Sports

મેચમાં ચીટિંગ? રમ્યા વગર પાકિસ્તાનને ટ્રોફી આપી દેવાતા ભારત લાલઘૂમ, ટ્રોફી સેરેમનીનો કર્યો બહિષ્કાર!

By GS Team
20 Nov 20263 mins read
TukuTouch Logo
ઢાકામાં રમાનારી બ્લાઇન્ડ ક્રિકેટ એશિયા કપ 2026ની ભારત-પાકિસ્તાન ફાઇનલ વરસાદને લીધે રદ થઈ. પાકિસ્તાનને નેટ રન રેટના આધારે ચેમ્પિયન જાહેર કરાતા વિવાદ સર્જાયો છે. ભારતીય ટીમે એવોર્ડ સેરેમનીનો બહિષ્કાર કરી ભવિષ્યમાં પાકિસ્તાન સામે ન રમવાની ચીમકી ઉચ્ચારી. WBCC પ્રમુખે નિર્ણય પલટાવતા ભારતે આંતરરાષ્ટ્રીય મંચે પડકારવાની તૈયારી કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

મેચમાં ચીટિંગ? રમ્યા વગર પાકિસ્તાનને ટ્રોફી આપી દેવાતા ભારત લાલઘૂમ, ટ્રોફી સેરેમનીનો કર્યો બહિષ્કાર!

Blind Cricket Asia Cup 2026 : ઢાકામાં રમાનારો મેન્સ બ્લાઇન્ડ ક્રિકેટ એશિયા કપ 2026 નો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ફાઇનલ મુકાબલો ભારે વરસાદને કારણે રદ કરવામાં આવ્યો છે. જોકે, મેચ રદ થયા બાદ આયોજકોએ પાકિસ્તાનને બહેતર નેટ રન રેટના આધારે એકમાત્ર ચેમ્પિયન જાહેર કરતા મોટો વિવાદ ઊભો થયો છે. આ એકતરફી નિર્ણયના વિરોધમાં ભારતીય ટીમે એવોર્ડ સેરેમનીનો બહિષ્કાર કર્યો છે અને ભવિષ્યમાં પાકિસ્તાન સામે ન રમવાની ચીમકી ઉચ્ચારી છે.

વરસાદને કારણે ટોસ પણ ન થઈ શક્યો અને નિર્ણય બદલાયો

શુક્રવારે ઢાકા ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટાઇટલ જંગ રમાવાનો હતો, પરંતુ સતત વરસાદને કારણે મેચમાં ટોસ પણ ઉછાળી શકાયો ન હતો. ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ ઇન ઇન્ડિયા (CABI)ના જણાવ્યા મુજબ, ટૂર્નામેન્ટના ટેકનિકલ નિયમોની કલમ 27 હેઠળ વર્લ્ડ બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલ (WBCC) ની ટેકનિકલ સમિતિ શરૂઆતમાં બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવા સંમત થઈ હતી. પરંતુ, આરોપ છે કે WBCC ના પ્રમુખ અને પાકિસ્તાન બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલના વડા સુલતાન શાહે સમિતિના આ નિર્ણયને પલટી નાખ્યો હતો અને મેચ રેફરી પર દબાણ લાવીને પાકિસ્તાનને ચેમ્પિયન જાહેર કરાવ્યું હતું.

પાકિસ્તાની પ્રમુખે પોતાના દેશને જ વિજેતા જાહેર કરી દીધો

આ સમગ્ર ઘટના અંગે CABIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કરીને પોતાનો વિરોધ નોંધાવતા લખ્યું છે કે, 'ફાઇનલ મેચ રમાયા વિના જ પાકિસ્તાનને ટ્રોફી આપી દેવામાં આવી. WBCC પ્રમુખ અને પાકિસ્તાન બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ સુલતાન શાહે સંયુક્ત વિજેતા જાહેર કરવાના WBCC ટેકનિકલ કમિટીના નિર્ણયને પલટી નાખ્યો અને મેચ રેફરીને આ નિર્ણય જાહેર કરવાની ફરજ પાડી.'

નેટ રન રેટના નિયમ અને રિઝર્વ ડે પર ઉઠ્યા સવાલ

ભારતીય ટીમ અને અધિકારીઓએ ફાઇનલમાં નેટ રન રેટના ઉપયોગ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. ભારતીય અધિકારીઓનું કહેવું છે કે નેટ રન રેટનો ઉપયોગ માત્ર લીગ કે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ટીમોની રેન્કિંગ નક્કી કરવા માટે થાય છે, નહીં કે વરસાદથી ધોવાયેલી ફાઇનલનો વિજેતા નક્કી કરવા માટે. આ ઉપરાંત, આટલી મોટી ટૂર્નામેન્ટની ફાઇનલ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો ન હતો અને રમવાની શરતોમાં કરાયેલા ફેરફારો અંગે કેપ્ટન્સ મીટિંગમાં પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.

'ખિતાબ મેદાન પર જીતવો જોઈએ, ચાલાકીથી નહીં': CABI પ્રમુખ

ભારતીય કેપ્ટન ટી. દુર્ગા રાવે જણાવ્યું કે મેચ રેફરીએ અચાનક બોલાવીને પાકિસ્તાનને વિજેતા અને ભારતને રનર્સ-અપ જાહેર કરવાની જાણ કરી, જે ક્રિકેટના ઇતિહાસમાં અગાઉ ક્યારેય બન્યું નથી. CABI ના પ્રમુખ મહંતેશ જી. કિવિદાસનવરે આ નિર્ણયને શરમજનક અને ભારતીય ખેલાડીઓ સાથેનો ખુલ્લો અન્યાય ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ખિતાબ મેદાન પર રમીને જીતવો જોઈએ, અધિકારીઓને પ્રભાવિત કરીને નહીં. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત (જેણે 2016 માં પ્રથમ એશિયા કપ જીત્યો હતો) પાકિસ્તાનને એકમાત્ર વિજેતા તરીકે સ્વીકારશે નહીં અને માત્ર સંયુક્ત વિજેતાના નિર્ણયને જ માન્ય રાખશે.

ભવિષ્યમાં પાકિસ્તાન સામે મેચ ન રમવાની ચીમકી

આ વિવાદ બાદ ભારતીય ટીમે ટ્રોફી વિતરણ સમારોહમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો. CABI ના સચિવ શૈલેન્દ્ર યાદવે કડક વલણ અપનાવતા જાહેરાત કરી છે કે જ્યાં સુધી આ વિવાદનો યોગ્ય ઉકેલ નહીં આવે અને નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે, ત્યાં સુધી ભારતીય ટીમ ભવિષ્યમાં પાકિસ્તાન સામે કોઈ પણ મુકાબલો રમશે નહીં. હાલ CABI દ્વારા આ નિર્ણયને તમામ યોગ્ય આંતરરાષ્ટ્રીય મંચ પર પડકારવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.