રાજકોટ જિલ્લામાં ચોમાસામાં 37 માર્ગોનાં પેચવર્કમાં 'બિલ બાકી' કહીને ખર્ચ છૂપાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં શાસક ભાજપના જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પંચાયત હસ્તકના રસ્તાઓ અંગે સવાલ ઉઠાવ્યો હતો કે ચોમાસાની શરૂઆત એટલે કે મે-૨૦૨૬થી આજદિન સુધી કયા રસ્તાઓ પર પેચવર્ક કરાયું, કયા તાલુકામાં કરાયું, ક્યારે કરાયું અને તેના પાછળ કેટલો ખર્ચ થયો તેનો હિસાબ આપો. પરંતુ નવા સત્તાધીશોને હજુ રાજકાજમાં ઓછી ગતાગમ પડતી હોવાનું માનીને માર્ગ અને મકાન વિભાગ તરફથી ગપગોળા જેવો જવાબ આપી દેવાતા આશ્ચર્ય સર્જાયું છે.
સ્ટેન્ડિંગ ચેરમેન નરસીભાઈ સોજીત્રાનાં સવાલના જવાબમાં કાર્યપાલક ઈજનેર સંજય પટેલે જણાવ્યું કે, રાજકોટ જિલ્લામાં કુલ ૩૭ રસ્તાઓમાં ડામર તથા મેટલથી પેચવર્કની કામગીરી કરાઈ છે, પણ ફક્ત ૩૫ માર્ગો જ સામાન્ય સભામાં રજૂ કર્યા, એમાં પણ ખર્ચનો હિસાબ આપવાને બદલે ચાર મહિના પહેલા થયેલી કામગીરીમાં પણ 'બિલ બાકી' લખીને આંકડો છૂપાવી દેવાયો અને ચાલ્યું પણ ખરૂં ! જેમાં જામકંડોરણાનાં દડવી, પીપળીયા, રામપર એમ ત્રણ રોડનાં મે મહિનામાં થયેલા કામનો સમાવેશ થાય છે. ક્યાં રસ્તા પર કેટલા ચોરસ મીટર કે ક્યુબિક મીટર કામ થયું, કેટલું મટિરિયલ વપરાયું, ગેરન્ટી પિરિયડનો રોડ હતો કે નહીં, કામનો મંજૂર દર શું હતો અને વાસ્તવિક બિલ કેટલી રકમનું છે ? એવું કશું લેખિત જવાબમાં આપવામાં આવ્યું નહીં. જેમાં સૌથી વધુ ગોંડલમાં ૮ રસ્તા, ત્યારબાદ વિંછીયા ૫ અને ઉપલેટા, જેતપુર તથા કોટડા સાંગાણીમાં ૪-૪ રસ્તાનો સમાવેશ થાય છે. પ્રશ્નમાં 'થયેલા ખર્ચની વિગત' માગવામાં આવી હોય ત્યારે માત્ર 'બિલ બાકી' લખવાથી ખર્ચનો નાણાકીય જવાબ મળતો નથી.
બીજી તરફ જિલ્લા પંચાયતનાં પ્રમુખ સંજય પીપળીયાએ જણાવ્યું કે, 'વાર્ષિક ધોરણે કામગીરી સંભાળતા કોન્ટ્રાક્ટરોને ડામરનો ભાવ વધવા અને શોર્ટેજનો પ્રશ્ન હોવાથી અસંતોષ હતો. જો કે, તેમની સાથે પણ બેઠક કરીને સુખદ સમાધાન લાવી મનાવી લેતાં હવે ૧૫ દિવસમાં તમામ તૂટેલા માર્ગોનું રીપેરીંગ કરી આપવાની ખાતરી આપી છે. આ સાથે પેચવર્ક બાદ થોડા જ સમયમાં રસ્તા ફરી જર્જરિત થવા અંગે માર્ગ અને મકાન વિભાગને જરૂરી તાકિદ પણ કરી છે.'
- થોડાં સમય પહેલા રોગચાળાનાં પણ ખોટાં આંકડાં આપ્યા'તા
રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ પાસે થોડા સમય પહેલા આરોગ્ય સમિતિનાં નવનિયુક્ત ચેરમેન દ્વારા રોગચાળાનાં આંકડાં માંગવામાં આવ્યા હતા. પરંતુ એ પણ સાવ ઓછા અને ખોટા આપવામાં આવ્યા હોવાનું બહાર આવતા વિવાદ સર્જાયો હતો. - શંકાસ્પદ સ્થળાંતર ખર્ચનો તપાસ રિપોર્ટ એક વર્ષથી છૂપાવાઈ રહ્યો છે
રાજકોટ જિલ્લા પંચાયત કચેરીનું જૂની કોર્ટ બિલ્ડિંગમાં સ્થળાંતર કરવા પાછળ રૂા.૮૪ લાખનો ખર્ચ બતાવીને રૂા.૧૯ લાખ જેવું ચુકવણું પણ કરી નાખવામાં આવ્યું પણ પછી વિવાદ સર્જાતા એક વર્ષ પહેલા ડીડીઓ દ્વારા તપાસ ટીમ બનાવીને ૧૫ દિવસમાં રિપોર્ટ આપવાનું જાહેર કરાયું હતું, પણ આજ સુધી એ છૂપાવાઈ રહ્યો છે.




