Rajkot

તબેલાની બે કરોડની લોનમાં સબસીડી આપવાની લાલચ આપી 40 લાખની ઠગાઈ

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
રાજકોટના બેટી ગામના ખેડૂત દેવરાજભાઈ ભલગામડીયા સાથે ભાવેશ સરૈયાએ ₹2 કરોડની તબેલા લોન અને 65% સબસીડીની લાલચ આપી છેતરપિંડી આચરી છે. આરોપીએ ડિપોઝીટ પેટે ₹40 લાખથી વધુ રકમ લીધા બાદ લોન પાસ ન કરાવી કે પૈસા પરત ન કરતા એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવથી ખેડૂત આલમમાં ચકચાર મચી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તબેલાની બે કરોડની લોનમાં સબસીડી આપવાની લાલચ આપી 40 લાખની ઠગાઈ

રાજકોટ : કુવાડવા નજીક બેટી (રામપર) ગામે રહેતા ખેડૂત દેવરાજભાઈ પોપટભાઈ ભલગામડીયા (ઉ.વ.૬૦)ને તબેલાની બે કરોડની અલગ-અલગ ત્રણ લોન કરાવી ૬પ ટકા સબસીડી કરાવી આપવાની લાલચ આપી આરોપી ભાવેશ છબીલદાસ સરૈયા (રહે. માનસરોવર પાર્ક, આજીડેમ પાસે)એ ડિપોઝીટ પેટે રૂા.૪૦ લાખ લઈ લીધા બાદ લોન પાસ નહીં કરાવી રૂપિયા પરત ન આપી છેતરપિંડી કર્યાની એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદમાં દેવરાજભાઈએ જણાવ્યું કે, ત્રણ વર્ષ પહેલા તેણે બેટી ગામ પાસે આવેલી વારસાઈની જમીન વેંચી અને તેના બદલામાં વાંકાનેરના રાતડીયા ગામમાં ખેતીની જમીન ખરીદ કર્યા બાદ થોડા પૈસા બચતા તેણે ટ્રેકટર ખરીદ કરવાનું નક્કી કર્યું હતું. વર્ષ ર૦ર૩ના સપ્ટેમ્બર મહિનામાં તે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રેકટર ખરીદવા માટે શો રૂમમાં ગયા. ત્યાં એજન્ટ તરીકે કામ કરતો આરોપી ભાવેશ હતો. તેને ટ્રેકટર લેવાની વાત કરી હતી. બાદમાં તેને પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. બે દિવસ બાદ આરોપી ભાવેશનો ફોન આવ્યો કે ખેતીની જમીનના કાગળો લઈને આવજો ટ્રેકટરની ખરીદીમાં સબસીડી મળશે વાત કરી હતી.
ત્યારબાદ શો રૂમમાંથી ટ્રેકટર લઈ આવ્યા હતા. તે સમયે આરોપી ભાવેશે કહ્યું કે 'હું તબેલાની લોન કરાવી આપવાનું કામ પણ કરૂ છું. આ લોનમાં મોટી સબસીડી મળશે. તમને તબેલાની રૂા.બે કરોડની ત્રણ અલગ-અલગ લોન કરાવી આપીશ. એક લોન કરાવવા માટે રૂા.૧૩.૪૦ લાખ ડીપોઝીટ પેટે જમા કરાવવા પડશે. વાત કરતા તેણે હા પાડી હતી.
આરોપી ભાવેશે તેને તથા અન્ય બે વ્યક્તિના નામે ત્રણ અલગ-અલગ તબેલાની લોન કરાવી આપી ૬પ ટકા સબસીડી કરાવી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ તેની પાસેથી ડિપોઝીટ પેટે રૂા.૪૦,૧૬,૦૦૦ લઈ લીધા હતા અને ત્રણ લોનના ચાર્જ પેટે રૂા.૯ લાખ આરોપીને આપવાના છે તેવું લખાણ લખાવી લીધા બાદ લોન પાસ નહી કરાવી અને તેના રૂપિયા પણ પરત ન આપી છેતરપિંડી આચરી હતી.