Rajkot

સૌરાષ્ટ્રનાં માર્કેટ યાર્ડો મગફળી સહિતની કૃષિપેદાશોથી છલકાયાં

By GS Team
14 Nov 20262 mins read
TukuTouch Logo
રાજકોટ : સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં દિવાળીનું મીની વેકેશન પૂરું થતા આજે લાભ પાંચમના શુભ દિવસે ખેડૂતોએ હજારો વાહનોમાં લાખો ટન કૃષિપેદાશો ઠલવાઈ હતી અને યાર્ડમાં ખેત જણસીઓના ઢગલા થયા હતા. વેપારીઓએ આજે શૂકનવંતા સોદા કર્યા જેમાં મગફળીના મુહૂર્તના સોદામાં ખેડૂતોને સરેરાશ રૂ।.૧૫૬૦થી ૧૬૦૦ જેવો ઉંચો ભાવ મળ્યો છે. ગત વર્ષથી મોટાભાગની જણસીના ખૂબ ઉંચા ભાવના પગલે હજુ રવિ સીઝનના કૃષિ ઉત્પાદનોની ધોધમાર આવક જારી રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૌરાષ્ટ્રનાં માર્કેટ યાર્ડો મગફળી સહિતની કૃષિપેદાશોથી છલકાયાં

રાજકોટ : સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં દિવાળીનું મીની વેકેશન પૂરું થતા આજે લાભ પાંચમના શુભ દિવસે ખેડૂતોએ હજારો વાહનોમાં લાખો ટન કૃષિપેદાશો ઠલવાઈ હતી અને યાર્ડમાં ખેત જણસીઓના ઢગલા થયા હતા. વેપારીઓએ આજે શૂકનવંતા સોદા કર્યા જેમાં મગફળીના મુહૂર્તના સોદામાં ખેડૂતોને સરેરાશ રૂ।.૧૫૬૦થી ૧૬૦૦ જેવો ઉંચો ભાવ મળ્યો છે. ગત વર્ષથી મોટાભાગની જણસીના ખૂબ ઉંચા ભાવના પગલે હજુ રવિ સીઝનના કૃષિ ઉત્પાદનોની ધોધમાર આવક જારી રહેશે.
રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં ૧૧૦૦ વાહનોની કતારો ગઈકાલથી જ લાગી ગઈ હતી અને આજે યાર્ડમાં ૧ લાખ મણ મગફળી, ૧૦ હજાર મણ કપાસ, ૩૦ હજાર મણ સોયાબીન, ૪૦ હજાર મણ સિંગફાડા, ૬ હજાર મણ ઘંઉ, ૮૫૦૦ મણ ચણા, ૭ હજાર મણ જીરુ, ઉપરાંત સફેદ તલ, અડદ, લસણ દરેકની ૩થી ૪ હજાર મણની આવક નોંધાઈ છે. રાજકોટમાં મગફળીના રૂ।.૧૨૪૦થી મહત્તમ ૧૮૦૦ લેખે અને જીરુના ભાવ વધીને પ્રતિ મણ રૂ।.૫૦૦૦-૫૫૦૦ના ભાવે ખરીદી થઈ હતી.
ગોંડલમાં દિવાળી બાદ ખુલતા યાર્ડમાં અંદાજે ૧ લાખ ગુણી મગફળી, ૨૫ હજાર કટ્ટા ડુંગળી, ૧૫ હજાર મરચાની ભારી સહિત જણસીઓ ઠલવાઈ હતી. માલ લઈને આવતા વાહનોની કતારો લાગી હતી અને હરાજીનો ધમધમાટ જોવા મળ્યો હતો.
જામનગરના હાપા યાર્ડમાં ૧૫ હજાર ગુણી મગફળી અને ૨૫૦૦ ગાંસડી કપાસ સહિત આવકો સાથે હરાજી શરુ કરાઈ હતી. જ્યારે ધોરાજી યાર્ડમાં પણ ૩૦૦ મણ મગફળી સહિત કૃષિપેદાશો ઠલવાઈ હતી. નબળા વર્ષની ચિંતા સાથે ખેડૂતોને જણસીના ઉંચા ભાવ મળતા રાહતનો શ્વાસ લેવાયો છે.