દારૂની રેઇડમાં ગયેલા મહિલા પીઆઇ સહિતનાઓને મારકૂટ, રૂમમાં પૂરી દીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : ગોંડલના મોટા દડવા ગામે દેશી દારૂની રેઇડ પાડવા ગયેલા મહિલા પીઆઇ અને પોલીસ સ્ટાફ સાથે મહિલા અને તેના ત્રણ સંતાનોએ ઝપાઝપી કરી, મારકુટ કરી બટકા ભરી લીધા હતા. એટલું જ નહીં એક રૂમમાં પૂરી દીધા હતા. તત્કાળ વધુ પોલીસે આવી મામલો થાળે પાડયો હતો.
ગોંડલના મોટા દડવા ગામે સુમનબેન સોલંકી મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતી હોવાની માહિતી મળતાં આટકોટના પીઆઇ આર.એમ.રાઠોડ સ્ટાફના માણસો સાથે પહોંચ્યા હતા. સુમનબેને આવી દરવાજો ખોલતાં ફળીયામાં થઇ અંદર પહોંચ્યા હતા. તે વખતે દેશી દારૂની ગંધ આવતી હોવાથી રૂમના દરવાજાને ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દરવાજો અંદરથી બંધ હોવાથી ખોલવાનું કહેતા સુમનબેને ઉશ્કેરાઇ જઇ બેફામ ગાળો ભાંડવાનું અને ઝપાઝપી કરવાનું શરૂ કરી દીધું હતું.
એટલું જ નહીં પોતાના કપડાં જાતેથી ફાડી પોલીસ ઉપર આક્ષેપો અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આખરે પોલીસે દરવાજાને ધક્કો મારતા સુમનબેનના ત્રણ સંતાનોએ દરવાજો ખોલ્યો હતો. રૂમમાં જોતાં કબાટ અને અલગ-અલગ વાસણોમાં દેશી દારૂ અને આથો જોવા મળ્યો હતો. તત્કાળ પંચોને બોલાવી પોલીસે આગળની કાર્યવાહી કરતાં સુમનબેન અને તેના ત્રણેય સંતાનો વધુ ઉશ્કેરાયા હતા.
ચારેયએ ભેગા મળી ગાળાગાળી અને ઝપાઝપી શરૂ કરી દીધી હતી. પોલીસને ગડદાપાટુ મારવાનું પણ શરૂ કરી દીધું હતું. કોન્સ્ટેબલ અરવિંદભાઇ દુમાદીયાને મારકુટ કર્યા બાદ ધક્કો મારતા પાણીનું માટલું તુટી ગયું હતું. પીઆઇ રાઠોડ વચ્ચે પડતાં તેની સાથે ઝપાઝપી કરી ડાબા હાથમાં બચકું ભરી લીધું હતું. અન્ય પોલીસ સ્ટાફને પણ મારકુટ કર્યા બાદ રૂમનો દરવાજો બહારથી બંધ કરી પૂરી દીધા હતા. પોલીસ કોઇ વધુ કાર્યવાહી ન કરી શકે તે માટે લાઇટના દોરડા કાપી નાંખ્યા હતા.
આખરે પૂરાઇ ગયેલી પોલીસે કોલ કરી વધુ સ્ટાફને બોલાવતા મામલો થાળે પડયો હતો. સુમનબેન અને તેના ત્રણેય સંતાનો વિરુદ્ધ આટકોટ પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, સુમનબેન આ રીતે પોલીસ દરોડા ન પાડે તે માટે માથાકુટ, ખોટા આક્ષેપો, અરજીઓ કરવાની ટેવવાળા છે.




