ટાફને સજ્જ રહેવા આદેશ કર્યો છે. ડેમ ઓવરફ્લો થાય, પૂર આવે તો શુ પગલા લેવા તેનું માર્ગદર્શન અપાયું છે તથા પૂરના સ્થળ કે છલકાતા જળાશયો પાસે રજાના દિવસમાં ભીડ જમા થવા નહીં દેવા તેમજ માર્ગો બંધ પડે ત્યારે વૈકલ્પિક માર્ગો સુનિશ્ચિત કરીને ટ્રાફિક જાળવવા સૂચના અપાઈ છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વેરાવળ, મુળ દ્વારકા, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, વિક્ટર, અલંગ, ભરુચ, દહેજ, મગદલ્લા તથા રજામાં જ્યાં પબ્લિક ઉમટતી હોય છે તેવા દિવ-દમણ સહિતના તમામ બદરોએ એલ.સી.-૩ પ્રકારના ભયસૂચક સિગ્નલો લાગ્યા છે અને કોઈ પણ હેતુ માટે દરિયો નહીં ખેડવા કે દરિયામાં ન્હાવા નહીં જવા તાકીદ કરાઈ છે.
આ શનિ-રવિએ ફરવા જવામાટે સેઈફ ડેસ્ટીનેશન- ઘર
રાજકોટ,શુક્રવાર
ગુજરાતના રાજકોટ-અમદાવાદ જેવા નેશનલ હાઈવે ઉપર પણ તળાવ જેવા પાણી ભરાઈ જાય છે અને અનેક માર્ગો ભારે વરસાદમાં બંધ પડી જતા હોય છે. તો અસંખ્ય માર્ગો પરના ગાબડાં વધુ જોખમી બનતા હોય છે. આ સ્થિતિમાં ગુજરાતમાં આવતીકાલે તા.૧ના શનિવાર અને તા.૨ના રવિવાર આ બે દિવસોમાં નાગરિકોમાં હરવા ફરવા જવાનો, અંતરિયાળ લીલાછમ્મ,પર્વતીય વિસ્તારોમાં ફરવા જવાનો ભારે ક્રેઝ હોય છે પરંતુ, આ બે દિવસ અનિવાર્ય સંજોગો સિવાય સ્વગૃહે સુરક્ષિત રહેવા ઉપરાંત કલેક્ટર તંત્રએ ખાસ કરીને નદીકાંઠા નજીકના માર્ગો,સ્થળો, નીચાણવાવાળા વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરાઈ છે.

રાજ્યમાં ચાર સીસ્ટમ સક્રિય થતા ભારે વરસાદનો માહૌલ
રાજકોટ : આજે (૧) મધ્યપ્રદેશ અને વિદર્ભ (મહારાષ્ટ્રનો નાગપુર સહિત ૧૧ જિ.નો પૂર્વ પ્રદેશ) ઉપરનું ડિપ્રેશન (૨) રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી મોન્સૂન ટ્રફ (૩) ડિપ્રેશન સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન એરિયાથી દક્ષિણ ગુજરાત થઈને રાજ્ય નજીક ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી ટ્રફ (૪) દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરલ સુધી ઓફ શોર ટ્રફ એમ ચાર સીસ્ટમ સક્રિય બનતા ગુજરાત ઉપર પ્રચંડ મેઘવર્ષાનો માહૌલ સર્જાયો છે.

રેડ એલર્ટના પગલે તંત્રની શુ તૈયારી છે
રાજકોટ : રાજકોટમાં આવતીકાલે શનિવારે અતિશય ભારે વરસાદની ચેતવણીના પગલે લેવાયેલા પગલાની ઝલક.
(૧)પોલીસ,મનપા સહિત તમામ સરકારી કર્મચારીઓની ૩ દિવસ સુધી રજા રદ.
(૨) સ્કૂલ,કોલેજો, ટયુશન ક્લાસીસમાં રજાઓ જાહેર.
(૩) એન.ડી.આર.એફ., હોમગાર્ડ, ફાયરબ્રિગેડ, સ્વયંસેવકાને સજ્જ રહેવા સૂચના.
(૪) પોલીસને પણ જરૂર પડયે બચાવકાર્યમાં જોડાવા એડી. સી.પી. દ્વારા માર્ગદર્શન અપાયું.
(૫) સ્થળાંતર કરાયેલા લોકોને આશ્રય આપવા મસ્કૂલો સહિત બિલ્ડીંગની સ્થળ તપાસ, ફૂડ પેકેટની તૈયારી.
(૬) સિવિલમાં સગર્ભા માટે હેલ્થ કિટ્સ,શેલ્ટર હોમ સહિત સુવિધા.
(૭)ડેમ-તળાવો છલકાય, પૂર આવે ત્યાં ભીડને રોકવા પોલીસને સૂચના

આજે વિરાણી હાઈસ્કૂલમાં સંગઠન પર્વ સહિત કાર્યક્રમો રદ
રાજકોટ: આવતીકાલે રાજકોટમાં અતિ ભારે વરસાદની ચેતવણીના પગલે સ્કૂલો પણ બંધ કરાઈ છે ત્યારે વિરાણી હાઈસ્કૂલ ખાતે આવતીકાલે શહેર-જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિનો યોજાનાર કાર્યક્રમ રદ કરવા જાહેર કરાયું છે. અન્ય કેટલાક કાર્યક્રમો પણ રદ કરાઈ રહ્યાનું જાણવા મળ્યું છે.
રવિવારે રાજકોટમાં ભારે વર્ષાનું એલર્ટ છતાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ
રાજકોટ : રવિવાર તા.૨ના મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ તથા રાજકોટ સહિત તોફાની વરસાદનું એલર્ટ છતાં આ દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે લોકાર્પણોનો કાર્યક્રમ મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયેલ છે જે આજે રાત્રિ સુધી રદ કરાયેલ નથી. તંત્ર કહે છે કાલની સ્થિતિ મૂજબ નિર્ણય લેવાશે.