ડીપ ડિપ્રેશન ગુજરાત ભણીઃ કાલે અને શનિવારે રાજ્યમાં વ્યાપક વરસાદ થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Weather news : 25 જુલાઈએ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેસર શક્તિશાળી બનીને ઓડીશા તરફ આગળ વધી અતિશય ભારે વરસાદની સિસ્ટમ એવા ડીપ ડિપ્રેશનમાં ફેરવાયા બાદ આજે તે છત્તીસગઢ ઉપર આવ્યું છે અને તે પોતાની શક્તિ જાળવી રાખીને ગુજરાતની દિશામાં આગળ વધેતેવી સંભાવનાના પગલે ગુજરાતમાં બે દિવસમાં વ્યાપક વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે. શુક્રવાર તા.31 અને શનિવાર તા.1ના સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં 75 ટકાથી 100 ટકા વિસ્તારોમાં એટલે કે સાર્વત્રિક વરસાદનું એલર્ટ આજે જારી કરાયું છે.
આજ સુધીમાં ગુજરાતમાં મોસમનો 55 ટકા વરસાદ થયો છે અને જળાશયોમાં પણ 55 ટકા જળસંગ્રહ છે. 70 ટકા વાવણી પૂરી થઈ છે. પરંતુ, ખાસ કરીને સૌરાષ્ટ્રના કચ્છ, પોરબંદર, દ્વારકા સહિત જિલ્લાઓમાં આજે પણ વરસાદની મોટી ખાધ છે ત્યારે ઉપરોક્ત સિસ્ટમથી ફરી સારા વરસાદની આશાનો સૂર્ય દેખાઈ રહ્યો છે. જો કે આજે સૌરાષ્ટ્રમાં વરસાદનો વિરામ રહ્યો હતો.
મોસમ વિભાગે (1) આવતીકાલે તા.30ના સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ (2) તા.31ના અમદાવાદ, વડોદરા, સુરત, ભરુચ, તાપી, આણંદ, ડાંગ, નર્મદા વગેરે જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે અતિશય ભારે (8 ઈંચથી વધુ) વરસાદ વરસવાનું રેડ એલર્ટ જારી કર્યું છે. જ્યારે આ દિવસે, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની ચેતવણી છે. (3) તા.1ના ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વાવ થરાદ, આણંદ, ભરુચ સહિત જિલ્લામાં અતિ ભારે અને સૌરાષ્ટ્ર તેમજ સુરત, વડોદરા સહિત જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે.
એકંદરે આવતીકાલે સૌરાષ્ટ્રમાં અંશતઃ વિસ્તારો અને બાકીના ગુજરાતમાં 50થી 75 ટકા વિસ્તારોમાં અને શુક્રવાર અને શનિવારે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં 75 ટકાથી 100 ટકા વિસ્તારોમાં વરસાદની આગાહી જારી કરાઈ છે.
તા.31 ,1ના સૌરાષ્ટ્રમાં ક્યા જિ.માં ભારે-અતિ ભારે વરસાદ
રાજકોટ - મોસમ વિભાગે આજે જારી કરેલી ચેતવણી અનુસાર
(૧) આવતીકાલે સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ
(૨) તા.31ના રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ,બોટાદ જિ.માં અતિ ભારે વરસાદ અને મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ જિલ્લા અને દિવમાં ભારે વરસાદનું એલર્ટ.
(૩) તા.1ના શનિવારે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લા અને દિવમાં ભારે વરસાદનું એલર્ટ છે.




