Rajkot

વરસાદ ખેંચાતા રાજકોટમાં જળસંકટની ભીતિ, ડેમમાં ઉપલબ્ધ પાણી મહિનો ચાલે તેવી સ્થિતિ

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં વરસાદ ખેંચાતા પાણીનું સંકટ ઘેરું બન્યું છે. શહેરને પાણી પૂરું પાડતા આજી-1 અને ન્યારી-1 ડેમમાં 10 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલો જ જથ્થો બાકી છે. આજી-1માં 22.23 ફૂટ અને ન્યારી-1માં 16.20 ફૂટ પાણી છે. રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર પાસે નર્મદાના પાણીની તાત્કાલિક માંગ કરી છે, જેથી આગામી દિવસોમાં પાણીની તંગી ટાળી શકાય.

Summarized by AI; it may make mistakes. Check important info

વરસાદ ખેંચાતા રાજકોટમાં જળસંકટની ભીતિ, ડેમમાં ઉપલબ્ધ પાણી મહિનો ચાલે તેવી સ્થિતિ

Rajkot Water Crisis: રાજકોટ શહેરમાં વરસાદ ખેંચાતાં ફરી એકવાર પીવાના પાણીનું સંકટ ઘેરાવાની શક્યતા ઊભી થઈ છે. શહેરને પાણી પૂરું પાડતા મુખ્ય ડેમોમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા (RMC) સતર્ક બની છે અને આગામી દિવસોમાં પાણીની તંગી ન સર્જાય તે માટે રાજ્ય સરકાર પાસે નર્મદાના પાણીની માંગ કરી છે.

10 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલો જ જથ્થો બાકી

મળતી માહિતી અનુસાર, રાજકોટના ડેમોમાં હાલમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો આશરે 10મી સપ્ટેમ્બર સુધી જ ચાલે તેમ છે. જો આગામી દિવસોમાં મન મૂકીને સારો વરસાદ નહીં થાય તો શહેરમાં પીવાના પાણીની સમસ્યા વધુ ગંભીર બની શકે છે. ડેમોમાં દિનપ્રતિદિન પાણીની સપાટી ઘટતા મનપા તંત્રની ચિંતામાં વધારો થયો છે.

રાજકોટ શહેરની પાણીની જરૂરિયાત પૂરી કરતા આજી-1 અને ન્યારી-1 ડેમમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. આજી-1 ડેમમાં 22.23 ફૂટ અને ન્યારી-1 ડેમમાં 16.20 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. અગાઉ નર્મદાના પાણીથી ભરાયેલા આ ડેમો હવે ફરી ખાલી થવાના આરે પહોંચતા જળ વ્યવસ્થાપનને લઈને તંત્ર સામે મોટો પડકાર ઊભો થયો છે.

મનપાએ સરકાર પાસે નર્મદાના પાણીની માગ કરી

હાલની પરિસ્થિતિને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. ખાસ કરીને નર્મદાનું પાણી વહેલી તકે ફાળવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે, જેથી શહેરમાં પીવાના પાણીનો પુરવઠો સુચારુ રીતે જાળવી શકાય. આગામી દિવસોમાં વરસાદ ખેંચાશે તો સ્થિતિ વધુ વિકટ બની શકે તેમ હોવાથી હવે સૌની નજર સરકાર દ્વારા નર્મદાનું પાણી ક્યારે અને કેટલા પ્રમાણમાં આપવામાં આવે છે તેના પર મંડાયેલી છે.