Rajkot

અમરેલી જિલ્લામાં શ્વાનોનો ઉત્પાતઃ લિલિયામાં 3 લોકોને બચકાં ભર્યાં

By GS Team
21 Jul 20262 mins read
TukuTouch Logo
અમરેલીના મોટા લીલીયાના નાવલી બજારમાં એક ખૂંખાર શ્વાને આતંક મચાવ્યો હતો. આ ઘટનામાં 1 વૃદ્ધ, 1 મહિલા અને 1 બાળક સહિત કુલ 3 નિર્દોષ વ્યક્તિઓ ઘાયલ થયા હતા. સ્થાનિકોએ શ્વાનને ભગાડી, ઘાયલોને અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. રખડતા શ્વાનોના ત્રાસથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે અને તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી જિલ્લામાં શ્વાનોનો ઉત્પાતઃ લિલિયામાં 3 લોકોને બચકાં ભર્યાં

અમરેલી: અમરેલી જિલ્લામાં એક તરફ સિંહ-દીપડાં જેવા વન્ય પ્રાણીઓના હુમલાના બનાવો સતત વધી રહ્યા છે, તો બીજી તરફ શહેરો અને ગામડાઓમાં રખડતા શ્વાનોનો આતંક પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આજે મોટા લીલીયાની મુખ્ય બજાર ગણાતા નાવલી બજાર વિસ્તારમાં ખૂંખાર શ્વાને આતંક મચાવ્યો હતો અને અચાનક રાહદારીઓ પર હુમલો કર્યો હતો. જેમાં વૃદ્ધ, મહિલા અને બાળક ઝપટે ચડી જતાં ખરીદી કરવા આવેલા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, નાવલી બજારમાં એકાએક આવી ચડેલા ખૂંખાર શ્વાનના આતંકમાં એક વૃદ્ધ, એક મહિલા અને એક માસૂમ બાળક સહિત કુલ ત્રણ નિર્દોષ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. શ્વાને અચાનક હુમલો કરીને તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાની ગંભીરતા જોઈને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ શ્વાનને ત્યાંથી ભગાડયો હતો. શ્વાનના આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધ અને મહિલાને તાત્કાલિક સ્થાનિક સ્તરે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તેમની તબિયતને ધ્યાનમાં રાખીને વધુ સારવાર અર્થે તેમને અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સદનશીબે માસૂમ બાળકને સામાન્ય ઈજા પહોંચી હતી.
દિન-પ્રતિદિન વધી રહેલા રખડતા શ્વાનોના ઉપદ્રવના કારણે મોટા લીલીયા ગામના વેપારીઓ, દુકાનદારો અને સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી સાંજે બજારમાં અવરજવર કરતા નાગરિકો, શાળાએ જતા બાળકો અને મહિલાઓમાં અસલામતી ઘર કરી ગઈ છે. આ બનાવ બનતા જ સ્થાનિક લોકો અને ઈજાગ્રસ્તોના પરિવારજનો દ્વારા ગ્રામ પંચાયત તથા સ્થાનિક તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે. લોકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે વહેલી તકે રખડતા શ્વાનોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે તંત્ર દ્વારા નક્કર અને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ