Rajkot

પારદર્શિતાના દાવા પોકળઃ મોરબી મનપાની સામાન્ય સભા બંધ બારણે

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
મોરબી મહાનગરપાલિકામાં ભાજપ શાસકોએ લોકશાહીના ધોરણો નેવે મૂકી સામાન્ય સભા ગુપ્ત રાખી હતી. મેયર અને કમિશનરના નિવેદનોમાં વિરોધાભાસ છતો થયો. મહિલા કોર્પોરેટરોના પતિઓની હાજરી વચ્ચે 15 સમિતિઓની રચના કરાઈ. ભંગાર ચોરી અને બાળ મજૂરીના મુદ્દે કાર્યવાહીના આદેશ અપાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

પારદર્શિતાના દાવા પોકળઃ મોરબી મનપાની સામાન્ય સભા બંધ બારણે

મોરબી: મોરબી મહાનગરપાલિકાની રચના બાદ પ્રજાને પારદર્શક અને ઉત્તમ વહીવટ મળશે તેવી મોટી મોટી વાતો કરવામાં આવી હતી, પરંતુ સત્તાના નશામાં ચૂર ભાજપ શાસકોએ લોકશાહીના તમામ ધોરણો આજે મળેલી સામાન્ય સભામાં નેવે મૂકી દીધા હતા. તમામ બાવન બેઠકો પર જીત મેળવ્યા બાદ શાસકોએ ભારે અહંકારમાં આવીને બંધ બારણે સામાન્ય સભામાં મહિલા કોર્પોરેટરોના પતિદેવોની શંકાસ્પદ હાજરી વચ્ચે ૧૫ સમિતિઓની ચોરીછુપીથી રચના પણ કરી નાખી હતી.
લોકશાહીમાં પારદશતાના દાવા કરતી ભાજપ સરકારનાં શાસનમાં જ સામાન્ય સભા ગુપ્ત રાખવી પડે તે બાબત શંકાસ્પદ બની હતી. જાગૃત નગરજનો અને પત્રકારોને પણ સમાન્ય સભામાંથી બહાર કાઢવાના મામલે મેયર ઉત્તમ સુરાણી અને કમિશનર સંગીતા રૈયાણીના નિવેદનોમાં સ્પષ્ટ વિરોધાભાસ અને લીંપાપોતી જોવા મળી હતી, જેનાથી બંને વચ્ચેના તાલમેલનો અભાવ પણ છતો થયો છે. એક તરફ સામાન્ય જનતા અને પત્રકારોને સભામાં બેસવા દેવામાં આવ્યા નહોતા, તો બીજી તરફ ચૂંટાયેલા મહિલા કોર્પોરેટરોના પતિદેવો હોદ્દેદારોની જેમ સભાખંડમાં બિરાજમાન જોવા મળ્યા હતા. મહિલા કોર્પોરેટરોના પતિની હાજરી વિશે કમિશ્નરે જણાવ્યું હતું કે 'એ મામલે મેયરે ખુલાસો માંગ્યો છે, આ ગંભીર બાબત છે, ચલાવી લેવાય નહિ. કોર્પોરેટરોને આઈ કાર્ડ આપવામાં આવ્યા છે, ભવિષ્યમાં તકેદારી રખાશે.'
આ વિવાદો વચ્ચે મહાપાલિકા દ્વારા બાંધકામ, સેનિટેશન, સમાજ કલ્યાણ, આરોગ્ય-લાઈટીંગ, વોટર વર્કસ, ડ્રેનેજ અને બાગબગીચા સહિતની કુલ ૧૫ સમિતિઓની રચના કરીને તેમાં ચેરમેન, વાઈસ ચેરમેન અને સભ્યોની વરણી કરવામાં આવી હતી.

  • ભંગાર ચોરીના મામલે ફરિયાદ નોંધવા આદેશ
    ચર્ચાસ્પદ બનેલા ભંગાર ચોરીના મામલે કમિશનરે કર્મચારીનો જવાબ અમાન્ય રાખી એફઆઈઆર દાખલ કરવા ચિફ ઓડિટરને તપાસ સોંપવામાં આવી છે તેમજ ગાર્બેજ કલેક્શન એજન્સી દ્વારા બાળ મજૂરી કરાવવાના ગંભીર પ્રશ્ને પણ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે.