લાઠીના કૃષ્ણગઢ ગામે માતાજીના મઢોને નિશાન બનાવી રૂા.1.88 લાખની ચોરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી : લાઠી તાલુકાના કૃષ્ણગઢ ગામે ગત રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને ત્રણ પરિવારના માતાજીના મઢોને નિશાન બનાવ્યા હતા. ત્રણેય મઢના દરવાજા અને દાનપેટીઓ તોડીને કુલ રૂા. ૧.૮૮ લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં ગામમાં અને પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જેથી ત્રણ મઢમાંથી ચાંદીના ૧૩૦ જેટલા છત્તર અને દાનપેટીમાંથી રોકડ ઉસેડીને પલાયન થયેલા નીશાચરોને પકડવા પોલીસની દોડધામ શરૂ કરી છે.
ત્રણ મઢમાંથી ચાંદીના ૧૩૦ જેટલા છત્તર અને દાનપેટીમાંથી રોકડ ઉસેડીને પલાયન થયેલા નીશાચરોને પકડવા પોલીસની દોડધામ
પ્રાપ્ત માહિતી અનુસાર, લાઠી તાલુકાના કૃષ્ણગઢ ગામે રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા ધીરૂભાઇ હરીભાઇ અકબરી (ઉ.વ.૭૨)ના મઢ તેમજ અન્ય મઢોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. તસ્કરોએ રાત્રિના સમયે એક પછી એક ત્રણ મઢોને પોતાના નિશાન બનાવીને લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો. ધીરૂભાઇના મઢમાં અંદાજે બારેક વર્ષથી માનતામાં ચડાવેલા રૂા. ૮૦,૦૦૦ની કિંમતના ૨ કિલો વજનના ૭૦ થી ૭૫ નાના-મોટા ચાંદીના છત્તર તેમજ દાનપેટીમાંથી રોકડ રૂા. ૧૨,૦૦૦ ની ચોરી કરવામાં આવી હતી. જ્યારે ખોડિયાર માતાજીના મઢમાંથી નાના-મોટા ચાંદીના અંદાજે ૪૦ છત્તર (વજન અંદાજે દોઢ કિલો, કિંમત અંદાજે રૂા. ૬૦,૦૦૦) તથા દાનપેટીમાંથી રોકડ રૂ. ૧૦,૦૦૦ ની ચોરી થઈ હતી. આ ઉપરાંત પીપળીયા પરિવારના ખોડિયાર માતાજીના મઢમાંથી નાના-મોટા અંદાજે ૨૦ નંગ ચાંદીના છત્તર (વજન આશરે ૫૦૦ ગ્રામ, કિંમત અંદાજે રૂા. ૨૦,૦૦૦) તેમજ દાનપેટીમાંથી રોકડ રૂા. ૬,૦૦૦ ની ચોરી કરવામાં આવી હતી.
આમ, ત્રણેય મઢોમાંથી કુલ રૂા. ૧,૮૮,૦૦૦ ની કિંમતના ચાંદીના છત્તર અને રોકડ રકમની ચોરી થયાનું સામે આવ્યું છે. ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને થયેલી આ મોટી ચોરીના કારણે સ્થાનિક રહીશો અને ભક્તોમાં રોષ તેમજ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ બનાવ અંગે ધીરૂભાઇ અકબરીની ફરિયાદના આધારે લાઠી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચોર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ મેળવવા અને તસ્કરોને ઝડપી પાડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ગોંડલમાં મજૂરની ઓરડીમાંથી રૂા.૭૦ હજારની ચોરી
ગોંડલના ભગવતપરા વિસ્તારમાં તસ્કરોએ રાત્રિના સમયે ચોરીને અંજામ આપ્યો હતો. માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા સુરેશભાઈ કેશુભાઈ રાઠોડની ભાડાની ઓરડીનો નકુચો તોડી અજાણ્યા તસ્કરો કબાટમાંથી રૂા.૭૦,૦૦૦ની રોકડ રકમ ચોરી ફરાર થઈ ગયા હતા. મજૂરી કામ કરી એકઠા કરેલા મહેનતના રૂા.૭૦ હજાર ચોરાઈ જતા શ્રમિક ૫રિવાર હતપ્રભ બની ગયો છે.









