મોરબીમાં હોસ્પિટલની હોસ્ટેલમાં નર્સનો ઈન્જેક્શન લઈને આપઘાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મોરબીમાં શ્રમિકે ગળાફાંસો ખાઇ લેતાં, ઇંગોરાળા ગામે યુવતીએ ઝેર પી લેતાં, લક્ષ્મીનગર ગામે બાળકીને ઉલટી થવાથી શ્વાસ રૂંધાઈ જતાં મોત
મોરબી: મોરબી જિલ્લામાં યમરાજાએ ડેરા તંબુ તાણ્યા હોય તેમ આપઘાત અને અપમૃત્યુના સાત બનાવો નોંધાયા છે. જિલ્લામાં સાત બનાવોમાં બાળક સહિત કુલ સાત વ્યક્તિના મોત મામલે પોલીસે તપાસ ચલાવી છે. આ પૈકી એક બનાવમાં મોરબીની ખાનગી હોસ્પિટલની હોસ્ટેલમાં એક નર્સે આત્મહત્યા કરી લીધી હતી.
દાહોદના વતની હાલ મોરબીના લાતી પ્લોટમાં આવેલી ક્રિષ્ના હોસ્પીટલની હોસ્ટેલમાં રહેતી નર્સ નિસરતા પ્રીયંકાબેન રમેશભાઈ (ઉ.વ.૨૦) નામની યુવતીએ પોતાની જાતે ઇન્જેક્શન લગાવી લેતા હોસ્પીટલમાં ખસેડાઈ હતી જ્યાં સારવારમાં યુવતીનું મોત થયું છે. તેનો મોબાઈલ લોક હોવાથી તેના ડેટા મેળવવાની તજવીજ સહિતની તપાસ પોલીસે આરંભી છે. બીજા બનાવમાં મૂળ એમપીના વતની હાલ મોરબીના રાજપર ચાચાપર રોડ પર કોટન પ્રાઈવેટ લીમીટેડમાં રહીને કામ કરતા કમલેશ રકસિંહ મંડલોઈ (ઉ.વ.૨૪) નામના યુવાને લેબર કોલોનીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. ત્રીજા બનાવમાં મૂળ છોટા ઉદેપુરના વતની હાલ હળવદ તાલુકાના ઈંગોરાળા ગામની સીમમાં રહીને મજુરી કરતા ઇતાબેન ગોવિંદભાઈ રાઠવા (ઉ.વ.૩૨) નામની પરિણીતા કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં રાજકોટ વધુ સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં તેનું મોત થયું હતું. મૃતકને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે.
અપમૃત્યુના બનાવો પૈકી એકમાં મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા ધુ્રવીબેન જગદીશભાઈ વરમોરા (ઉ.વ.૨૨) નામની યુવતીનું પોતાના ઘરે કોઈ કારણોસર મોત થયું હતું. બીજા બનાવમાં વાંકાનેર બાઉન્ડ્રી ચોટીલા રાજકોટ હાઈવે પરથી અજાણ્યા પુરુષ (ઉ.વ.આશરે ૫૫ વષ) બેભાન હાલતમાં મળી આવ્યા હતા અને હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કર્યા હતા. ત્રીજા બનાવમાં મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતી પીન્કી રવિભાઈ દુડવે (ઉ.વ.૭)ને ઉલટી થતા ગળામાં શ્વાસ રૂંધાઈ જતા મોત થયું હતું. ચોથા બનાવમાં મૂળ છોટા ઉદેપુર હાલ ટીકર ગામની સીમમાં મજુરી કરતા સંજય કાન્તીયાભાઈ ભીલ (ઉ.વ.૧૮) નામના યુવાનને વાડીએ રાત્રીના સમયે કોઈ ઝેરી જીવજંતુ કરડી જતા સારવાર દરમિયાન મોત થયું હતું.









