એઈમ્સમાં ઈન્ટર્ની ડોક્ટરની છેડતીના ગુનામાં નર્સિંગ ઓફિસર જેલહવાલે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : ગુજરાતની એકમાત્ર નામાંકિત રાજકોટ એઈમ્સમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરીને ઈન્ટર્ની ડોક્ટર તરીકે ફરજ બજાવતી એક યુવતીની જાતીય સતામણી કરવાના ચર્ચાસ્પદ બનાવમાં રાજકોટ ગાંધીગ્રામ પોલીસે આરોપી અને એઈમ્સના નર્સિંગ ઓફિસર લલિત રાધેશ્યામ શર્મા (ઉ.૨૬)ની ધરપકડ કરીને આજે કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કરવામાં આવેલ છે.
આ આરોપી મૂળ રાજસ્થાનનો વતની છે અને હાલ રાજકોટ જામનગર રોડ ઉપર નાગેશ્વર વિસ્તારમાં રહે છે તથા રાજકોટ એઈમ્સમાં ત્રણ વર્ષથી કાયમી જગ્યા પર ફરજ બજાવતો હતો. હજુ એમ.બી.બી.એસ. કરીને ઈન્ટર્નશીપ કરતી યુવતીની તેણે બિભત્સ છેડતી કર્યાની ઘટનાથી ભારે ચકચાર જાગી હતી અને યુવતીની માનમર્યાદા, સલામતિ સામે સવાલો ઉભા થતા રેસીડેન્શીયલ ડોક્ટરો, ઈન્ટરની તબીબો ગત ગુરુવારે હડતાળ ઉપર ઉતર્યા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો.
આ અન્વયે એઈમ્સ સત્તાવાળાઓએ આરોપી લલિત શર્માની અગાઉ જ અન્ય જગ્યા ઉપર બદલી કરી નાંખી હતી અને સમિતિ દ્વારા ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે. દરમિયાન આ અંગે પોલીસમાં ગુનો નોંધાતા પોલીસે બી.એન.એસ.એસ.ની ક.૭૫(૨) (જુની આઈપીસીની ક.૩૫૪) હેઠળ જાતીય સતામણી, નિર્લજ્જ હુમલા અંગે ગુનો નોંધીને આરોપીને ધરપકડ કરી હતી અને આજે તેને જેલહવાલે કરવામાં આવેલ છે. વધુ તપાસ જારી રખાઈ છે.




