ઓમાનના કતાર ખાતે બ્લાસ્ટમાં મૃત્યુ પામનાર યુવાનની વતનમાં અંતિમવિધિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામખંભાળિયા: ખંભાળિયા પાસેના હાપીવાડી વિસ્તારમાં રહેતા અને ઓમાનના કતાર ખાતે કામ અર્થે ગયેલા એક યુવાનનું બ્લાસ્ટમાં મૃત્યુ નીપજતા આજરોજ તેમનો પાર્થિવ દેહને તેમના વતન લાવવામાં આવ્યો હતો. તેમની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ જ્ઞાતિજનો જોડાયા હતા.
ખંભાળિયાના હર્ષદપુર પાસેના હાપીવાડી વિસ્તારમાં રહેતા કિરીટભાઈ જેન્તીભાઈ કણજારીયા નામના આશરે ૩૧ વર્ષના યુવાન થોડા સમય પૂર્વે તેમના કામ-ધંધા અર્થે ઓમાનના કતાર ખાતે ગયા હતા. ત્યાં એક નેચરલ ગેસ કોમ્પલેક્ષમાં થયેલા વિસ્ફોટમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. જેના કારણે આ સ્થળે રહેલા આશરે ૭૦ જેટલા લોકોના કરૂણ મૃત્યુ થયા હતા. જેમાં ખંભાળિયાના કિરીટભાઈ કણજારીયાનો પણ સમાવેશ થાય છે.
એક પુત્ર તથા એક પુત્રીના પિતા એવા કિરીટભાઈ કણજારીયાના મૃત્યુ અંગે તાજેતરમાં ઓમાન અને ભારતમાં કરવામાં આવેલી કાયદેસરની પ્રક્રિયા બાદ આજરોજ સવારે વિમાન માર્ગે તેમના મૃતદેહને ભારત લાવવામાં આવ્યો હતો. સવારે અમદાવાદથી એમ્બ્યુલન્સ મારફતે તેમના પરિવારજનો આ મૃતદેહને તેમના વતન હાપીવાડી (ખંભાળિયા) ખાતે લઈ આવ્યા હતા. આ સમયે પરિવારજનો તેમજ ગ્રામજનોના કરૂણ અને હૈયાફાટ રૂદનથી ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. બપોરે નીકળેલી તેમની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો તેમજ જ્ઞાાતિજનો જોડાયા હતા.









