ગોંડલના ખાનગી મેળામાં હત્યાના પાંચ આરોપી બે દિવસ રિમાન્ડ પર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગોંડલ : ગોંડલમાં ખાનગી આઈકોનિક મેળામાં છબીના સ્ટોલ ધારક સાથે માથાકૂટ કરી હત્યા નીપજાવાયાના બનાવમાં પોલીસે મુખ્ય આરોપી સહિત પાંચને પકડી બનાવના સ્થળે રિકન્ટ્રક્શન કરાવી અદાલતમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મંજૂર પર લીધા છે. આ પ્રકરણમાં કુલ દસ શખ્સોની સંડોવણી ખૂલી છે, જેમા પાંચ સગીરોનો સમાવેશ થાય છે.
ગોંડલમાં બુધવારની રાતે આઇકોનીક મેળામાં ફોટોફ્રેમ તથા છબીઓનો સ્ટોલ લગાવી વેપાર કરી રહેલા યુપીનાં રમાશંકર ઉર્ફ દિપક બરમનની છરીનાં ઘા મારી કરપીણ હત્યા કરાયાની ઘટનામાં પીઆઇ.જી.એસ. ગઢવીએ બનાવની રાત્રે જ મુખ્ય આરોપી રાહુલ ડોડીયા તથા મદદગારી કરનારા તેના સાગરીતો સમીર સુમરા, અલ્ફાક શેખ, નવાજ દોઢીયા અને અસફાક જુનેજાને ઝડપી લઇ આકરી સરભરા કરી હતી. બાદમાં આ શખ્સોને પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે અદાલત સમક્ષ રજુ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓની પૂછપરછમાં હત્યાની ઘટનામાં અન્ય પાંચ સગીર સામેલ હોવાનુ પણ બહાર આવતા પોલીસે ચાર સગીરને સકંજામાં લીધા છે, જ્યારે એક નાસી છુટયો હોવાથી તેની શોધખોળ શરુ કરી છે.
મેળામાં મંજૂરીના નિયમોનું ઉલ્લંઘન થયાની રજૂઆત, ઘાયલને એક્ટિવા પર લઈ જવો પડયો
આ ઘટના બાદ મેળામાં સુરક્ષા અને પ્રાથમિક સુવિધાઓનો મોટો અભાવ સામે આવતા ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલાએ રાજકોટ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને મેજિસ્ટ્રેટ તપાસની માંગ કરી છે. તેણે જણાવ્યા મુજબ, ઘટના બન્યા બાદ ગંભીર રીતે ઘવાયેલા દીપકને એક સ્થાનિક નાગરિકે પોતાના એક્ટિવા મોટરસાયકલ પર બેસાડીને હોસ્પિટલ પહોંચાડવો પડયો હતો. જો મેળામાં મંજૂરીની શરતો મુજબ સ્ટેન્ડબાય એમ્બ્યુલન્સ હોત તો સમયસર સારવાર મળવાથી કદાચ તેનો જીવ બચી શક્યો હોત. મેળામાં મોટી દૂર્ઘટના કે અકસ્માત સમયે પ્રાથમિક સારવાર માટે સરકારી કે ખાનગી એમ્બ્યુલન્સ અથવા મેડિકલ કોઈ જ ટીમ હાજર નહોતી. મેળા જેવા સંવેદનશીલ સ્થળે અસમાજિક તત્ત્વો છરી જેવા ધારદાર હથિયારો સાથે મુક્તપણે પ્રવેશી શક્યા તે દર્શાવે છે કે ખાનગી મેળાના પ્રવેશદ્વાર પર કોઈ મેટલ ડિટેક્ટર કે યોગ્ય સિક્યોરિટી ચકાસણી કરવામાં આવતી નહોતી.




