પ્રેમિકાને તેના પતિ સાથે જોઇ જતાં રોષે ભરાયેલા પ્રેમિએ બંનેને પતાવી દીધાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: મૂળ મધ્યપ્રદેશના જાબુંઆ જિલ્લાના વતની રોહીત ચૌહાણ અને તેની પત્ની દુર્ગાની પાંચેક દિવસ પહેલાં પાટણવાવના મોટીમારડ ગામની સીમમાં વાડીમાં થયેલી રહસ્યમય હત્યાનો ભેદ એલસીબીએ ઉકેલી લઇ દાહોદના સિંગવડ તાલુકાના સુરેશ કમલેશ બારીયા (ઉ.વ.૧૮)ની ધરપકડ કરી છે. સુરેશને ત્રણેક વર્ષથી દુર્ગા સાથે પ્રેમસંબંધ હતો. પણ બંનેના લગ્ન શક્ય બન્યા ન હતા. બનાવના દિવસે સુરેશ પ્રેમિકા દુર્ગાને તેના પતિ રોહીત સાથે જોઇ જતાં રોષે ભરાયો હતો. રાત્રે મોકો મળતાં જ તેણે બંનેને નિંદ્રાધીન અવસ્થામાં જ પાઇપના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ રોહીત અને દુર્ગાના બે માસ પહેલા જ લગ્ન થયા હતા. રોહીતના પિતા મથુરાભાઇ વર્ષોથી કાલાવડ તાલુકાના બાવા ખાખરીયા ગામે શૈલેષભાઇ પટેલની વાડી વાવે છે. થોડા દિવસો પહેલાં જ રોહીત પત્ની દુર્ગાને લઇ પિતાની વાડીએ રહેવા આવ્યો હતો. દુર્ગાના પિતા મોટીમારડ ગામની સીમમાં રમેશભાઇ ભુતના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરે છે. તેને કોઇ કામ અર્થે મધ્યપ્રદેશ જવાનું થયું હતું. જેથી તેણે જમાઇ રોહીત અને પુત્રી દુર્ગાને થોડા દિવસ પોતાની વાડીની દેખભાળ માટે બોલાવતા બંને ગઇ તા.૧૧ના રોજ ત્યાં આવ્યા હતા.
મોટીમારડમાં વાડી માલિક રમેશભાઇની બાજુમાં જ બીજી વાડી આવેલી છે. જ્યાં ભાગીયા તરીકે કામ કરતાં કરણે હાલ રોહીત જે વાડીની દેખભાળ કરતો હતો ત્યાં દવાના છંટકાવ માટે આરોપી સુરેશને બોલાવ્યો હતો. સુરેશ વાડીએ પહોંચતા જ પૂર્વ પ્રેમિકા દુર્ગાને તેના પતિ રોહીત સાથે જોઇ રોષે ભરાયો હતો. તે વખતે જ તેણે બંનેને પતાવી દેવાનું મનોમન નક્કી કર્યું હતું. તેણે રોહીતે અને બીજા ભાગીયાએ મળી વાડીમાં દવાનો છંટકાવ કર્યો હતો.
ત્યારબાદ સુરેશ ત્યાંથી જતો રહ્યો હતો. રાત્રિના બારેક વાગ્યાની આસપાસ રોહીત અને તેની પત્ની દુર્ગા જ્યારે વાડીના કુવાની બાજુમાં ખુલ્લામાં સુતા હતા ત્યારે ત્યાં ધસી જઇ સુરેશે બંનેને નિંદ્રાધીન અવસ્થામાં જ પાઇપના આડેધડ બેરહેમીથી ઘા ઝીંકી પતાવી દીધા હતા. આ રીતે ડબલ મર્ડર કરી વાડીએ ભાગી ગયો હતો.
પાટણવાવ પોલીસ સાથે તપાસમાં એલસીબી, એસઓજીની ટીમો પણ જોડાઇ હતી. વાડી વિસ્તારમાં બનાવ બન્યો હોવાથી ત્યાં સીસીટીવી કેમેરાના અભાવે પોલીસનું કામ મુશ્કેલ બન્યું હતું. એલસીબી પીઆઇ જે.પી.રાવે અન્ય શકમંદો સાથે સુરેશની પણ ઘનિષ્ઠ પુછપરછ કરી હતી. આખરે તેણે ગુનો કબૂલી લેતા તેની ધરપકડ કરી હતી.
પ્રેમિકાએ પરિવાર કહે ત્યાં જ લગ્ન કરવાની વાત કરી હતી
રાજકોટ: રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, આરોપી સુરેશ અને દુર્ગાના પ્રેમસંબંધ અંગે દુર્ગાના પરિવારજનો વાકેફ હતા. બંને વચ્ચે લગ્નની વાત પણ ચાલી હતી. પરંતુ દુર્ગાએ પોતાનો પરિવાર કહે ત્યાં જ લગ્ન કરવાની વાત કરી હતી. આ રીતે બંનેના લગ્ન શક્ય બન્યા ન હતા. દુર્ગાએ બે માસ પહેલા જ રોહીત સાથે લગ્ન કર્યા હતા.




