કુપોષણનો કકડાટ : રાજકોટ જિલ્લામાં 18,699 બાળકો નિર્બળતાનો શિકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: હાલમાં પોષણ માસમાં સરકાર કુપોષણ સામે જાગૃતિ, પોષણયુક્ત આહાર અને બાળકોના વિકાસની વાત કરી રહી છે, ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના ૨૦૨૫-૨૬ના આંગણવાડી આધારિત આંકડા કુપોષણ સામેની લડાઈ કેટલી લાંબી છે તેનો ચોંકાવનારો ચિતાર આપે છે. ૧૩૬૦ આંગણવાડીમાં નોંધાયેલા ૮૪,૪૪૯ બાળકોના પોષણ માપદંડોમાં ઠીંગણાપણું ધરાવતા ૧૧,૩૬૬, પોષણ વંચિત ૨,૦૩૨ અને ઓછું વજન ધરાવતા ૫,૩૦૧ બાળકો નોંધાયા છે. એટલે કે ત્રણેય શ્રેણીમાં ૧૮,૬૯૯ ભૂલકાંઓ નિર્બળતાનો શિકાર બન્યા છે.
સૌથી મોટો આંકડો સ્ટન્ટિંગનો ૧૧,૩૬૬ છે. સ્ટન્ટિંગ એટલે ઉંમરની સરખામણીએ બાળકની ઊંચાઈ ઓછી હોવી અને તે લાંબા ગાળાના પોષણ તથા આરોગ્યની સમસ્યાનું સૂચક માનવામાં આવે છે. ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગ પણ ઊંચાઈને ઉંમર સાથે માપીને સ્ટન્ટિંગ ઓળખે છે અને તેને લાંબા ગાળાની કુપોષણ સ્થિતિ સાથે જોડે છે. બીજી તરફ ૫,૩૦૧ બાળકો અંડરવેઇટ છે. એટલે ઉંમરની સરખામણીએ વજન ઓછું છે. જ્યારે ૨,૦૩૨ બાળકો વેસ્ટેડ છે, જે ઊંચાઈની સરખામણીએ વજન ઓછું હોવાની અને સામાન્ય રીતે તીવ કુપોષણ સ્થિતિ દર્શાવે છે.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં માર્ચ ૨૦૨૧થી મે ૨૦૨૨ દરમિયાન આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલા ૫૦૪ બાળકો પર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૩૯.૧% બાળકો અંડરવેઇટ, ૩૬.૭% સ્ટન્ટેડ અને ૩૦.૫% વેસ્ટેડ જોવા મળ્યા હતા. આ અભ્યાસમાં બાળકની ઉંમર, માતાનું શિક્ષણ, પરિવારની સામાજિક-આથક સ્થિતિ, માતાની ઉંમર અને બાળકનું જન્મ સમયે વજન જેવા પરિબળો કુપોષણ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. સંશોધકોએ પોષણ પૂરક આહાર, પોષણ પુનર્વસન, વૃદ્ધિનું મોનિટરિંગ અને બીમારીઓની સારવાર પર વધુ ભાર મૂકવાની ભલામણ કરી હતી. પરંતુ સ્થિતિ આજે પણ એ જ છે. પોષણ માસમાં કેટલા કાર્યક્રમો થયા, કેટલી રેલીઓ નીકળી અને કેટલા બાળકોને પોષણનો સંદેશ આપવામાં આવ્યો તેનો હિસાબ સરળ છે, પરંતુ વાસ્તવિક પરિણામો દીવા તળે અંધારૂં જેવા છે.




