ઉદ્યોગકારને મોબાઇલની સ્ક્રીન શેરીંગ કરાવી ક્રેડીટ કાર્ડમાંથી 6.50 લાખ ઉપાડી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : ક્રેડીટ કાર્ડ કેવાયસી કરાવવાના બહાને વીડિયો કોલ કરી તેના આધારે સ્ક્રીન શેરીંગ કરાવી ભોગ બનનારના મોબાઇલનું એક્સેસ મેળવી લઇ સાયબર ગઠિયાઓએ તેના ત્રણ ક્રેડીટ કાર્ડમાંથી રૂા.૬.૫૨ લાખ ઉપાડી લીધાનો બનાવ ધ્યાને આવ્યો છે. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
યુનિવર્સિટી રોડ પરના નટરાજનગર નજીક વીર ગંગા શેરી નં.૨માં રહેતા નિલેશભાઇ પ્રધાનભાઇ ચંદારાણા (ઉ.વ.૫૨) શાપરમાં સ્કીનની દવાની કંપની અને કોસ્મેટિક્સ આઇટમનો વેપાર કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે, તે ત્રણ ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરે છે. ગઇ તા.૨ના રોજ સવારે અજાણ્યા નંબર ઉપરથી કોલ કરનારે એચડીએફસી બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી ક્રેડીટ કાર્ડ અપડેટ કરવાની ઓફર જણાવી હતી.
સાંજે ફરીથી કોલ કરી વીડિયો કેવાયસીની પ્રોસેસ કરવાના બહાને વીડિયો કોલ કરી આધારકાર્ડ, પાનકાર્ડ, સેલ્ફી ફોટો અને ત્રણેય ક્રેડીટ કાર્ડની ડીટેઇલ્સ મેળવી લીધી હતી. કેવાયસીમાં એરર આવે છે તેમ કહીં મોબાઇલની સ્ક્રીન શેર કરવાનું કહ્યું હતું. તેમ કરતા જ ગઠીયાઓએ તેના મોબાઇલની એક્સેસ મેળવી લઇ તેના ત્રણેય ક્રેડીટ કાર્ડમાંથી રૂા.૬.૫૨ લાખ ઉપાડી લીધા હતા.
તત્કાળ ફ્રોડ થયાની જાણ થઇ હતી. જેને કારણે ક્રેડીટ કાર્ડ બ્લોક કરાવી નાખ્યા હતા. પણ તે પહેલા ટ્રાન્ઝેક્શન થઇ ગયા હતા. જે અંગે સાયબર ક્રાઇમના હેલ્પ લાઇન નંબર ઉપર ફરિયાદ કરી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.









