જેતપુરમાં વીજતંત્રના 80 લાખના ચકચારી કૌભાંડમાં 3 ઇજનેર સહિત પાંચ સસ્પેન્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જેતપુર: જેતપુર પીજીવીસીએલ ડિવિઝનના સ્ટોરમાંથી અંદાજે રૂપિયા ૮૦ લાખની કિંમતનો સરકારી માલ-સામાન બારોબાર ખાનગી સોલાર કંપનીને વેચી મારવાના ચકચારી કૌભાંડમાં આખરે ઉચ્ચ કક્ષાએથી આકરાં પગલાં લેવામાં આવ્યા છે. ગંભીર ગેરરીતિ પ્રકરણમાં માત્ર બદલીનો ખેલ ખેલીને કૌભાંડીઓને છાવરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ ભારે વિવાદ અને વડોદરાની વડી કચેરીના તપાસના ધમધમાટ બાદ આખરે ૫ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા વીજ વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૨૭ ફેબ્રઆરીના રોજ પીજીવીસીએલના સ્ટોરમાંથી ડિપાર્ટમેન્ટલ કામના બહાને મોટી માત્રામાં મટીરીયલ કાઢવામાં આવ્યું હતું. જેમાં ૧૨.૫ કિલોમીટર જેટલો આરફીન ઈન્ડિયા કંપનીનો ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર (ડોગ કંડક્ટર) કેબલ, શ્યામ શેલ કંપનીના લોખંડના ૯ મીટર ઊંચા ૩૦ નંગ એમ.એસ. ગડર પોલ (વીજ થાંભલા) અને દ્વારકાધીશ રબર કંપનીની ૧૧ કેવીની ૪૦૦ નંગ પીનનો સમાવેશ થાય છે. આ લાખો રૂપિયાનો માલ સરકારી કામમાં વાપરવાને બદલે સેટિંગ કરી ખાનગી સોલાર કંપનીઓને વેચી મારવામાં આવ્યો હતો.
કૌભાંડ છુપાવવા ગેટ પાસ અને રજિસ્ટરમાં ભારે ગોબાચારી કરવામાં આવી હતી અને મટીરીયલ ખારચિયા ગામે પડયું હોવાનો ખોટો દાવો ઊભો કરાયો હતો. આરટીઆઈમાં અપાયેલી માહિતીમાં કાઢેલા વીજ થાંભલા ખારચિયા ગામના સ્ટોરમાં હોવાનું જણાવાયું હતું, પરંતુ તપાસમાં તે પોલ જૂના હોવાનું ખૂલ્યું હતું. વળી, ૧૨.૫ કિમી કેબલ અંગે મૌખિક જાણ કરાઈ હોવા છતાં રજિસ્ટરમાં તેની કોઈ એન્ટ્રી કે નોંધ મળી ન હતી.
વડોદરા ખાતેથી ગુજરાત ઊર્જા નિગમ કચેરીના અધિકારીઓએ તપાસ કરી
આ કૌભાંડ અંગે અગાઉ રાજકોટ વર્તુળ કચેરીના ચીફ એન્જિનિયરે પ્રાથમિક તપાસ કરી હતી પરંતુ તેમાં કોઈ તથ્ય ન મળ્યાનો રિપોર્ટ આપી ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ આટલા મોટા કૌભાંડ છતાં કસૂરવાર કર્મચારીઓને સસ્પેન્ડ કરવાને બદલે કાર્યપાલક ઈજનેર સહિત ૬ કર્મચારીઓના માત્ર બદલીના ઓર્ડર પકડાવી દેવાયા હતા. જોકે, સ્થાનિક આરટીઆઈ એક્ટિવિસ્ટ યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા સચોટ પુરાવાઓ સાથે લેખિત રજૂઆત કરી કડક તપાસની માંગ કરવામાં આવતા મામલો ગરમાયો હતો. છેવટે વડોદરા ખાતેથી ગુજરાત ઊર્જા નિગમ કચેરીના ઉચ્ચ અધિકારીઓએ આવીને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં ગેરરીતિ ખૂલતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
ભોપાળુ છત્તું થઈ જતાં વડી કચેરીના આદેશથી પગલાં લેવાયા
જેતપુર ડિવિઝનના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર બી.પી. રાડાએ જણાવ્યું હતું કે, વડી કચેરીમાં થયેલી ફરિયાદ બાદ તપાસ કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસમાં ગેરરીતિ સામે આવતા વડી કચેરીના આદેશ અનુસાર પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સરકારી મિલકતની ખુલ્લેઆમ લૂંટ ચલાવી ખિસ્સા ગરમ કરનાર આ ટોળકી સામે આખરે કડક કાર્યવાહી થતા કામમાં બેદરકારી અને ભ્રષ્ટાચાર આચરતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
કયા ૫ અધિકારી-કર્મચારીઓ સસ્પેન્ડ થયા?
(૧) એન. પી. ગોહેલ (નાયબ ઈજનેર - ડેપ્યુટી એન્જિનિયર)
(૨) જે. આર. વલેરા (નાયબ ઈજનેર - ડેપ્યુટી એન્જિનિયર)
(૩) એ. પી. પાનસુરીયા (જુનિયર ઈજનેર)
(૪) કે. કે. વાગડીયા (સુપરિન્ટેન્ડેન્ટ - ખર્ચ વિભાગ)
(૫) આર. આર. વનાર (સ્ટોર કીપર)









