અમરેલી લેટરકાંડનાં વિવાદિત વરઘોડામાં માનવ અધિકારનો ભંગ : NHRCનો નિષ્કર્ષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : અમરેલી લેટરકાંડમાં આરોપી બનાવાયેલી પાયલ ગોટીની ધરપકડ અને જાહેરમાં વરઘોડો કાઢવાના મુદ્દે પોલીસની કાર્યવાહી વિવાદમાં આવી હતી, જેમાં હવે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને સુનાવણી બાદ નોંધ્યું છે કે પાયલની ધરપકડ કરતી વખતે કાયદામાં નિર્ધારિત પ્રક્રિયાનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નહોતું અને તેના કારણે તેમના માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું છે. આ માનવ અધિકાર ભંગ બદલ પીડિતાને રૂા.૭.૫૦ લાખ વળતર ચૂકવવાનો ગુજરાત સરકારને હુકમ કરવામાં આવ્યો છે.
અમરેલીમાં ૨૯ ડિસેમ્બર, ૨૦૨૪ના ચકચારી લેટરકાંડ બાદ પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢયો હતો. તેમાં મુખ્ય સૂત્રધારની ઓફિસમાં ટાઈપિસ્ટ તરીકે કામ કરતી યુવતી પાયલબેન ગોટી સામે પણ પોલીસે ગુનો દાખલ કરીને રિ-કન્ટ્રક્શનનાં નામે જાહેરમાં ફેરવવામાં આવ્યાં હતાં. આ સમગ્ર કાર્યવાહી સામે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં આજે ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે યોજાયેલા સિટિંગ-ઓપન હિયરિંગમાં આ ફરિયાદની સુનાવણી થઈ હતી. ત્રણ સભ્યોની બેન્ચ સમક્ષ ફરિયાદ પક્ષે એડવોકેટ બ્રિજ શેઠે પીડિતા પાયલબેનની હાજરીમાં રજૂઆત કરી હતી કે મહિલાની ધરપકડ કરતી વખતે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નહોતું. મધરાતના સમયે સમન્સ કે નોટિસ સહિતની જરૂરી પ્રક્રિયા વિના ધરપકડ કરવામાં આવી હતી. વધુમાં, જાહેરમાં વરઘોડો કાઢવાથી એક મહિલાની પ્રતિષ્ઠા અને માનવ અધિકારોને ગંભીર અસર થઈ હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
બીજી તરફ, પોલીસ તરફથી અમરેલી એસપી હાજર રહ્યા હતા. પોલીસ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી છે તથા જરૂરી જણાયેલા અધિકારીઓ સામે બરતરફી અને બદલી સહિતનાં પગલાં લેવામાં આવ્યાં છે. આખરે બંને પક્ષોની રજૂઆતો, પીડિતાનું નિવેદન અને તેમના તરફથી રજૂ કરાયેલી લેખિત દલીલોને ધ્યાને લીધા બાદ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને ધરપકડની પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ નિષ્કર્ષ આપ્યો હતો. માનવ અધિકાર આયોગે માન્યું કે ધરપકડ વખતે કાયદાકીય જોગવાઈઓનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું નહોતું અને તેના પરિણામે પાયલબેનના માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું હતું. આ સાથે પીડિતાને રૂા.૭.૫૦ લાખ વળતર ચૂકવવા સરકારને આદેશ આપવામાં આવ્યો હતો.
- ભાજપના આંતરિક વિખવાદમાં લેટરકાંડ સર્જાયો
અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે ડિસેમ્બર ૨૦૨૪માં બનાવટી લેટરહેડ, સહી અને સ્ટેમ્પનો ઉપયોગ કરીને ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ગંભીર આક્ષેપો કરતો પત્ર તૈયાર કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો, જેથી પોલીસ ફરિયાદ કરતાં તપાસનાં અંતે પોલીસે અમરેલીના પૂર્વ યુવા ભાજ૫ પ્રમુખ મનીષ વઘાસિયા, જશવંતગઢના સરપંચ અશોક માંગરોળિયા અને તેનો મિત્ર જીતેન્દ્ર ખત્રા અને ઓફિસમાં કામ કરતી કોમ્પ્યુટર ઓપરેટર પાયલ ગોટીની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, પાયલ ગોટીએ બોગસ પત્ર ટાઇપ-પ્રિન્ટ કરી આપ્યો હતો. જો કે, ભાજપના જ આંતરિક વિખવાદમાં સર્જાયેલા લેટરકાંડમાં વિવાદ ત્યારે વકર્યો જ્યારે ૨૯ ડિસેમ્બરે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવાના નામે ચારેયને જાહેરમાં ફેરવવામાં આવ્યા, જેમાં પાયલ ગોટીનો પણ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. યુવતીને આ રીતે જાહેરમાં ફેરવવા સામે ભારે વિરોધ થયો, જેના રાષ્ટ્રીય કક્ષાએ પણ પડઘા પડયા હતા.




