Rajkot

સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 38 હથિયારો કબજે કરાયાં

By GS Team
21 Jul 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમવાર 38 હથિયારો ઝડપાયા છે. PCBએ મધ્યપ્રદેશથી સૌરાષ્ટ્રમાં હથિયારો વેચવાનું રેકેટ ઝડપી લીધું. આ કેસમાં 20 આરોપીઓની ધરપકડ થઈ છે, જેમાં મુખ્ય સૂત્રધાર શકીલ મન્સુરી અને તેના મળતીયાઓનો સમાવેશ થાય છે. પોલીસે અત્યાર સુધી 38 દેશી બનાવટના હથિયારો અને 32 જીવતા કાર્ટિસ જપ્ત કર્યા છે. PCBની ટીમ હવે મધ્યપ્રદેશ જઈ સપ્લાયરોને ઝડપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 38 હથિયારો કબજે કરાયાં

રાજકોટ: સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે ૩૮ હથિયારો કબજે થયા છે. રાજકોટની પીસીબીએ અઠવાડિયા પહેલાં મધ્યપ્રદેશથી હથિયારો ખરીદી તેને સૌરાષ્ટ્રમાં વેંચવાનું રેકેટ ઝડપી લીધું હતું. જે દિવસથી આ રેકેટનો પર્દાફાશ થયો તે દિવસથી લઇ અઠવાડિયા સુધી સતત હથિયારો પકડાતા રહ્યા હતા. આખરે આજે તેનો વધુ ચાર હથિયારો કબજે થયા બાદ અંત આવ્યો હતો.
મુખ્ય સુત્રધાર મધ્યપ્રદેશના શકીલ મન્સુરી તેના બે મળતીયા પ્રદિપ કરપડા અને કિશોર ઉર્ફે ભગત કોબીયાએ આપેલી માહિતીના આધારે પીસીબીના પીઆઇ એમ.આર.ગોંડલીયા, પીએસઆઇ આર.કે.જાડેજાએ વિશાલ મેપાભાઇ ચોહલા (ઉ.વ.૨૬, રહે. બોઘરાવદર, તા.જસદણ), વિજયસિંહ વજાભાઇ ગોહિલ (ઉ.વ.૩૧, રહે. ચાણપા ગામ, તા.ચોટીલા) અને પ્રતાપ ઉર્ફે શિવરાજ ભરતભાઇ ખાચર (ઉ.વ.૧૯, રહે. સમઢીયાળા ગામ, તા.ચુડા)ને ઝડપી લીધા હતા.
આ ત્રણેય આરોપીઓ પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ અને બે તમંચા કબજે કર્યા હતા. આ ઉપરાંત રિમાન્ડ પરના આરોપી ગાવસ્કર ઉર્ફે દર્શન રોજાસરાએ એક તમંચો છુપાવી રાખ્યાની કબૂલાત આપતા તેને પણ પીસીબીએ કબજે કર્યો હતો. અત્યાર સુધી પીસીબી કુલ ૩૮ દેશી બનાવટના હથિયારો, ૩૨ જીવતા કાર્ટિસ સાથે ૨૦ આરોપીઓને પકડી ચુકી છે. આજે મોટાભાગના આરોપીઓ જેલહવાલે થયા હતા.
અત્યાર સુધીની તપાસમાં શકીલ મન્સુરી અને સૌરાષ્ટ્રમાં રહેલા તેના એજન્ટોએ મુખ્યત્વે રાજકોટ શહેર, જિલ્લા, અમરેલી અને સુરેન્દ્રનગર પંથકમાં મોટાભાગના હથિયારો વેંચ્યા હતા.
પીસીબીએ હવે આ તમામ હથિયારોના સપ્લાયરોને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. આ માટે પીસીબીની ટીમ મધ્યપ્રદેશ રવાના કરવામાં આવશે. જો બંને સપ્લાયરો ઝડપાઇ જશે તો દેશવ્યાપી ગેરકાયદે હથિયારોના રેકેટ કે જેને પીસીબી કાર્ટેલ ગણાવતી રહી છે તેનો પર્દાફાશ થશે.

  • જો પોલીસે ગંભીરતા દાખવી હોત તો હથિયારના રેકેટનો વહેલો પર્દાફાશ થાત
    રાજકોટ: હથિયારોની તપાસમાં પોલીસ કેટલી બેદરકારી દાખવે છે તેનો પીસીબીએ ઝડપી લીધેલા હથિયારોના રેકેટમાં પર્દાફાશ થયો છે. આ રેકેટમાં પકડાયેલા પ્રદિપ કરપડા, જયસુખ વાઘેલા અને ગાવસ્કર ઉર્ફે દર્શન સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાં હથિયારો સાથે પકડાયા હતા. પરંતુ એકપણ તપાસનીશ અધિકારી આ ત્રણેય આરોપીઓ પાસેથી હથિયારોના રેકેટ વિશે માહિતી કઢાવી શક્યા ન હતા. જો આ ત્રણેય આરોપીઓની જે તે વખતે જ ઘનિષ્ઠ પુછપરછ થઇ હોત તો હથિયારોના રેકેટનો વહેલો પર્દાફાશ થાત. અત્યાર સુધી જોવામાં આવ્યું છે કે ગમે તે કારણસર પોલીસ હથિયારોના કેસની ગંભીરતાથી કે ઊંડાણપૂર્વક તપાસ કરતી નથી. મોટાભાગના કેસોમાં આશ્ચર્યજનક રીતે સપ્લાયર તરીકે મૃત્યુ પામેલા શખ્સોના નામ જ ખુલતાં હોય છે.