ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવ્યાનો ખાર રાખી સરપંચ પર ટોળાં દ્વારા હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : મોરબી રોડ પરના ખોડીયાર પાર્ક શેરી નં.૧માં રહેતા અને છેલ્લા પાંચ વર્ષથી જાલસીકા-વસુંધરા ગામ જુથ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવતા ધીરૂભાઇ કરશનભાઇ ડાંગર (ઉ.વ.૬૫)એ કેટલાક શખ્સોની ગેરકાયદે પ્રવૃતિઓ અટકાવી રજૂઆતો કરતા તેમની ઉપર પૂર્વયોજીત કાવતરૂ રચી ટોળાંએ હુમલો કર્યો હતો. જેમાં તેમના બંને પગ ભાંગી ગયા હતા.
એરપોર્ટ પોલીસે તેમની ફરિયાદના આધારે આરોપીઓ પ્રવીણ જેહાભાઇ સરૈયા, અનિલ રેવાભાઇ સરૈયા, વિપુલ જેહાભાઇ સરૈયા, શૈલેષ રેવાભાઇ સરૈયા, વિક્રમ રેવાભાઇ સરૈયા, જગદીશ સામતભાઇ સરૈયા અને અજાણ્યા છથી સાત શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
મૂળ વાંકાનેરના જાલસીકા ગામના ધીરૂભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ૩થી ૪ વર્ષ પહેલા વસુંધરા ગામમાં ગેરકાયદે ખનન અને ભરડીયા અંગે કલેક્ટર સહિતના તંત્રોને ફરિયાદ કરી હતી. જેના પગલે મામલતદારે પત્થરની ખાણો પર રેડ કરી હતી.
આ ઉપરાંત રેવાભાઇના પુત્ર હરેશની પત્નીએ ગ્રામ પંચાયતના ખોટા લેટરપેડ બનાવી તેમાં તેમની અને અન્યોની સહીઓ કરી સહકારી મંડળી ચાલુ કરી હતી. જે અંગે જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં રજૂઆત કરી હતી. થોડા સમય પહેલા રેવાભાઇના પુત્ર નવઘણે એસટી ઉમેદવાર તરીકે નોકરી મેળવી હતી. જે પ્રકરણની તપાસ હાલ ચાલું છે.
તે વખતે રેવાભાઇના પુત્ર સુરેશ અને તેના સમાજના આગેવાનોએ તેમને મળી પોતાના ગેરકાયદે ધંધામાં આડા નહી આવવા અન્યથા ગમે ત્યારે મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. રેવાભાઇએ ગેરકાયદે દબાણ કરી હોટલ બનાવી લીધી હતી. જ્યાં આવારા તત્વો અને ખનીજ ચોરો અધિકારીઓની વોચ રાખતા હતા. જેથી આ અંગે પણ કલેક્ટર સહિતના તંત્રોને રજૂઆતો કરી હતી. જેના પગલે મામલતદારે દબાણ ખસેડવા હુકમ કર્યો હતો.
આ જ કારણથી આરોપીઓએ તેની રેકી શરૂ કરી દીધી હતી. ગઇ તા.૯ના રોજ ઘરેથી નિકળ્યા બાદ જુદા-જુદા કામ પતાવી એક્ટિવા લઇ જતા હતા ત્યારે એરપોર્ટ ત્રણ રસ્તા તરફથી ધસી આવેલી ઇકો કાર તેમના વાહન સાથે અથડાવાતા એક્ટિવામાંથી નીચે પડી ગયા હતા. તે સાથે જ બીજી ગાડી પણ આવી પહોંચી હતી. જેમાંથી ઉતરેલા આરોપીઓએ તેમની ઉપર ધોકા-પાઇપ વડે હુમલો કર્યો હતો.
આરોપીઓ એમ પણ બોલતા હતા કે, અમારા કુટુંબીજનો વિરુદ્ધ અરજીઓ કરી ખોટા ધંધા કરવા દેતા નથી. આરોપીઓ હુમલો કરતા હતા તે વખતે એરપોર્ટ ત્રણ રસ્તા પરથી આવતા બાઇકની લાઇટ દેખાતા આરોપીઓ ભાગવા લાગ્યા હતા. જતા-જતા કહ્યું કે, આજે બાઇક આવ્યું એટલે બચી ગયો છો, હવે મોકો મળે ત્યારે તને જાનથી મારી નાખવો છે.




