રાજકોટ રેલવે પોલીસની સંવેદનહીનતા: ગુમ કિશોરની ફરિયાદ કરવા ગયેલા પરિવારને ગોદડું ઓઢી સૂતેલા મહિલા PSOએ કહ્યું- '24 કલાક પછી આવજો'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot railway police negligence viral video : રાજકોટ રેલવે પોલીસની બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. રાજકોટ રેલવે સ્ટેશન પર 12 વર્ષનો બાળક જોવા મળ્યા બાદ ગુમ થયા અંગે બાળકના મામા મોડી રાત્રે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયા હતા. આ સમયે ત્યાં મહિલા PSO પોલીસ સ્ટેશનમાં ગોદડુ ઓઢી સુતા હતા અને સુતા સુતા જવાબ આપ્યો કે 24 કલાક રાહ જુઓ. પોલીસની આ ગંભીર બેદરકારી સામે બાળકના મામાએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કરી રોષ વ્યક્ત કર્યો હતો.
કિશોર ગુમ થયાની રજૂઆત સમયે પોલીસના જવાબથી પરિજનોમાં રોષ
મળતી માહિતી પ્રમાણે, એક 12 વર્ષિય કિશોર દ્વારકા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો. પરિવારના સભ્યોએ જણાવ્યું કે કિશોરે ઘરે ફોન કરીને સ્ટેશનેથી દ્વારકા જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. જે મોબાઈલ પરથી ફોન આવ્યો હતો તે વ્યક્તિ સાથે કિશોર હોવાની શક્યતા છે. મહત્વનું છે કે અગાઉ પણ કિશોર આ રીતે જ ગુમ થયો હતો ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને શોધી કાઢ્યો હતો. હાલ પરિજનોએ પોલીસ સમક્ષ ગુમ થયાની લેખિત અરજી કરવાની માગ કરી છે, તો બીજી બાજુ પોલીસ તંત્ર દ્વારા એક-બે દિવસ રાહ જોયા બાદ નિયમાનુસાર તપાસની પ્રક્રિયા હાથ ધરવા અંગે કહેવાતા પરિજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

નાઈટ PSO ગોદડું ઓઢીને સૂતા હતા, 24 કલાક પછી આવવાનું કહ્યું
બાળકના મામાએ જણાવ્યું કે, બાળકનું ઘર રેલવે સ્ટેશન પાસે જ છે. અજાણ્યા નંબર પરથી બાળકનો ફોન આવ્યા પછી તરત જ 2થી 3 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પરંતુ ત્યાં સુધીમાં ટ્રેન નકળી ગઈ હતી. પરિજનોએ આક્ષેપ કર્યો કે, આ અંગે અમે સૌપ્રથમ ચાઈલ્ડ હેલ્પલાઈન પર સંપર્ક કર્યો પરંતુ ત્યાં સંતોષકાર જવાબ ન મળતા અને RPF ઓફિસ ખાતે રજૂઆત કરવા ગયા હતા. પરિવારનો આક્ષેપ છે કે, અરજી આપવા ગયા ત્યારે નાઈટ PSO ગોદડું ઓઢીને સૂતા હતા અને 24 કલાક પછી આવવાનું કહીને ટાળવામાં આવ્યું હતું. પરિજનોનો સવાલ છે કે એક બાળક ગુમ હોય અને 24 કલાકની રાહ જોવાનું કહેવામાં આવે અને બાળક સાથે કોઈ અઘટિત ઘટના ઘટી જાય તો આ અંગે જવાબદારી કોની રહેશે?




