બુટલેગર હર્ષદ મહાજનના નામચીન પુત્રએ સાગરીતો સાથે બે સ્થળે માથાકૂટ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : ગુજસીટોકમાં પકડાયેલા કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનના માથાભારે પુત્ર જેનિશ અને તેના સાગરીતોએ ગઇકાલે રાત્રે બે સ્થળે માથાકુટ કરતા દેકારો મચી ગયો હતો. ગાંધીગ્રામ પોલીસે જેનિશ સહિત ત્રણ આરોપીની અટકાયત કરી હતી.
પોલીસે જણાવ્યું કે, અયોધ્યા ચોક પાસેના હિંમતનગરમાં રહેતો રવિ સાટિયા (ઉ.વ.૨૨) ગઇકાલે રાત્રે શિતલ પાર્ક પાસે વીડિયો કોલ પર વાત કરતો હતો ત્યારે જેનિશ અને તેના મળતીયાઓને પોતાનું વીડિયો શૂંટિંગ કરતો હોવાનું જણાતા તમાચા ઝીંકી દીધા હતા.
ગાંધીગ્રામ શેરી નં.૬માં રહેતા અને મકાનમાં જ સાડીની દુકાન ધરાવતા ભાવનાબેન બાબરીયા (ઉ.વ.૪૭)ના ઘર પાસે ગઇકાલે કશ્યપ અને અજાણ્યો શખ્સ ગાળો બોલતા હોવાથી તેમ કરવાની ના પાડતા ભાવનાબેનના ઘરની બહાર પાર્ક બાઇકને ધક્કો મારી તેને કહ્યું કે, ગાળો બોલાશે. એટલું જ નહીં તેની પુત્રી વિશે અપશબ્દો કહ્યા હતા. તેના પતિ અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
તેનો પુત્ર શુભમ બહાર આવતા તેના મોઢા પર મુક્કો માર્યો હતો. થોડી વાર બાદ બંને આરોપીઓ જતાં રહ્યા હતા. વધુ બે શખ્સોને લઇને ફરીથી ત્યાં આવ્યા હતા. આવીને શુભમને મારકુટ કરી હતી. ભાવનાબેન વચ્ચે પડતાં તેના મોઢા પર લોખંડનો પાઇપ ઝીંકી દીધો હતો. તેના પતિ ઉપર પણ પાઇપથી હુમલો કર્યા બાદ ચારેય આરોપીઓ જતાં રહ્યા હતા.
ગાંધીગ્રામ પોલીસમાં કશ્યપ અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો હતો. પોલીસે જણાવ્યું કે શિતલ પાર્ક પાસે યુવકને તમાચો ઝીંકવાના કેસમાં જેનિશ, ભાવિક પટેલ અને કશ્યપ સોલંકીની અટકાયત કરી ચોથા આરોપીની શોધખોળ શરૂ કરાઇ છે. આ ચારેય આરોપીઓએ ભાવનાબેન અને તેના પરિવારના સભ્યો ઉપર પણ હુમલો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે જનિશ મહાજન આ અગાઉ ગાંધીગ્રામ પોલીસ મથક ઉપર હુમલો, મારામારી અને પ્રોહિબિશનના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ગયો છે. છાશવારે માથાકુટ અને ડખ્ખા કરવાની ટેવ ધરાવે છે. આમ છતાં પોલીસ તેને કાબૂમાં કરવામાં સદંતર નિષ્ફળ ગઇ છે.




