Rajkot

રાજકોટ: લોઠડા ગામે વરસાદી પાણીના ખાડામાં રમવા ગયેલા બે બાળકોના ડૂબી જવાથી મોત

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
રાજકોટ નજીક લોઠડા ગામે વરસાદી પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 માસૂમ બાળકોના કરુણ મોત થયા છે. મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના હિતેશ (5) અને મનીષા (5) રમતા રમતા ખાડામાં પડ્યા હતા. અન્ય બાળકીએ જાણ કરતા પરિવારજનો પહોંચ્યા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા. આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: લોઠડા ગામે વરસાદી પાણીના ખાડામાં રમવા ગયેલા બે બાળકોના ડૂબી જવાથી મોત

Rajkot News: રાજકોટ નજીક આવેલા લોઠડા ગામે રમતા રમતા વરસાદી પાણીથી ભરેલા ખાડામાં પડી જતાં બે બાળકોના ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યા હતી. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

રમતા રમતા વરસાદી ખાડામાં પહોંચ્યા

મળતી માહિતી મુજબ, લોઠડા ગામે રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્ય પ્રદેશના ચંદ્રરોશન ગૌતમનો 5 વર્ષીય પુત્ર હિતેશ અને ઓમકાર નિશાદની 5 વર્ષીય પુત્રી મનિષા ત્રીજી ઓગસ્ટના રોજ અન્ય ત્રણ બાળકો સાથે ઘર નજીક રમી રહ્યા હતા. રમતાં રમતાં બાળકો નજીકમાં આવેલી 'જે કે ગ્રીનઝોન ઇન્ડસ્ટ્રી' પાસે વરસાદી પાણીથી ભરેલા એક ખાડા પાસે પહોંચ્યા હતા. બાળકો પાણીમાં છબછબીયા કરી રહ્યા હતા ત્યારે અચાનક હિતેશ અને મનિષા ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા.

બાળકીએ જાણ કરી, પણ મોડું થઈ ગયું

બંને બાળકોને પાણીમાં ડૂબતા જોઈ સાથે રમી રહેલી પાડોશની એક બાળકીએ તુરંત દોડીને તેમના પરિવારજનોને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ પરિવારજનો અને સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જો કે, પાણીમાં ડૂબી જવાથી બંને બાળકો બેભાન થઈ ગયા હતા. તેમને ત્વરિત 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ બંને માસૂમોને તપાસીને મૃત જાહેર કર્યા હતા.

માસૂમ બાળકોના મોતથી મધ્ય પ્રદેશના શ્રમિક પરિવારમાં ભારે કલ્પાંત સર્જાયો છે. ઘટના અંગે જાણ થતાં જ આજીડેમ પોલીસ મથકની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોત અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.