શાળાઓમાં શિક્ષકોનાં દુષ્કાળ વચ્ચે ફ્લડ કંટ્રોલ રૂમમાં ડયુટી ફાળવણી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: ચોમાસાની ઋતુ શરૂ થતાં જ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફ્લડ કંટ્રોલ રૂમમાં પ્રાથમિક શિક્ષકોની ડયુટી ફિટ કરવાની પરંપરા સામે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કલેક્ટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે શિક્ષકો આપત્તિ વ્યવસ્થાપન કે સામાજિક કાર્યોમાં સહયોગ આપવા ક્યારેય પાછાપાણી નથી કરતા, પરંતુ તેના ભોગે માસૂમ વિદ્યાર્થીઓનું નિયમિત શિક્ષણ બલિ ન ચઢવું જોઈએ. વહેલીતકે શિક્ષકોને ફ્લડ કંટ્રોલની ફરજમાંથી મુક્ત કરવા જોઈએ.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે, હાલ શાળાઓમાં શૈક્ષણિક સત્ર પૂરજોશમાં ચાલી રહ્યું છે. અભ્યાસક્રમ પૂર્ણ કરવાની જવાબદારી, પરીક્ષાઓનું આયોજન, વિવિધ ઓનલાઈન પોર્ટલની કામગીરી અને શાળાકીય વહીવટી ભારણ વચ્ચે શિક્ષકોને કંટ્રોલ રૂમમાં બેસાડવાથી શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. જો શિક્ષકો જ અન્ય સરકારી કામોમાં વ્યસ્ત રહેશે, તો સરકારી શાળાઓમાં ભણતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના ભવિષ્યનું શું? તે આજે એક મોટો સવાલ બની ગયો છે. હાલ રાજકોટ જિલ્લામાં ૫૦૦૦ જેટલા પ્રાથમિક શિક્ષકો છે, જેમાંથી દરરોજ દરેક તાલુકામાં ૩-૪ શિક્ષકો મળીને કુલ ૪૦ જેટલા શિક્ષકોને ફ્લડ કંટ્રોલ રૂમમાં બોલાવી લેવામાં આવે છે, જ્યાં ખરેખર તેમની જગ્યાએ કોઈપણ સામાન્ય કર્મચારી પણ વરસાદનાં આંકડા લખી શકે તેમ છે. પરંતુ આ મામલે વહીવટી તંત્રને રજૂઆત કરીએ તો 'બીજો સ્ટાફ નથી' એવા બહાના બતાવવામાં આવે છે.
શિક્ષણના ભોગે અન્ય વિભાગીય કામગીરી થોપી બેસાડવાની આ માનસિકતા સામે શિક્ષક આલમમાં રોષ પ્રવર્તી રહ્યો છે. એક તરફ મોટાભાગની શાળાઓમાં શિક્ષકોની અછત છે અને બાળકોને ભણાવવા સિવાયની પણ ઓનલાઈન કે ઓફલાઈન કામગીરીનું મોટું ભારણ છે ત્યારે જ વહીવટી તંત્ર દ્વારા નવી કામગીરી થોપી દેવામાં આવી છે જે અન્યાયી છે.
તાત્કાલિક યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે અને શિક્ષકોને ફ્લડ કંટ્રોલ ડયુટીમાંથી મુક્તિ આપવા માંગ ઉઠી છે.




