મંદિરમાં લોટી ચડાવવા બાબતે વૃદ્ધ દંપતી સાથે ઝઘડો અને મારપીટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : રવિ રત્ન પાર્ક સોસાયટી શેરી નં.૪માં આવેલા સોમેશ્વર મંદિરમાં લોટી ચડાવવાના ઝઘડામાં આરોપી વેંદાત પટેલ અને તેના પિતાએ પાડોશી દંપતીને મારકુટ કર્યાની ફરિયાદ ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં નોંધાઇ છે.
નિવૃત જીવન વિતાવતા બેચરભાઇ ઘોડાસરા (ઉ.વ.૬૨)એ પોલીસને જણાવ્યું કે, તેના પૂત્ર અને પૂત્રી વિદેશમાં વસવાટ કરે છે. ગઇ તા.૧૨ના રોજ સવારે તેના પત્ની સોમેશ્વર મહાદેવના મંદિરે જળાભિષેક કરવા ગયા હતા. શ્રાવણ માસમાં મંદિર વહેલું ખુલતું હતું પરંતુ તે દિવસે હજુ મંદિર ખુલ્યું ન હતું. ભાવિકો મંદિર ખુલવાની રાહ જોતા હતા ત્યારે નજીકમાં રહેતા બાલુભાઇએ કહ્યું કે, પુજારીને કહો મંદિર ખોલે. જેથી તેના પત્નીએ કહ્યું કે, હવે શ્રાવણ મહિનો પુરો થઇ ગયો છે એટલે આ જ ટાઇમે મંદિર ખુલશે.
ત્યારબાદ મંદિર ખુલતાં બાલુભાઇ સૌથી પહેલા ગર્ભગૃહમાં જળ ચડાવવા પહોંચી ગયા હતા. તે જોઇ તેના પત્નીએ કહ્યું કે, બાલુભાઇ થોડીવાર ઉભા તો રહો, શિવલિંગ પરનો સાંજનો શણગાર તો ઉતારી લેવા દો, તમે પછી લોટી ચડાવજો. તે સાથે જ બાલુભાઇએ ઉશ્કેરાઇ જઇ તેની પત્નીને તું શાંતિ રાખ, દોઢી થામાં તેમ કહીં દીધું હતું.
પત્નીએ ઘરે આવી આ વાત તેને કરી હતી. જોકે તેણે આપણે આ લોકો જેવા નથી થવું તેમ કહી પત્નીને 'સમજાવી' દીધી હતી. ત્યારબાદ મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ પુરા કરી ઘરે જતાં હતા ત્યારે બાલુભાઇના પૌત્ર વેદાંતે તેને ક્યાં જાશ, ઘરે નથી જવાનું, સાઇડમાં આવ. આ પછી તેનો હાથ પકડીને લઇ જતા હતા ત્યાં તેના પત્ની નર્મદાબેન આવી જતાં વેદાંતે તેને તું કેમ સવારમાં મારા દાદા સાથે લપ કરતી હતી. તે સાથે જ વેદાંતના પિતા પીવીસી પાઇપ લઇને આવ્યા હતા.
તેના વડે તેના પત્ની ઉપર હુમલો કરતા ઇજા થઇ હતી. જોકે તે ત્યાંથી નિકળી ગયા બાદ ૧૧૨માં કોલ કર્યો હતો. તેના પત્નીએ સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવી હતી.




