હવે વાહનની નંબર પ્લેટ સાથે છેડછાડ કરી તો ઈંધણ નહીં મળે, રાજકોટમાં ‘નો નંબર પ્લેટ, નો ફ્યુઅલ’ નીતિ લાગુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

No Number Plate No Fuel: રાજકોટ શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા અને ટ્રાફિક નિયમોના પાલન માટે એક કડક નિર્ણય લેવામાં આવ્યો છે. વાહનોમાંથી નંબર પ્લેટ હટાવીને કે તેની સાથે છેડછાડ કરીને ફરતા વાહનચાલકો પર લગામ કસવા માટે પોલીસ કમિશનરે 'નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં'નો આદેશ જાહેર કર્યો છે. રાજ્યમાં આ પ્રકારનો અનોખો અને કડક નિર્ણય અમલી બનાવનાર રાજકોટ પ્રથમ શહેર બન્યું છે.
પેટ્રોલ પંપ સંચાલકોને તાત્કાલિક અસરથી કડક સૂચના
નવા આદેશ અનુસાર, શહેરના તમામ પેટ્રોલ, ડીઝલ અને CNG પંપના માલિકો તેમજ કર્મચારીઓને સ્પષ્ટ અને કાયદેસરની રજિસ્ટ્રેશન પ્લેટ વગરના વાહનોમાં ફ્યુઅલ ન પુરવા માટે સૂચિત કરી દેવાયા છે. જે પંપ સંચાલક કે વાહનચાલક આ આદેશનો અનાદર કરશે, તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ ખાસ પ્રતિબંધિત આદેશ 17 ઓગસ્ટ, 2026થી લઈને 16 ઓક્ટોબર, 2026 સુધી એટલે કે કુલ 60 દિવસ માટે લાગુ રહેશે.

ઈ-ચલણથી બચવાના કીમિયા પર પોલીસની ત્રાંસ
પોલીસના ધ્યાન પર આવ્યું હતું કે, માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરા દ્વારા કપાતા ઈ-ચલણથી બચવા માટે કેટલાક તત્વો ઈરાદાપૂર્વક વાહનોની નંબર પ્લેટ ભૂસી નાખે છે અથવા કાઢી લે છે. આવી પ્રવૃત્તિઓને કારણે રોંગ સાઈડ ડ્રાઇવિંગ, સિગ્નલ તોડવા અને બેફામ વાહન ચલાવવા જેવી ટ્રાફિક સમસ્યાઓમાં સતત વધારો થઈ રહ્યો હતો, જેને રોકવી અત્યંત જરૂરી બની હતી.
ગંભીર ગુનાઓ અને અકસ્માતો અટકાવવાનો મુખ્ય હેતુ
નંબર પ્લેટ વિનાના વાહનો માત્ર ટ્રાફિક જ નહીં, પરંતુ જાહેર સુરક્ષા માટે પણ મોટો ખતરો સાબિત થઈ રહ્યા છે. હિટ એન્ડ રનના બનાવો, ચેઈન સ્નેચિંગ, લૂંટ અને ધાડ જેવા ગંભીર અપરાધો આચરીને ભાગી છૂટવામાં આવા વગર ઓળખના વાહનોનો ઉપયોગ થતો હોવાનું ખુલ્યું છે. આથી, રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ કડક પગલું ઉઠાવવામાં આવ્યું છે.




