Rajkot

ટેકાના ભાવવાળી મગફળીનાં ગોદામમાં આગજનીઃ 1.59 લાખ ગુણી ઝપટમાં

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
મોરબી નજીક રફાળેશ્વર GIDCમાં ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદેલી 1.59 લાખ ગુણી મગફળીનો જંગી સ્ટોક આગની ઝપેટમાં આવતા કરોડોનું નુકસાન થયું હતું. કોડીનાર, તાલાલા, ટંકારા સહિત 10 મંડળીની મગફળી સંગ્રહિત હતી. આગનું કારણ અકબંધ છે અને ગોડાઉનમાં ફાયર સિસ્ટમ નહોતી. 7 ફાયર ટીમોએ રાતભર આગ બુઝાવવા પ્રયાસ કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેકાના ભાવવાળી મગફળીનાં ગોદામમાં આગજનીઃ 1.59 લાખ ગુણી ઝપટમાં

મોરબી: મોરબી નજીક રફાળેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશનના ભાડાના ગોડાઉનમાં બપોરના સમયે લાગેલી ભીષણ આગે અફરાતફરી મચાવી હતી. અહીં નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલી ૧.૫૯ લાખ ગુણી જેટલી મગફળીનો જંગી સ્ટોક રાખવામાં આવ્યો હતો, જે આગની ઝપેટમાં આવતા કરોડોનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
કોડીનાર, તાલાલા, ટંકારા સહિતની ૧૦ મંડળીએ ખરીદેલી મગફળી સંગ્રહિત, આગનું કારણ અકબંધ, ફાયર ફાઈટિંગ સિસ્ટમ નહોતી
આજે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં ગોડાઉનમાંથી ધુમાડા નીકળતા હોવાની જાણ થતા જ દોડધામ મચી ગઈ હતી. મોરબીથી ફાયરની ચાર ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ આગની ગંભીરતા અને તેલીબિયાંનો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી રહી હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો, જેના પગલે વાંકાનેરથી એક અને રાજકોટથી બે એમ કુલ સાત ફાયર ટીમો કામે લાગી હતી. ફાયર ઓફિસર જયેશ ડાકીના જણાવ્યા અનુસાર, આગ પર કાબુ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ મોડી રાત સુધી આગ કાબુમાં ન આવતા ફાયરિંગની કામગીરી રાતભર ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. વળી, આટલા મોટા ગોડાઉનમાં આગ ઓલવવાની આધુનિક ફાયર સિસ્ટમ કાર્યરત નહોતી, માત્ર ફાયરના બાટલા જ રાખવામાં આવ્યા હતા.
ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનના મેનેજર એચ.જી. રાઠોડે આપેલી માહિતી મુજબ, આ ગોડાઉનમાં સૌરાષ્ટ્રના વિવિધ સેન્ટરો જેવા કે કોડીનાર, તાલાલા અને ટંકારા સહિતની ૧૦ મંડળીઓ દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી રાખવામાં આવી હતી. અહીં અંદાજિત ૧,૫૯,૦૦૦ ગુણીઓ સંગ્રહિત હતી. એક ગુણીમાં ૩૫ કિલો મગફળી ગણીએ તો, અંદાજે ૫૫ લાખ કિલોથી વધુ મગફળીનો જથ્થો આ ગોડાઉનમાં હતો. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ મેનેજરના જણાવ્યા મુજબ ગોડાઉન છેલ્લા ૮-૯ દિવસથી સંપૂર્ણ બંધ હતું અને અંદર જીવાત ન થાય તે માટે ફ્યુમિગેશન (ધૂણી) પ્રક્રિયા પણ કરવામાં આવી હતી.

  • અકસ્માત છે કે ષડયંત્રઃ સીસીટીવી ફૂટેજ માટે ડીવીઆર કબજે, ફોરેન્સિક તપાસ કરાશે
    મગફળીના મોટા જથ્થામાં અચાનક લાગેલી આગને લઈને તંત્ર સતર્ક બન્યું છે. ભૂતકાળમાં પણ ટેકાના ભાવની મગફળીના ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી હોવાથી આ આગ અકસ્માત છે કે ષડયંત્ર, તે અંગે શંકાઓ સેવાઈ રહી છે. આ બાબતે પોલીસ દ્વારા ગોડાઉનનું ડીવીઆર કબજે કરવામાં આવ્યું છે અને સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે. આગના ચોક્કસ કારણો જાણવા માટે ફોરેન્સિક સાયન્સ નિષ્ણાંતોની મદદ લેવામાં આવશે